પર્દાફાશ:નકલી તેલનું વેચાણ કરતા વેપારી સહિત ચાર લોકોની ધરપકડ

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના નારણપુરા વિસ્તારમાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરી નફો કમાવવા માટે નકલી તેલનું વેચાણ કરતા વેપારી સહિત ચાર લોકોની નારણપુરા પોલીસે ધરપકડ કરી છે. સનફ્લાવર તેલનાં નકલી સ્ટીકર તેલનાં ડબ્બા પર લગાવી ગ્રાહકોને સનફ્લાવર તેલના બદલે નકલી તેલ આપી છેતરપિંડી કરતા વેપારી ઝડપાયા છે. સનફલાવર તેલમાં સોયાબીનનું તેલ નાખી અને ડબો વેચતાં હતા. 45 હજારથી વધુની કિંમતનાં 16 તેલનાં ડબ્બા કબ્જે કરી નારણપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સનફલાવર કંપનીમાં કન્ઝ્યુમર કેરમાં ગ્રાહકે ફરિયાદ કરી હતી કે નારણપુરા વિસ્તારમાં આવેલા આકાશ ફ્લેટ્સ, પરિશ્રમ ટાવર પાસે આવેલા તિરુપતી પ્રોવિઝન સ્ટોરમાં ફોર્ચ્યુન બ્રાન્ડનાં સનફ્લાવર તેલનો ડુપ્લીકેટ ડબ્બો અપાયો છે. જેથી નારણપુરા પોલીસને સાથે રાખીને દુકાનમાં તપાસ કરતા વિક્રમ ચૌધરી નામના વેપારી પાસેથી 5 ડબ્બા ઝડપી લીધા હતા. આરોપીને પકડી તેણે આ તેલનાં ડબ્બા કોની પાસેથી મંગાવ્યા છે તેની પૂછપરછ કરતાં તેણે શૈલેષ મોદી નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યા હોવાનુ જણાવ્યું હતું.

વેપારીએ શૈલેષ મોદીને ફોન કરીને બીજા તેલનાં ડબ્બાઓ મંગાવતા શૈલેષ મોદી અને પ્રવિણ વાઘ નામનાં બે ઈસમો લોડિંગ રિક્ષામાં 11 ડબ્બાઓ લઈને આવતા પોલીસે તેઓની પણ ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછ કરતા આ તેલનાં ડબ્બા ઓઢવના મહેશ પટેલ અને અજીત પટેલ પાસેથી મંગાવ્યા હોવાનું કબુલ્યું હતું. નારણપુરા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યુ કે ઓઢવના મહેશ પટેલ નામનો આરોપી શ્રી ગણેશ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામની પરવાનગી લઈને પોતાની ફેક્ટરીમાં ડબ્બામાં સોયાબીન તેલ નાખી તે ડબ્બા પર ફોર્ચ્યુન સનફ્લાવર તેલના લોગોનું સ્ટીકર લગાવી શહેરમાં અલગ અલગ વેપારીઓને વેચાણ માટે આપતો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...