રજુઆત:અધિકારીઓની ધીમી કાર્યવાહીને કારણે કોરોનાથી મૃત્યુ પામેલા રાજ્યના 40 અધ્યાપકોને હજી પેન્શન નથી મળ્યું

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી ફાઈલ ફોટો - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટી ફાઈલ ફોટો
  • અધ્યાપક મંડળે ઉચ્ચ શિક્ષણ કમિશનરને પત્ર લખીને ઝડપથી પેન્શન આપવામાં આવે તેવી માંગણી કરી

કોરોનાની શરૂઆતથી લઈને બીજી લહેરના અંત સુધીમાં અનેક લોકોના કોવિડ સંક્રમણને લીધે મોત થયાં છે. જેમાં કોલેજ અને યુનિવર્સિટીઓના અનેક અધ્યાપકોનો મોત થયાં છે. 40 અધ્યાપકોને મૃત્યુ બાદ મળનાર પેન્શનની ધીમી કાર્યવાહીને કારણે પેન્શન આજદિન સુધી મળ્યું નથી. જેથી અધ્યાપક મંડળે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરને પત્ર લખીને ઝડપથી પેન્શન આપવામાં આવે તેવી માંગણી કરી છે.

ગુજરાતના 40 કરતા વધારે અધ્યાપકોના અવસાન થયા
ગુજરાત રાજ્ય અધ્યાપક મહા મંડળે ઉચ્ચ શિક્ષણ કમિશનરને પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતની જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીમાં કાર્યરત અધ્યાપકો કુદરતી અને કોરોનાની ભયંકર મહામારીનો ભોગ બન્યા છે. કોરોનાને કારણે ગુજરાતના 40 કરતા વધારે અધ્યાપકોના અવસાન થયા છે. આ અવસાન પામેલા અધ્યાપકોને નિયમ અનુસાર મળવાપાત્ર ફેમિલી પેન્શન હજુ સુધી મળ્યું નથી અને ફેમિલી પેન્શન અંગેની કાર્યવાહી પણ કચેરી દ્વારા ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે જેના કારણે તેમના પરિવારોની આર્થિક સ્થિતિ દયનીય બની છે.

અધ્યાપક મંડળે શિક્ષણ કમિશ્નરને પત્ર લખ્યો
અધ્યાપક મંડળે શિક્ષણ કમિશ્નરને પત્ર લખ્યો

સત્વરે પેન્શન અને અન્ય મળવાપાત્ર રકમની કાર્યવાહી કરો
અવસાન પામેલા અધ્યાપકોના કિસ્સાઓમાં પરિવારને આર્થિક મુશ્કેલી ના પડે તે માટે માનવતાના ધોરણે ખાસ કિસ્સામાં કાર્યવાહી કરી તાત્કાલિક તેમના પરિવારજનોને ફેમિલી પેન્શન અને અન્ય મળવાપાત્ર રકમની કાર્યવાહી સત્વરે કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.


અન્ય સમાચારો પણ છે...