છેતરપિંડી:89 લાખમાં 150 ટન તેલ આપવાનું કહી વેપારી સાથે 20 લાખની ઠગાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા પરથી વેપારીને ગઠિયાનો નંબર મળ્યો હતો

બાયોડીઝલ રો-મટીરિયલનો ધંધો કરતા વેપારીઓના સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ ગૃપમાં જોડાયેલા એક વેપારીને ગઠિયાએ રૂ.89 લાખમાં 150 ટન સોયા બેઝનું વપરાયેલું કૂકિંગ ઓઈલ આપવાનું કહીને એડવાન્સ પેટે રૂ.20 લાખ મેળવી લીધા હતા. ત્યારબાદ સેમ્પલ અને તેલનો જથ્થો જોવા માટે કંડલા આવવાનું કહેતા વેપારીએ માણસને મોકલ્યો હતો. પરંતુ ત્યાં વેપારી કે તેનો માણસ આવ્યો ન હતો. જ્યારે મુંબઈની ઓફિસને પણ તાળા વાગેલા હતા.

આનંદનગરમાં રહેતા મંથનભાઈ ત્રિવેદી ભાગ્યેશ ઈન્ડસ્ટ્રીઝ એલ.એલ.પી. નામથી ઓફિસ ધરાવીને બાયોડીઝલ મટીરિયલનો ધંધો કરે છે. ફેસબુક ઉપર યૂઝડ કૂકિંગ ઓઈલ સપ્લાયર ઈન ઈન્ડિયા નામના એક ગ્રૂપમાં મંથનભાઈએ સર્ચ કરતાં મુંબઈના શશાંકનો સંપર્ક થયો હતો.

મંથનભાઈએ 150 ટન યુઝ કૂકિંગ ઓઈલ ખરીદવાની વાત કરતા શશાંકે રૂ.89 લાખ ભાવ આપ્યો હતો. જેમાં શશાંકે 50 ટકા પૈસા એડવાન્સ માગ્યા હતા પરંતુ મંથનભાઈએ રૂ.20 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. જેથી શશાંકે મંથનને કહ્યું હતુ કે મારો મરાઠી માણસ કંડલા પોર્ટ ઉપર જઈને તમને ઓઈલનો જથ્થો બતાવી દેશે. જેથી મંથને તેમના માણસ પરેશભાઈ બટનવાલાને કંડલા મોકલ્યા હતા. પરંતુ ત્યાં કોઈ આવ્યુ ન હતુ. જ્યારે શશાંકનો ફોન પણ બંધ આવતો હતો. જેથી પરેશભાઈને મુંબઈ ખાતેની શશાંકની ઓફિસે મોકલતા તે ઓફિસને પણ તાળા વાગેલા હતા. જેથી આ અંગે મંથને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...