વટવા પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલે ચાર વર્ષમાં 430થી વધુ ચોરીના મોબાઈલ શોધી મૂળ માલિકને પરત આપી 32 આરોપીઓની ધરપકડ કરી છે. એટલું જ નહીં 100થી વધુ એવા ફોન શોધી કાઢયા હતા જેમના માલિકોએ પોલીસ ફરિયાદ કે અરજી પણ કરી ન હતી તેમને ચોરાયેલા ફોન પરત આપ્યા હતા.
આ કામગીરી કરી છે વટવા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મૂળ કચ્છના હરપાલસિંહ ગોહિલ અને અર્જુન સિંહ ઝાલાએ. મોબાઈલ ચોરીની 568 અરજીઓ પૈકી તેમણે 438 મોબાઈલ ફોન શોધી કાઢયા.
મોબાઈલ ચોરીના 32 આરોપીઓ પકડ્યા
પીઆઈ સિસારાના માર્ગદર્શન હેઠળ કામગીરી શરૂ કરી તેમાં અમને નાગરિકોના ચોરી થયેલા ફોન પરત આપ્યા, એટલુ જ નહી 32 જેટલા આરોપીઓની ધરપકડ પણ થઈ હતી જે પૈકી 31 ને પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી - હરપાલસિંહ ગોહિલ, હાલમાં ગાંધીધામ
સાઇબર ક્રાઈમનાં ગુનાનું ડિટેક્શન કર્યું
હરપાલસિંહની બદલી થયા બાદ હું ચોરીના મોબાઈલ ફોન શોધવાની કામગીરી કરી રહ્યો છુ. સાઈબર ક્રાઈમની કામગીરીમાં મોબાઈલ ફોન ઉપરાંત અમે સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને યુવતીને હેરાન કરતા કેસોનું પણ ડિટેકશન કર્યું છે. -અર્જુનસિંહ ઝાલા, વટવા પોલીસ સ્ટેશન
ગરીબને ફોન પરત મળે તો ખુશી થાય
વટવાના તત્કાલિન પીઆઈ અને હાલમાં ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા પીઆઈ એચ.વી.સિસારાએ જણાવ્યું હતું કે ખમતીધર લોકોનો મોબાઈલ ફોન ખોવાઈ જાય તો તે નવો ખરીદી લેશે પરંતુ ચાર પાંચ હજારનો મોબાઈલ ખરીદનારા ગરીબ વ્યકિતનો ફોન ચોરાય તો તેની હાલત કફોડી થઈ જાય છે. અમે જ્યારે તેમને ફોન પાછો મળી ગયાના સમાચાર આપીએ ત્યારે તેમનો ભાવ જોઈને ખૂબ સારું લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.