તપાસ:RTEમાં પ્રવેશ લેતાં વાલીઓની આર્થિક સ્થિતિ જાણવા માટે ચાર સ્કૂલે ડિટેક્ટિવ એજન્સી રોકી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એજન્સી વાલીઓના ઘરે જઈ આવક સહિતની બાબતોની તપાસ કરશે
  • વાલીએ​​​​​​​ રજૂ કરેલા દસ્તાવેજો ખોટા હશે તો સ્કૂલો પોલીસ ફરિયાદ કરશે

રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) અંતર્ગત સ્કૂલોને ફાળવેલા વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ તપાસવા માટે શહેરની ચાર જાણીતી સ્કૂલોએ ડિટેક્ટીવ એજન્સીને હાયર કરી છે. એજન્સીના માણસો વિદ્યાર્થીને સરનામા પર જઇને રહેઠાણની સ્થિતિ અને વાલીની આવકની તપાસ કરશે. સ્કૂલ સંચાલકોના મતે, જો વાલીએ આરટીઇમાં એડમિશન મેળવવા ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હશે તો પોલીસ ફરિયાદ કરીશું.

અમદાવાદ શહેરમાં પહેલીવાર 30 હજાર વિદ્યાર્થીઓએ આરટીઇમાં એડમિશન માટે ફોર્મ ભર્યા હતા. તેની સામે 1385 સ્કૂલોમાં 12 હજાર જેટલી જ સીટો છે. આરટીઇની પ્રક્રિયાની શરૂઆતના તબક્કે જ વિદ્યાર્થી સંગઠન દ્વારા ખોટા દસ્તાવેજો દ્વારા ઘણા વાલીએ એડમિશન લીધા હોવાની રજૂઆત શિક્ષણ વિભાગને કરાઇ હતી. એડમિશન બાદ વાલીઓને સુચના આપી હતી કે સ્કૂલ ઇચ્છે તો તપાસ કરીને ખોટા દસ્તાવેજો રજૂ કરનારા વાલી સામે પોલીસ ફરિયાદ કરી શકે છે. આ વર્ષે પહેલીવાર શહેર ડીઇઓ દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરવા મુદ્દે વાલી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. હવે સ્કૂલો પણ પોતાની રીતે તપાસ કરાવશે.

એજન્સીને રૂ.1 લાખ સુધી ચૂકવાશે
સ્કૂલો આરટીઇમાં ખોટા દસ્તાવેજો સાથે એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓની તપાસ માટે 50 હજારથી 1 લાખ સુધીનો ચાર્જ ચુકવશે. એજન્સી સાથે કરેલા કોન્ટ્રાક્ટ મુજબ અમુક સ્કૂલે વિદ્યાર્થીની સંખ્યા પ્રમાણે તો અમુક સ્કૂલે ઉંચક રકમે તપાસની કિંમત નક્કી કરી છે. તપાસ દરમિયાન વાલીઓએ એજન્સીના માણસોને સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે.

માત્ર શંકાસ્પદ કેસની તપાસનો નિર્ણય
સ્કૂલ સંચાલકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સ્કૂલને ફાળવેલા તમામ વિદ્યાર્થીઓની તપાસ નહીં કરાય, પરંતુ માત્ર શંકાસ્પદ વિદ્યાર્થીઓના જ ઘર અને વાલીની આવકની તપાસ કરાશે. આ માટે બેંક સ્ટેટમેન્ટની ઉપરાંત આસપાસના રહેનારા લોકોની પણ મદદ લેવાશે. વિદ્યાર્થીએ પ્રિ- પ્રાઇમરી સેક્શનનો અભ્યાસ કર્યો હશે તો તેની ફી અંગેની પણ માહિતી એકઠી કરાશે.

અન્ય સમાચારો પણ છે...