તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકારણ કાયમ વૈભવી નથી હોતું, ક્યારેક સામાન્ય વ્યક્તિ સર્વોચ્ચ શિખર સર કરીને પણ સામાન્ય જ રહી જાય છે. 23 ફેબ્રુઆરીએ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનાં પરિણામો આવી ચૂક્યાં છે. હવે શહેરના મેયર કોણ બનશે એને લઈ અનેક નામોની ચર્ચા ચાલી રહી છે, ત્યારે આજે અમે તમને અમદાવાદના એક એવા પૂર્વ મેયર જણાવી રહ્યા છીએ, જે આજે પણ સામાન્ય ઘરમાં રહે છે. પૂર્વ મેયર અને હાલ પાર્લમેન્ટરી બોર્ડના સભ્ય કાનાજી ઠાકોરને જ્યારે સત્તા મળી ત્યારે પણ તેઓ બંગલોમાં રહેવા જવાને બદલે એક રૂમમાં રહેતા હતા. આજે પણ તેઓ એ જ રૂમમાં રહે છે. એક સમયે રેલવેકર્મચારી એવા કાનાજી જ્યારે સક્રિય રાજકારણમાં આવ્યા ત્યારે જ ચૂંટણીઓ પાછી ઠેલાતાં બેકાર પણ બની ગયા હતા, જેને પગલે ખાવાનાં પણ ફાંફાં પડી ગયાં હતાં.
સાંકડી ગલીના ખૂણામાં કાનાજી ઠાકોરનું ઘર
કાનાજી ઠાકોરની સ્વચ્છ છબિ ધરાવતા નેતાઓમાંના એક છે. તેમની સક્રિયા રાજકારણમાં એન્ટ્રીની પણ રસપ્રદ ઘટના છે. રાજકારણમાં આવ્યા બાદ તેમણે ખૂબ સંઘર્ષ વેઠ્યો હતો. તેઓ હાલ શહેરના મધ્યમાં આવેલા મધુપુરાગામના ઠાકોર વાસમાં પરિવાર સાથે રહે છે. બે વાહન માંડ જઇ શકે એવી સાંકડી ગલીમાં જતાં ખૂણામાં કાનાજી ઠાકોરનું ઘર આવેલું છે. કાનાજી રોજ જય રણછોડ કહેતા કહેતા સમગ્ર શહેરમાં ફરે છે. લોકો તેમને જોઈને ટોળે વળે છે, પણ તેઓ સામાન્ય વ્યક્તિ નહિ, પણ પાર્લમેન્ટરી બોર્ડના સભ્ય છે. જેઓ ટિકિટ વહેંચણી અને મેયર અને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવામાં તેમનો અભિપ્રાય આપે છે.
રેલવેમાં રોજમદાર તરીકે નોકરી કરતા
DivyaBhaskarને કાનાજી ઠાકોર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે તેઓ રેલવેમાં રોજમદાર તરીકે નોકરી કરતા હતા અને પછી કાયમી થયા હતા. આ સમયે જનસંઘનો સમય હતો અને કોંગ્રેસનો દબદબો હતો, પરંતુ તેઓ સતત સક્રિય રહ્યા. આ બાબતે તેમની વિરુદ્ધ રેલવેમાં અનેક અરજીઓ થતી હતી, પણ ત્યાં અલગ નામ એટલે કે કાનાજી ઠાકોર(સાચું નામ કાનજી ઠાકોર) હોવાથી અરજી પરત થતી હતી.
ભાજપે કોર્પોરેશનની ટિકિટ આપતાં નોકરી છોડી તો ચૂંટણી ન થઈ
વર્ષ 1992માં ભાજપે તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટિકિટ આપી અને એ માટે કાનાજીએ રેલવેની નોકરી છોડી દીધી હતી, પરંતુ 1992માં ચૂંટણીની તૈયારીની જગ્યાએ કોર્પોરેશનમાં વહીવટદારનું રાજ આવ્યું હતું. 3 વર્ષ સુધી ચૂંટણી આવી નહિ .બીજી તરફ, કાનાજી પાસે નોકરી પણ ન હતી, જેને કારણે તેમને એક રૂપિયાની પણ આવક ન હતી. તો બીજી તરફ તેમનાં પર બાળકો અને પત્નીની જવાબદારી હતી. હવે શું કરવું એની ચિંતા રહેતી હતી. દરરોજ નવી તકલીફ સામે આવીને ઊભી રહી જતી હતી.
લોકો ચીડાવતા કે તને કોઈ ટિકિટ નહિ આપે: કાનાજી
આ ત્રણ વર્ષ દરમિયાન તેઓ બેરોજગાર રહેતા તેમની આસપાસના લોકો તેમને રોજ ચીડાવતા કે બહુ નીકળ્યો હતો ચૂંટણી લડવા; હવે તને કોઈ ટિકિટ નહિ આપે. આ અંગે તેઓ કહે છે, આવું સાંભળી સાંભળીને એક વખત આત્મહત્યાનો પણ વિચાર આવ્યો હતો, પરંતુ રણછોડજીની કૃપાથી મને 1995 ફરી ટિકિટ મળી અને હું જીતી ગયો હતો.
‘મારા આ નાના ઘરમાં નરેન્દ્રભાઈ અને અમિત શાહ પણ આવ્યા છે’
કાનાજી આગળ કહે છે, 2005માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી ભાજપ સત્તામાં આવ્યો અને 2008માં નરેન્દ્ર મોદીએ મારી પસંદગી મેયર તરીકે કરી હતી. મને મોટો બંગલો અને સુખ-સાહ્યબી મળી રહી હતી, પરંતુ હું કે મારા પરિવારના એકપણ સભ્યએ એનો લાભ લીધો નહીં. મારી પક્ષ માટેની જવાબદારી અને ઈમાનદારીના લીધે મને પક્ષે પાર્લામેન્ટરી બોર્ડનો સભ્ય બનાવ્યો છે. મારા આ નાના ઘરમાં નરેન્દ્રભાઈ અને અમિત શાહ પણ આવ્યા છે.
હાલ હું પાર્લમેન્ટરી બોર્ડનો સભ્ય છું, અનેક ઉમેદવાર પોતાના બાયોડેટા લઈને મારી પાસે આવતા હોય છે, પણ મેં ક્યારેય મેરિટ્સ અને પક્ષની વિચારધારાથી દૂર કશું કર્યું નથી. ઘણા લોકોની ટિકિટ નક્કી હોય તેમ છતાં મેં ક્યારેય તેમને અણસાર પણ આવવા દીધો નથી.
‘ભાજપ તમારામાં યોગ્યતા હશે તો પસંદગી કરશે’
કાનાજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા મહાનગરપાલિકા વિધાનસભા લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડનો સભ્ય હોવાથી અનેક લોકો ટિકિટ માટે મને મળવા આવતા હોય છે, કેટલીક વખત લોકો પૈસાની પણ ઓફર કરતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને અમારો સિદ્ધાંત રહ્યો છે કે ઉમેદવારની પસંદગી તેની લોકપ્રિયતા, જીતવાની શક્યતા, સમાજમાં પ્રભાવ જેવી અનેક બાબતોનું વિશ્લેષણ કરીને તેની પસંદગી કરવામાં આવે છે. જ્યારે અન્ય પાર્ટીઓમાં ઉમેદવારો પૈસાના જોરે ટિકિટ મેળવતા હોય છે, પરંતુ ભાજપ ઉમેદવાર મેરિટના આધારે જ પસંદગી કરે છે. આમ, ભાજપમાં ક્યાંય લાગવગ કે પૈસાને કોઈ સ્થાન નથી. મેં લોકોને પૈસા લઈ આવનારને પ્રેમથી પાછા મોકલ્યા છે. ભાજપ તમારામાં યોગ્યતા હશે તો પસંદગી કરશે.
કાનાજીને ભાજપનું જ એક સૂત્ર સાર્થક કરતા હોય તેમ આજે પણ સેવા અને ઈમાનદારી માટે અડીખમ અને મક્કમ છે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.