ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે AAPએ પણ તૈયારી શરૂ કરી છે. એક તરફ PM મોદી અને અમિત શાહ જેવા ભાજપના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે, તો AAP એ તો નવો ચિલો ચીતરીને મંગળવારે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના ત્રણથી ચાર મહિના અગાઉ જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, પરંતુ કોંગ્રેસમાં ચૂંટણી પહેલા સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના સૌથી જૂના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર આગામી 17 ઓગસ્ટે કેસરિયો ખેસ ધારણ કરશે.
60 જેટલા મોટા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા
અત્યારસુધી ગુજરાતમાં 2012થી અત્યારસુધીમાં 60 જેટલા મોટા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. હવે કોંગ્રેસના 2 દિગ્ગ્જ નેતા 17મીએ ભાજપમાં જોડાશે. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ કેસરિયો કરવા જઈ રહ્યા છે. રાજ્યસભાની 2019માં આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જિતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામું આપ્યું, જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં. જ્યારે બ્રિજેશ મેરજા, જિતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડળમાં નવું સ્થાન મળ્યું. જ્યારે અક્ષય પટેલ, જે.વી.કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યા. લુણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા. કોંગ્રેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા દિલ્હી ભાજપમાં જોડાયા. એ ઉપરાંત જયરાજસિંહ પરમાર, કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ કેસરિયો કરી લીધો છે.
રઘુ શર્માએ પોતાના જ પક્ષના ધારાસભ્યોને કચરા સાથે સરખાવ્યા
રઘુ શર્માએ પોતાના પક્ષના ધારાસભ્યોની કચરા સાથે સરખામણી કરી હતી. સોમનાથમાં રઘુ શર્માએ યોજેલી પત્રકાર પરિષદમાં પોતાના ધારાસભ્યોની કચરા સાથે સરખામણી કરી નાખી હતી. રઘુ શર્માએ કહ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાતમાં કોણ કોણ પક્ષ છોડવાનું છે એની મને ખબર છે. જે લોકો જીતી શકે એમ નથી તેઓ પક્ષ છોડવાના છે. તો તે કચરાને લઈ બીજેપી શું કરશે? પ્રદેશ પ્રભારીએ કહ્યું હતું કે મારી પાસે તમામ 182 વિધાનસભા બેઠકનો રિપોર્ટ છે. કોણ જીતે છે અને કોણ હારે છે એની વિગતો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.