કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશમંત્રી તથા ગુજરાતના 4 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનું શનિવારે 94 વર્ષની વયે ગાંધીનગરમાં અવસાન થયું છે. પીએમ મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી છે. સોલંકીના પુત્ર, કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અમેરિકા હોવાથી તે પરત ફર્યા બાદ માધવસિંહ સોલંકીની અંતિમવિધિ થશે. માધવસિંહ સોલંકીના અવસાનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો.
રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનો મહિસાગર ખાતેનો કાર્યક્રમ રદ કરીને કેબિનેટ બેઠક બોલાવી હતી. બેઠકમાં મંત્રી મંડળે બે મિનિટનું મૌન પાળી શોક દર્શક ઠરાવ પસાર કરાયો હતો. સીએમ રૂપાણીએ સેક્ટર-20 ખાતે માધવસિંહના નિવાસસ્થાને જઇને તેમના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસના નેતા અમિત ચાવડા, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ પણ માધવસિંહના નિવાસસ્થાને પહોંચ્યા હતા. માધવસિંહ સોલંકીને રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવાનો નિર્ણય પણ રાજ્ય સરકારે કર્યો છે.
ચાર વખત ગુજરાતના CM બન્યા હતા
માધવસિંહના અવસાનના સમાચાર સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ, અગ્રણીઓએ શોકની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કેન્દ્ર સરકારમાં પણ તેઓ આયોજન મંત્રી તથા વિદેશમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે. ખામ થીયરીથી ચર્ચાસ્પદ બનેલા માધવસિંહ સોલંકીએ શરૂ કરેલી કન્યા કેળવણી અને મધ્યાહન ભોજન જેવી યોજના આજે પણ ચાલું છે.
પાર્થિવ દેહને આજે દર્શન માટે કોંગ્રેસ કાર્યાલય લવાશે, સાંજે અમદાવાદમાં અંતિમ સંસ્કાર
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રવિવારે અમદાવાદ પાલડી ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય લાવવામાં આવશે. બપોરે 3થી 5 દરમિયાન નેતાઓ અને કાર્યકરો તેમના અંતિમ દર્શન કરી શકશે. સાંજે 5 વાગ્યે અમદાવાદ વીએસ સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે.
સ્વ.માધવસિંહના સન્માનમાં રાજ્યમાં એક દિવસનો શોક: સીએમ રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. સ્વ.માધવસિંહ સોલંકીના અંતિમસંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે, સાથે જ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠકમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી માધવસિંહને શ્રદ્ધાંજલિ અર્પી
ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ પોતાના 94મા જન્મદિવસની ઉજવણી ગાંધીનગરમાં કરી હતી. ગાંધીનગરના સર્કિટ હાઉસમાં તેમના પુત્ર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો તેમને જન્મદિવસની શુભકામના આપવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.
કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી માધવસિંહને શ્રદ્ધાંજલિ અર્પી
માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેમણે 1981માં ફરી એકવાર ગુજરાતની સત્તા સંભાળી હતી. તેમણે સામાજિક અને આર્થિક રૂપથી પછાત વર્ગો માટે આરક્ષણની શરૂઆત કરી હતી, ત્યાર બાદ તેમણે 1985માં પદેથી રાજીનામું આપ્યું હતું, પરંતુ ફરી તેમણે વિધાનસભાની 182 બેઠકમાંથી 149 બેઠક જીતી સત્તા સંભાળી હતી. આ દિન સુધી તેમનો આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી.
સ્વ.માધવસિંહના નિધન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા રાજ્યપાલ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
રાજ્યપાલે સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે કે, સ્વ.સોલંકીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના વિકાસને નવી દિશા આપી હતી. તેમની સાહિત્ય પ્રીતિ, વહીવટી કુશળતા અને વિકાસલક્ષી અભિગમ હંમેશાં યાદ રહેશે. રાજ્યપાલે જણાવ્યું હતું કે, સ્વ. સોલંકીના અવસાનથી ગુજરાતે એક કાર્યદક્ષ રાજનીતિજ્ઞ ગુમાવ્યા છે અને ગુજરાતના જાહેરજીવનમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. રાજ્યપાલે પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચિર શાંતિ અર્પે અને પરિવારજનો ઉપર આવી પડેલા અણધાર્યા દુઃખને સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના પણ વ્યક્ત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.