હવે આજ બાકી હતું:લીંબુ બાદ હવે મરચાની ચોરી, અમદાવાદના જમાલપુર શાકમાર્કેટમાં ચાર શખ્સ ટ્રકમાંથી મરચા ભરેલા પોટલા ચોરી ગયા, 2 ઝડપાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • ખેડાનો યુવક જમાલપુર શાકમાર્કેટમાં શાકભાજી વેચવા આવ્યો હતો
  • ટ્રકમાંથી મરચાના પોટલા ચોરતા 2 શખ્સને લોકોએ ઝડપી લીધા, બે ફરાર થઈ ગયા

દેશમાં જે રીતે લીંબુ સહિત અન્ય શાકભાજીના ભાવ વધી રહ્યા છે તેને કારણે હવે લોકો લીંબુ અને મરચાં પણ ચોરી કરતા થઈ ગયા છે. થોડા સમય પહેલાં 15,૦૦૦ રૂપિયાના લીંબુની ચોરી થઇ હોવાની વિગતો ધ્યાનમાં આવી હતી, ત્યારે અમદાવાદના જમાલપુર શાકમાર્કેટમાં શાકભાજી વેચવા આવેલા યુવકના ટ્રકમાંથી મરચાની પોટલાઓ ચોરી કરાઈ છે. મરચા ચોરી કરનારા ચાર યુવકો પૈકી બેને ઝડપી લેવામાં આવ્યા છે અને બાકીના બે યુવકોની તપાસ કરવામાં આવી રહી છે. ટ્રકમાંથી મરચાના પોટલાઓ ચોરતા બે યુવકને લોકોના ટોળાએ ઝડપીને પોલીસને હવાલે કર્યા હતા.

ખેડાથી મરચા ભરેલો ટ્રક લઈને આવ્યો હતો યુવક
ખેડાનો અઝહરુદ્દીન ભટ્ટી જમાલપુર શાક માર્કેટમાં શાકભાજી વેચાણ કરવા આવે છે. તે પીપલજથી મરચાના પોટલા ભરી શાકભાજી વેચવા માટે જમાલપુર આવ્યો હતો. અઝહરુદ્દીને શાકમાર્કેટમાં દાખલ થવા ટ્રક લાઈનમાં ઉભી રાખી હતી. દરમિયાન તેણે સાઈડ મીરરમાં જોયું તો બે યુવાનો ટ્રકના પાછળના ભાગેથી ઉપર ચઢી મરચા ભરેલા પોટલા જમીન પર ફેક્તા હતા. આથી અઝહરુદ્દીને ત્યાં જઈ ટ્રક પાસે ઉભેલા શખસોને પકડવા પ્રયત્ન કરતા તેઓએ ઝપાઝપી કરી હતી.

ચારમાંથી બે શખ્સો મરચાના પોટલા લઈને ફરાર
આથી, અઝહરુદ્દીને બુમો પાડતા લોકો મદદે આવ્યા પણ બે શખ્સો મરચાના બે પોટલા લઈ ભાગી ગયા હતા. જોકે ટ્રકમાં રહેલા બે યુવકો પકડાયા હતા. પોલીસ તપાસમાં પકડાયેલા યુવકોમાં કરણ બ્રીજેશ ગુપ્તા અને જાવેદ ઉર્ફ બોબડો કાલુમિયા શેખ હોવાનું જ્યારે તેમના ફરાર બે સાગરીતોમાં નવઘણ ઉર્ફ ભજિયો અને સમીર ઉર્ફ તોતુ અકબર સૈયદનો સમાવેશ થાય છે. પોલીસ ચારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...