ટિકિટ માટે 4 વર્ષમાં કોંગ્રેસમાં ઘરવાપસી?:પિતા શંકરસિંહના બદલે પુત્ર મહેન્દ્રસિંહ બીજીવાર કોંગ્રેસમાં જોડાયા, પિતાની જેમ પાર્ટી બદલવામાં માહેર

ગાંધીનગરએક મહિનો પહેલા

શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા 4 વર્ષ અને 10 દિવસ બાદ ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત કોંગ્રેસ રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે મથામણ કરી રહી છે, ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે જેમ જેમ સમય નજીક આવે તેમ તેમ કોંગ્રેસ પ્લાનિંગ કરીને આગળ વધે છે. આજે મહેન્દ્રભાઈ ઘરવાપસી કરે છે ત્યારે તેમનું હાર્દિક સ્વાગત છે. સમગ્ર ગુજરાત સામાજિક આગેવાનો એક થઈ રહ્યા છે. મહેન્દ્રસિંહ વાઘેલા પહેલાં જેમ કામગીરી કરતા હતા એના કરતાં સારી કામગીરી કરીને આગળ વધશે.

‘ભાજપમાં જોડાયા પછી ક્યારેય હું કોઈ કાર્યક્રમમાં ગયો નથી’
જ્યારે મહેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું હતું કે નફરતની રાજનીતિ મટાડવા માટે સાથે આવવું જરૂરી છે. મેં જગદીશભાઈને પ્રસ્તાવ રાખ્યો હતો. મને સ્વીકારવા તમામ લોકોનો આભાર માનું છું. ભાજપમાં જોડાયા પછી ક્યારેય હું કોઈ કાર્યક્રમમાં ગયો નથી. ભાજપમાં હતો તેમ છતાં મારું મન કોંગ્રેસમાં હતું.

4 મહિનામાં અચાનક જ ભાજપ છોડ્યો હતો
મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ છોડી વર્ષ 2018ના જુલાઈ માસમાં ભાજપમાં જોડાયા હતા. જોકે વર્ષ 2018ના ઓક્ટોબરમાં તેમણે અચાનક જ પાર્ટી અધ્યક્ષને રાજીનામું મોકલી ભાજપને રામ રામ કર્યા હતા. આમ 4 વર્ષ અને 10 દિવસ બાદ ફરીથી મહેન્દ્રસિંહ વાઘેલાને કોંગ્રેસ પાર્ટીની યાદ આવી ગઈ છે.

અમિત શાહ સાથે મહેન્દ્રસિંહ વાઘેલા(લાલ શર્ટ).
અમિત શાહ સાથે મહેન્દ્રસિંહ વાઘેલા(લાલ શર્ટ).

અષાઢી બીજે અમિત શાહને બોલાવ્યા હતા વાસણિયા મહાદેવનાં દર્શને
અષાઢી બીજે એટલે કે ગત જુલાઈ માસમાં મહેન્દ્રસિંહ વાઘેલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પોતાના પૈતૃક વતનમાં આવેલા વાસણિયા મહાદેવનાં દર્શને બોલાવ્યા હતા.

પિતાની જેમ કભી ભાજપ તો કભી કોંગ્રેસ
2012ની વિધાનસભા ચૂંટણીમાં મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી બાયડ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં 35 હજાર 923 મતથી વિજયી બન્યા હતા. મહેન્દ્રસિંહ પણ પિતાની જેમ ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપ એમ અલગ અલગ પાર્ટીમાં આવનજાવન કરી રહ્યા છે. સૌથી પહેલા તેઓ કોંગ્રેસમાં હતા, ત્યાર બાદ ભાજપમાં જોડાયા હતા, પરંતુ હવે ફરી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આમ, તેમણે ત્રણવાર પાર્ટી બદલી છે.

શંકરસિંહે અત્યારસુધીમાં કયા કયા પક્ષ છોડ્યા
ભાજપ(જનસંઘ)માં જોડાઈને રાજકીય સફર શરૂ કરનારા શંકરસિંહે ભાજપ બાદ રાજપાની સ્થાપના કરી હતી. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને કેન્દ્રમાં કાપડમંત્રી પણ બન્યા. જોકે 2017 વિધાનસભા ચૂંટણી સમયે તેમણે કોંગ્રેસને રામરામ કર્યા અને જન વિકલ્પ નામના પક્ષની સ્થાપના કરી હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં ગજ ન વાગતાં તેઓ જૂન 2019માં NCPમાં જોડાયા હતા, પરંતુ એક વર્ષમાં જ તેમણે પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...