તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાની સવારી ગુજરાત પહોંચી:વલસાડમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી; અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત પહોંચ્યું ચોમાસું - Divya Bhaskar
ગુજરાત પહોંચ્યું ચોમાસું
  • વલસાડમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું.
  • હવામાન વિભાગે જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી આપી.
  • ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, વલસાડ, ડાંગ, નર્મદા તથા સુરતમાં વરસાદની આગાહી.

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ગઇકાલ બાદ આજે પણ મોડી રાતથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યનું ચેરાપૂંજી એવા કપરાડા વિસ્તારમાં મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રીની દસ્તક આપી છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી ઝાપટાંની શરૂઆત થઈ હતી. આ સાથે જ હવામાન વિભાગે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં 5 દિવસ સુધી વરસાદની આગાહી આપી છે.

5 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ
જે મુજબ 9મી જૂનથી 13મી જૂન સુધી રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત તથા ભરુચમાં વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

અમદાવાદમાં 3 દિવસમાં વરસાદની આગાહી
અમદાવાદમાં 3 દિવસમાં વરસાદની આગાહી

અમદાવાદમાં પણ વરસાદની આગાહી
12 અને 13 જૂનના રોજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદમાં પણ વરસાદની આગાહી જાહેર કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય ભાગો તથા ઉત્તર ગુજરાતમાં આ દરમિયાન હવામાન સામાન્ય રહેશે. બીજી બાજુ વરસાદના આગમનને પગલે અમદાવાદના તાપમાનમાં પણ ઘટાડો થયો છે. જેમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી જેટલું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

વલસાડ જિલ્લામાં સવારથી વરસાદ
બુધવારે સવારે પણ આકાશ વાદળોથી ઘેરાયું હતું. વરસાદની શરૂઆત થઇ હતી. ગઈકાલે પણ જિલ્લાના વાપી-વલસાડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, સાથે દાદરા-નગરહવેલીમાં પણ સવારે ભારે વરસાદ પડ્યો હતો. મોડી રાતથી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. કપરાડા સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.

મુંબઈમાં પણ બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
મુંબઈમાં પણ બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

બે દિવસથી વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
મહત્વપૂર્ણ છે કે અત્યારે જિલ્લામાં કેરીની સીઝન ચાલી રહી છે, આથી વરસી રહેલો વરસાદ અને બદલાયેલું વાતાવરણ કેરીના પાક માટે નુકસાનકારક હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જોકે બે દિવસથી જિલ્લામાં છવાયેલા વરસાદી માહોલને કારણે અત્યારથી જ વલસાડ જિલ્લામાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય એવું લાગી રહ્યું છે. બે દિવસથી વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. દાદરા-નગરહવેલીના ખારવેલમાં 129.6 એમએમ અને સેલવાસમાં 57 એમએમ વરસાદ નોંધાયો છે.

ગોવા, મહારાષ્ટ્ર, સમગ્ર ગુજરાતમાં 11-13 જૂનથી વરસાદનાં એંધાણ
બીજી બાજુ, દક્ષિણ ગુજરાતના કિનારે વાવાઝોડાના વેગે પવન ફૂંકાઈ શકે છે. આની અસરથી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કર્નાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં 11-13 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવનાઓ જણાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં 8 જૂન સુધી 33.6 મિમી વરસાદ નોંધાયો છે, 1થી 8 જૂન સુધી નોંધાતા એવરેજ વરસાદ (28.3 મિમી)થી 18% (5.3 મિમી) વધુ છે.