સેટેલાઇટ પાસે ઇસ્કોન-આંબલી રોડ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. ભત્રીજાના ઘરે જઈ રહેલા સિનિયર સિટીઝન દંપતીની કાર સાથે અન્ય એક કારચાલકે અકસ્માત કરતા દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું, જ્યારે અકસ્માત કરનારી કારનો ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે દંપતીમાંથી પત્નીને ફ્રેક્ચર અને પતિને હેમરેજ થયું હતું.
આંબાવાડીના સ્વરા સેફાયરમાં રહેતા પંકજભાઈ શાહ (ઉં.73) પત્ની રૂપાબહેન (ઉં.71) સાથે કાર લઈને ઈસ્કોન-આંબલી રોડ પર આવેલા એમરલ ફ્લેટમાં રહેતા ભત્રીજા ડો. માલવના ઘરે જવા નીકળ્યા હતા. સાંજે 7 વાગ્યે તેઓ અધીરાજ બંગ્લોઝ ચાર રસ્તા પસાર કરી રહ્યા હતા તે સમયે ત્યાંથી પૂરઝડપે પસાર થઈ રહેલી અન્ય એક કારના ચાલકે પંકજભાઈની કાર સાથે અકસ્માત કર્યો હતો, જેમાં પંકજભાઈ અને રૂપાબહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. આથી તેમણે ફોન કરી ભત્રીજા માલવને ત્યાં બોલાવ્યો હતો. બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
રૂપાબેહેનને ડાબી બાજુની પાંસળીમાં ફ્રેક્ચર જ્યારે પંકજભાઈને હેમરેજ થયું હતું. આ અંગે રૂપાબહેને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.