શાહપુરમાં મેટ્રો સ્ટેશન પાસે દસેક દિવસ અગાઉ સોનાના દાગીના લઈને જતા એક્ટિવા ચાલક પાસેથી બાઇક પર આવેલા 2 ઈસમોએ 4.5 કિલો સોનાના દાગીનાની લૂંટ કરી હતી.આ લૂંટ મામલે ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસ બાદ બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.બે આરોપીઓને પકડીને ક્રાઈમ બ્રાન્ચે 4.5 કિલો સોનાના દાગીના કબજે કર્યા છે.
એક્ટિવામાંથી બેગ લૂંટી બાઈકસવાર ફરાર થયા હતા
7 નવેમ્બરે શાહપુર મેટ્રો સ્ટેશન પાસેથી એક્ટિવા પર સોનાના દાગીનાના લઈને 2 વ્યક્તિ જઈ રહ્યાં હતાં. ત્યારે અચાનક જ પાછળથી બાઇક પર 2 ઇસમ આવ્યા હતા. અને એક્ટિવાના આગળના ભાગે મૂકેલ મોટી બેગ ખેંચીને લઈ ગયા હતા. આ બેગમાં 6531 ગ્રામ સોનાના દાગીના હતા. બંને ઈસમોએ 2 કરોડ 81 લાખ 72 હજાર 959 રૂપિયાના દાગીનાની લૂંટ કરી હતી. આ મામલે માધુપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસ કરી રહી હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચને ગુનો ઉકેલવાની કડી મળી હતી.
કોતરપુર પાસેથી બંને આરોપીને ઝડપી પાડ્યા
ક્રાઈમ બ્રાન્ચે સરદારનગર કોતરપુર પાસેથી નિખિલ રાઠોડ અને કૌશિક ઉર્ફે પાંગા ઘમડેની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ક્રાઈમ બ્રાન્ચે 4584.88 ગ્રામના દાગીના કબ્જે કર્યા હતા. બંને આરોપીઓની તપાસમાં હજુ અન્ય 4 આરોપીનો સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે. આરોપી કૌશિકે બે મહિના અગાઉ સરખેજ બ્રિજ પાસેથી મનોજ સિંધી નામમાં આરોપી સાથે મળી એક્ટિવાની ડેકી તોડી 6.70 લાખની ચોરી કરી હતી.
અન્ય આરોપીઓમાં એક મહિલા પણ સામેલ
આરોપીઓએ અગાઉ દાગીના લઈને જતા એક્ટિવાચાલકની રેકી કરી હતી. તે બાદ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પકડાયેલા આરોપીમાંથી એક જ આરોપી લૂંટ કરવા ગયો હતો. જ્યારે અન્ય આરોપી લૂંટનો માલ સગેવગે કરવા જતો હતો. અન્ય 4 આરોપીઓના નામ ખૂલ્યા છે, જેમાંથી એક મહિલા આરોપી પણ છે. આરોપીએ લૂંટમાં જે બાઈકનો ઉપયોગ કર્યો હતો, તેમાં નકલી નંબર પ્લેટ પણ લગાવી હોવાનું સામે આવ્યું છે. અન્ય 4 આરોપીની ધરપકડ બાદ વધુ ખુલાસા થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.