ભાજપ-આપમાં ભરતી મેળો, કોંગ્રેસમાં સન્નાટો:કમાભાઈ રાઠોડ બાદ પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ ભાજપમાં જોડાયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ હવે ‘આપ’ના થયા

અમદાવાદ3 મહિનો પહેલા
ડાબેથી વશરામ સાગઠીયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, અરવિંદ કેજરીવાલ અને પ્રવીણ મારુ - Divya Bhaskar
ડાબેથી વશરામ સાગઠીયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, અરવિંદ કેજરીવાલ અને પ્રવીણ મારુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી થવાની ચર્ચા સાથે જ રાજકીય ઉથલ પાથલ અને પક્ષ પલટાની ખરેખરી મૌસમ જામી છે. આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના જાણીતા નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમજ તેમની સાથે વશરામ સાગઠીયા અને કોમલબેન બારાઇ પણ આપમાં જોડાયા છે. આ સાથે જ કોંગ્રેસમાં ભંગાણની શરૂઆત થઈ ચૂકી છે. જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ પણ આજે ભાજપમાં જોડાયા છે. આમ આપ અને ભાજપમાં ભરતી મેળો છે, તો સામે કોંગ્રેસમાં સન્નાટો છવાયો છે. હાલ કોંગ્રેસમાં એકપણ નેતા જોડાઈ રહ્યા નથી.

રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસ છોડનારા મારુ હવે ભાજપમાં
રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપની જીતનો માર્ગ મોકળો કરનારા અડધા ડઝન જેટલા ધારાસભ્યો પૈકી ગઢડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ આંબેડકર જયંતીના દિવસે ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી બે વર્ષ સુધી અલિપ્ત રહ્યા હતા. ગઢડાની પેટા ચૂંટણીમાં પૂર્વ મંત્રી આત્મારામ પરમારને ભાજપે ફરીથી ટિકિટ આપી હતી અને તેઓ જીતી ગયા હતા.

ભાજપમા ંજોડાયેલા કમાભાઈ રાઠોડ
ભાજપમા ંજોડાયેલા કમાભાઈ રાઠોડ

બે મહિનામાં જયરાજસિંહ-કમાભાઈ રાઠોડ સહિતના નેતાઓ ભાજપમાં જોડાયા
ફેબ્રુઆરી 2022માં જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ કોંગ્રેસ છોડી હતી. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ ટિકિટ ન આપતાં જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ તેઓ 22 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત લુણાવાડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલે કોંગ્રેસ ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસની સાથે રહેલા હીરાભાઇ પટેલે કયા કારણોસર અને કોની નારાજગીથી ભાજપમાં પ્રવેશ કર્યો તેની કોઇ સ્પષ્ટતા કરી ન હતી.

થોડા દિવસ પહેલા જ માંડલના પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે 13 એપ્રિલે સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ ભાજપમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...