અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:મોબાઈલમાં શારીરિક અડપલાંનો વીડિયો બતાવી મહિલા સાથે દુષ્કર્મ, અન્ય યુવતી સાથે પ્રેમ થતા પ્રેગ્નન્ટ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ શહેરમાં એક કંપનીમાં મજૂરી કામ કરતી મહિલા સાથે બળજબરી દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે.જેમાં મહિલા એક યુવતી અને યુવક સાથે પરિચયમાં આવી હતી. બાદમાં યુવતીએ મહિલાનો પરિચયમાં આવેલ યુવક સાથે શારીરિક અડપલાં કરતો વીડિયો ઉતારી દીધો હતો.જે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવકે મહિલા સાથે બળજબરી શારીરિક સંબંધ બાંધતા અંતે મહિલાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

તમે મારા ઘરે આવો
આ અંગે પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં નારોલમાં રહેતી મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં પ્રીતી અને નરેશના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે કે, તે એક કંપનીમાં મજૂરી કામ કરતી હતી ત્યારે પ્રીતી અને નરેશના સંપર્કમાં આવી હતી. નવ મહિના પહેલા પ્રીતી મહિલાના ઘરે ગઈ હતી અને 'હું તમારા ઘરે અવાર નવાર આવુ છું, તમે મારા ઘરે આવો' તેમ કહીને મહિલા અને તેના દીકરાને તેના ઘરે લઈ ગઈ હતી.

તારા પતિને જાનથી મારી નાખીશ
બાદમાં દીકરાને ઠંડુ લેવા માટે બહાર મોકલી દીધો હતો ત્યારે નરેશ મહિલા સાથે શારીરીક અડપલા કરવા લાગ્યો હતો. જેથી મહિલા ત્યાંથી નિકળીને તેના ઘરે પહોંચી હતી. બાદમાં એક દિવસ નરેશ મહિલાના ઘરે પહોંચ્યો હતો અને મોબાઈલમાં શારીરીક અડપલા કરતો વીડિયો બતાવ્યો હતો. જે પ્રીતીએ ઉતાર્યો હતો. અને વીડિયો વહેતો કરવાની ધમકી આપીને મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ. એટલુ જ નહીં મહિલાનો પતિ ઘરે ન હોય ત્યારે પણ નરેશ ઘરે આવતો અને દુષ્કર્મ ગુજારતો હતો. અને 'જો આ વાતની જાણ કોઈને કરીશ તો તને અને તારા પતિને જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપતો હતો.

તું મને બહુ ગમે છે, મારે તારી સાથે લગ્ન કરવા છે
અમદાવાદ શહેરમાં મહિલાઓ અસુરક્ષિત હોય તેમ લાગી રહ્યું છે. દિનપ્રતિદિન છેડતી, દુષ્કર્મ સહિતના બનાવો સતત પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે.ત્યારે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં છેડતી અને દુષ્કર્મનો બનાવ નોંધાયો છે.જેમાં પ્રથમ કિસ્સામાં અમરાઈવાડીમાં રહેતી 25 વર્ષીય યુવતીએ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2018માં પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે લગ્નના બે વર્ષ બાદ પતિને બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ બંધાતા પતિએ યુવતીને છુટાછેડા આપ્યા હતા. જેથી યુવતી એકલી રહેતી હતી. ત્યારે તેનો દિયર હસમુખ ત્યાં આવ્યો હતો અને 'તું મને બહુ ગમે છે, મારે તારી સાથે લગ્ન કરવા છે' તેમ કહીને યુવતીને વિશ્વાસમાં લીધી હતી. બાદમાં હસમુખ યુવતીને લઈને મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા. સાત મહિના જેટલો સમય બન્ને સાથે રોકાયા હતા બાદમાં હસમુખે યુવતીને જણાવ્યુ હતુ કે, મારે બીજી છોકરી સાથે લગ્ન કરવા છે અને આપણે કરેલા લગ્ન કાયદાકીય નથી તેમ કહીને મોબાઈલ લઈને મંદિરમાં કરેલા લગ્નના ફોટા ડીલીટ કરી નાખ્યા હતા. જો કે યુવતીએ પોતે ચાર મહિનાની ગર્ભવતી હોવાનુ કહેવા છતા પણ હસમુખે તેને ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી યુવતી તેના માતા-પિતાના ઘરે પહોંચી હતી.

દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો
બીજા કિસ્સામાં અમરાઈવાડીમાં શિક્ષિકા તરીકે સ્કુલમાં ફરજ બજાવતી મહિલાએ અમિતના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી કે એક વર્ષ પહેલા પતિ સાથે મનમેળ ન થતા છુટાછેડા લીધા હતા. બાદમાં તે તેની દિકરી સાથે રહેતી હતી. આ દરમિયાન તેમના વિસ્તારમાં રહેતો અમીત મોર્ય મહિલાના સંપર્કમાં આવ્યો હતો અને બન્ને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. જો કે થોડા દિવોસ પછી પ્રેમી અમીત અવાર નવાર મહિલા પર ખોટી શંકા રાખીને ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી મહિલાએ કંટાળીને પ્રેમસંબંધનો અંત લાવી દીધો હતો. જેથી ઉશ્કેરાયેલો અમીત અવાર નવાર મહિલાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જો કે મહિલાએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા અમીતે જે પૈસા મે તારી પાછળ વાપર્યા છે તે પૈસા તુ મને આપી દે નહીં તો તને હેરાન કરી નાખીશ તેમ કહીને જાહેર માં જ મહિલાને અપશબ્દો બોલીને છેડતી કરવા લાગ્યો હતો. એટલુ જ નહીં અવાર નવાર ફોન કરીને દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

એજન્ટે હોટલમાં બુંકિંગ કરાવ્યું પરંતુ પૈસા ન ચૂકવી છેતરપિંડી આચરી
શહેરમાં રહેતા એક વેપારી સાથે ટ્રાવેલ એજન્ટએ 9 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.જેમાં વેપારીએ ટ્રાવેલ્સ એજન્ટને સાત દિવસ પ્રવાસનું પેકેજ નક્કી કરીને 9.32 લાખ ચુકવી દીધા હતા. જો કે, એજન્ટે બુંકિંગ તો કર્યું હતું પરંતુ હોટલ સહિતની જગ્યાએ પૈસ ચુકવ્યા ન હોવાથી વેપારી અને પરિવાર એક તબક્કે ફસાઇ પડ્યો હતો અને તમામ જગ્યાએ પૈસા ચુકવવા પડ્યા હતા. જેથી આ મામલે નિકોલ પોલીસ મથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવી છે.

21 સભ્યના પેકેજ બદલે મયૂરે 9.32 લાખ થશે
બાપુનગર વિસ્તારમાં પવનકુમાર રમેશભાઇ માંગુકીયાએ ટ્રાવેલ એન્જટ મયૂર સામે નિકોલ પોલીસ મથકે ઠગાઇ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેના જ વિસ્તારમાં કારખાનુ ધરાવે વેપાર કરે છે. બે વર્ષ પહેલાં ટુરીઝમનો વ્યવસાય કરતા મયૂર હિંમતભાઇ શિરોયા સાથે સંપર્ક થયો હતો. પવનને પરિવાર સાથે અમૃતસર, ડેલહાઉસી, ધર્મશાલા સહિતની જગ્યાએ ફરવા જવાનું હોવાથી મયૂરનો સંપર્ક કર્યો હતો અને તેને સાત દિવસનું પેકેજ કરી આપવા કહ્યું હતું. 21 સભ્યના પેકેજ બદલે મયૂરે 9.32 લાખ થશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ જુદા જુદા એકાઉન્ટમાંથી પવને મયૂરને 9.32 લાખ રૂપિયા ચુકવી આપ્યા હતા. ત્યારબાદ 5 મે 2022ના રોજ પરિવારના 21 સભ્યો એરપોર્ટથી અમૃતસર જવા નિકળ્યા હતા.

તેમણે પૈસા ચુકવી આપ્યા હતા
જ્યાંથી તેઓ ડેલહાઉસી પહોંચ્યા હતા. ત્યાં ચેક આઉટ કરતા હોટલના બીક બાકી હોવાનું જણાવ્યું હતું. ત્યારે મયૂરે નાંણા ચુકવ્યા હોવાનું પવને જણાવ્યું હતું. પરંતુ હોટલના કર્મચારીએ મયૂરે કોઇ જ પૈસા ચુકવ્યા નથી તેમ જણાવ્યું હતું. જેથી મયૂરને ફોન કરતા તેણે માફી માગી પૈસા પરત આપવાનું કહ્યું હતું. ધર્મશાલામાં પણ આજ રીતે મયૂરે કર્યું હતું. ઉપરાંત તમામ જગ્યાએ પવન ભાઇના પૈસા બાકી નિકળતા તેમણે પૈસા ચુકવી આપ્યા હતા. તે સમયે મયૂરે પરત આવ્યા બાદ પૈસા પરત આપશે તેમ જણાવ્યું હતું. પરત આવ્યા બાદ મયૂરે પૈસા આપવાની જગ્યએ ધમકી આપી હતી. ત્યારબાદ પવન મયૂરને ફોન કરતા તે બંધ આવતો હતો. જ્યારે તેની ઓફિસે જતા તેની ઓફિસે તાળું હતું અને ઘરે પણ તે મળી આવ્યો ન હતો.

કેમેરાની ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા
કેમેરાની ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા

'તમે તમારો કેમેરો લઈને આવો'કહી કેમરો મંગાવી 2 શખ્સોએ ચોરી કરી
અમદાવાદ શહેરમાં થોડા સમય અગાઉ પ્રિ-વેડિંગનું ફોટો શૂટિંગનું કામ હોવાનું કહીને ઓર્ડર અપાવવાનું કહીને કેમેરા તથા લેન્સ અને એસેસરીઝ છેતરપિંડીથી લઈને ફરાર થઇ જનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.આરોપીઓ પાસેથી કેમેરા અને અન્ય સામાન પણ કબ્જે કરવામાં આવ્યો છે.કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ફરિયાદીને પાર્થ શાહ નામના વ્યક્તિએ ફોન કરીને કહ્યું કે, 'પ્રિ-વેડિંગનું ફોટો શૂટ છે અને મારા કેમેરા મેનનો એક્સિડન્ટ થયો છે. જેથી તમે તમારો કેમેરો લઈને આવો'. ફરિયાદીને પાર્થ શાહ ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો ત્યારે ફરિયાદી કેમેરો,લેન્સ અને એસેસરીઝ લઈને ગાડીમાં બેઠા હતા જે બાદ નિકોલ ખાતે અન્ય સામાન્ય લેવા ફરિયાદી તેમની દુકાનમાં ગયા હતા ત્યારે ગાડીમાં રહેલ સામાન લઈને પાર્થ શાહ અને હિતેશ રાવળ નાસી ગયા હતા.

રૂ.15.36 લાખની છેતરપિંડી થઈ
આ મામલે તપાસ કરીને પોલીસે અલગ અલગ જગ્યાએથી છેતરપિંડીથી લાવેલ કેમેરા અને સામાન ઓછા ભાવમાં વેચનાર અને મુખ્ય આરોપી પાર્થ શાહના સાથી પુરવ શાહ, હિતેશ રાવળ અને મનોજ પરમારની ધરપકડ કરી છે.જોકે હજુ મુખ્ય આરોપી પાર્થ શાહ ફરાર છે જેની શોધખોળ હાથ ધરી છે.આરોપીઓને પકડીને પોલીસે કાગડાપીઠ,કૃષ્ણનગર અને ગોધરાના ગુના ડીટેકટ કર્યા છે જેમાં 15.36 લાખની છેતરપિંડી થઈ હતી.