એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ:11 વર્ષ સુધી મંત્રી રહેલા પ્રદીપસિંહે કહ્યું- આજે કેટલાં વર્ષ બાદ 10 વાગે તો ઊઠ્યો, નિરાંતે કામ કરીશું

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
પ્રદીપસિંહ જાડેજા.
  • પક્ષ જે જવાબદારી સોંપશે એ સહર્ષ સ્વીકારીશ
  • ​​​​​​મારા મત વિસ્તારમાં વટવામાં કામ કરીશ, ખાસ કરીને પક્ષ દ્વારા આપેલાં કામ કરીશ

તાજેતરમાં ભાજપ હાઈકમાન્ડે આખી ગુજરાત સરકાર બદલીને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર બનાવવામાં આવી છે. રૂપાણી સરકારમાં ગૃહ રાજ્યમંત્રી રહેલા પ્રદીપસિંહ જાડેજાને બદલે હવે હર્ષ સંઘવીને નવા ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરએ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. નિખાલસ વાતચીત કરતાં પ્રદીપસિંહે જણાવ્યું હતું કે પક્ષ આપે ત્યારે સારું લાગે, પણ લઈ લે ત્યારે દુઃખ ના લગાડવું જોઈએ, મુખ્યમંત્રી સહિત તમામ નવા સાથીઓને મારી દિલથી શુભેચ્છાઓ છે.

દિવ્ય ભાસ્કરઃ હર્ષ સંઘવીને શું માર્ગદર્શન આપ્યું?
પ્રદીપસિંહ જાડેજાઃ 4 દાયકાની રાજકીય સફર રહી છે. સતત 11 વર્ષ સુધી મંત્રીપદે અને સતત 4 ટર્મથી ભાજપનો ધારાસભ્ય છું. અત્યારે બહુ જ શાંતિ લાગે છે, સવારે 10 વાગ્યે તો ઊઠ્યો, હવે નિરાંતે કામ કરીશું. મારા મત વિસ્તારમાં વ્યસ્તતાને કારણે જે કામો કે સંપર્ક છૂટી ગયા હતા ત્યાં કામ કરીશ. હર્ષ સંઘવી મારો સાથી ધારાસભ્ય છે અને મંત્રી બનતાં મેં તેમને અભિનંદન આપ્યાં. દ્વારકાધીશનો ફોટો આપીને શુભકામનાઓ પાઠવી. ઉત્તમ કામગીરી કરે એવી તેમનામાં ક્ષમતા છે. મેં તેમને કહ્યું હતું કે જ્યારે પણ મારી આવશ્યકતા પડે ત્યારે અરસપરસ વાતચીત કરીશું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ.

દિવ્ય ભાસ્કરઃ અત્યારે શું કામગીરી કરવાની?
પ્રદીપસિંહ જાડેજાઃ ગઈકાલે અમદાવાદ શહેરમાં પ્રધાનમંત્રીના જન્મદિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વૃક્ષારોપણ કાર્યક્રમ હતો. પછી ઉજ્જવલા-2નો કાર્યક્રમ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી. મારા મત વિસ્તારમાં પ્રધાનમંત્રીના જન્મદિવસે આરતીનો કાર્યક્રમો બાદ મારા વિસ્તારના કાર્યકરોને મળ્યો. આ દિવસ એકદમ વ્યસ્ત રહ્યો હતો.

દિવ્યભાસ્કરઃ નવા મંત્રીઓને શું સલાહ, સૂચન આપવા માગો છો?
પ્રદીપસિંહ જાડેજાઃ તમામ મંત્રીઓ મારા સાથી ધારાસભ્યો છે અને સૌને મારી દિલથી શુભકામનાઓ છે જ. હાલ તો શુભકામના જ આપવાની છે.

દિવ્ય ભાસ્કરઃ ગૃહમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ હવે શું?
પ્રદીપસિંહ જાડેજાઃ હું મારા મત વિસ્તારમાં વટવામાં કામ કરીશ, ખાસ કરીને પક્ષ દ્વારા આપેલાં કામ કરીશ, જેવાં કે પેજ સમિતિ બનાવવી, નમો એપ ડાઉનલોડ કરવાની કામગીરીને પૂર્ણ કરવાની છે. આ ઉપરાંત પક્ષ જે કંઈપણ જવાબદારી સોંપશે એ સહર્ષ સ્વીકારીશું.