નમસ્કાર,
આજે મંગળવાર છે, તારીખ 5 જુલાઈ, અષાઢ સુદ-છઠ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
2) અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેથી મુખ્યમંત્રી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા'નો પ્રારંભ કરાવશે
3) આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ડિજિટલ ઇન્ડિયા વીક-2022:PM નરેન્દ્ર મોદીએ કહ્યું- ડિજિટલ ઈન્ડિયાથી 23 લાખ કરોડ રૂપિયા લાભાર્થીને મળ્યાં, રૂ. 2 લાખ કરોડ વચેટિયાના હાથમાં જતાં બચ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મહાત્મા મંદિરમાં ઇન્ડિયાસ્ટેક, માય સ્કીમ, ચિપ ટુ સ્ટાર્ટ અપ સહિતના 7 વિવિધ પહેલનું ઉદઘાટન કર્યુ હતું. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આજે જનધન, મોબાઈલ અને આધાર એટલે કે JAM(જેમ)નો ફાયદો ગરીબોને મળ્યો છે. 8-10 વર્ષ પહેલાં બર્થ સર્ટિ., બેંક જ્યાં જુઓ ત્યાં લાઈન લાગતી, હવે બધુ ઓનલાઈન થયું છે, તેથી લાઈનોમાંથી મુક્તિ મળી છે. ડિજિટલ ઈન્ડિયાથી દેશના લોકોની સુખાકારી વધી, અર્થતંત્રને વેગ મળ્યો આજે તેઓ ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો મહાત્મા મંદિર ખાતેથી દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિતિ રહ્યા હતા અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
2) કેજરીવાલની મોટી જાહેરાત:હું ફરીવાર રવિવારે અમદાવાદ આવીશ અને વીજળીની સમસ્યાનું સમાધાન કરીશ, ગુજરાતમાં પણ ફ્રી વીજળી મળશે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં વીજળી મુદ્દે લોકો સાથે સંવાદ કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે વીજળી અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી આવવાની છે. હું તમને પૂછવા માગું છું કે આમ આદમી પાર્ટી પહેલી ચૂંટણી લડે છે. ગુજરાતના નેતાઓ વીજળી કે તમારા મુદા પર ચર્ચા કરી? અમે દિલ્લી અને પંજાબમાં કરી બતાવ્યું. કહીએ તે કરીએ છીએ. અમારા કાર્યકર્તાઓ 1 વર્ષથી ગામડાઓમાં ફરે છે. લોકો ગુજરાતમાં તકલીફમાં છે.
3) ગુજરાતની સરહદે અકસ્માત:નવાપુરમાં ST બસ ખીણના કિનારે લટકી, મુસાફરોની ચીસોથી ચરણમલ ઘાટ ગૂંજ્યો, રડતા-રડતાં કહ્યું- ભગવાને બચાવ્યા
ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુર ખાતે ગુજરાતની એસટી બસને અકસ્માત નડ્યો હતો. ચરણમલ ઘાટ ખાતે સાપોલીયા વળાંકમાં અચાનક એસટી બસની એક્સલ તૂટી ગયા બાદ બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ત્યારબાદ બસ પથ્થરો પર ચડી ગઈ હતી અને ખીણના કિનારે લટકી ગઈ હતી. જેથી બસમાં સવાર 30 જેટલા મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ અકસ્માતમાં બાળકો સહિત 20 જેટલા ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં સવાર મુસાફરોએ રડતાં-રડતાં જણાવ્યું હતું કે, ભગવાનની કૃપાથી જ બચી ગયા છીએ.
4) PMની સુરક્ષામાં ચૂક:વિજયવાડામાં કૉંગ્રેસ કાર્યકર્તાઓએ હેલિકૉપ્ટરની સામે કાળા ફુગ્ગા ઉડાવ્યા, 3 લોકોની ધરપકડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંધ્ર પ્રદેશ પ્રવાસ સમયે સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે. PM નરેન્દ્ર મોદીના બે હેલિકોપ્ટરે વિજયવાડાના ગન્નાવરમ એરપોર્ટ ઉપરથી ઉડાન ભરી હતી. તે સમયે કૉંગ્રેસ કાર્યકર્તાઓએ એરપોર્ટ નજીક આવેલી એક નિર્માણાધિન ઈમારતની છત ઉપરથી કાળા રંગના ફુગ્ગા ઉડાવ્યા હતા અને PM મોદીનો વિરોધ કર્યો હતો. પોલીસે આ ઘટનામાં 3 લોકોની ધરપકડ કરી છે. આ લોકોએ ફુગ્ગા સાથે પોસ્ટર પણ બાંધ્યા હતા. SP સિદ્ધાર્થ કુશલે કહ્યું કે એરપોર્ટ નજીક કડક સુરક્ષા વ્યવસ્થા હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરે જેવી ઉડાન ભરી તે સાથે જ આ લોકોએ ફુગ્ગાને હવામાં છોડ્યા હતા.
5) મુસેવાલા હત્યાકાંડમાં ત્રીજા શાર્પ શૂટરની ધરપકડ,પહેલું મર્ડર જ મુસેવાલાનું કર્યું, 19 વર્ષના અંકિતે સૌથી નજીકથી ગોળીઓ મારી હતી
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા કરનાર ત્રીજા શાર્પ શૂટર અંકિત સેરસાની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. તે હરિયાણાનો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેની રવિવારે રાતે દિલ્હીના કાશ્મીર ગેટથી ધરપકડ કરી છે. માત્ર 19 વર્ષના અંકિત સેરસાએ હત્યા સમયે બે હાથમાં ગન પકડીને મુસેવાલા પર ગોળીઓ વરસાવી હતી. મર્ડર વખતે તે જ મુસેવાલાની સૌથી નજીક ગયો હતો. આટલું જ નહીં, તેણે એક ફોટો પણ પડાવ્યો હતો. જેમાં ફ્લોર પર બુલેટથી મુસેવાલા લખ્યું હતું અને તે એની સાથે બેસીને હત્યાનો સંકેત આપતો હતો.
6) હિમાચલમાં બસ ખીણમાં પડી, કુલુમાં દુર્ઘટના સર્જાઈ, 16 લોકોનાં મોત, 45 મુસાફરમાં મોટા ભાગનાં બાળકો હતાં
હિમાચલના કુલુમાં સોમવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. પ્રવાસીઓની પ્રાઇવેટ બસ ખીણમાં પડી ગઈ છે. આ ઘટનામાં બાળકો સહિત 16 લોકોનાં મોત થયાં છે. અમુક ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બસમાં 45 લોકો હતા. કેન્દ્ર સરકારે મૃતકના પરિવારજનોને 2-2 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) કોંગ્રેસના નેતાઓને હાઈકમાન્ડનું તેડું:ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્મા આજે કામગીરીનો રિપોર્ટ આપશે, શહેરોમાં મજબૂત થવા રણનીતિ ઘડશે
2) રાજકોટમાં એક કલાકમાં દોઢ અને ઉપલેટા પંથકમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું
3) વલસાડના કંજણહરિમાં મધરાત્રે દારૂની મહેફિલ પર LCB ત્રાટકી, સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત 41 લોકો રંગેહાથે ઝડપાયા
4) દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં એલર્ટ:5 દિવસ ધોધમાર વરસાદની આગાહી, સુરતમાં 6 કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો, NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ
5) વડોદરાના સરદાર એસ્ટેટમાં કાચવાલા બ્રધર્સ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ, માલિકનું મોત, બે ઇજાગ્રસ્ત
6) જ્ઞાનવાપી કેસમાં 12 જુલાઈ સુધી સુનાવણી ટળી,કેસના મેરિટ પર મુસ્લિમ પક્ષે દલીલ રાખી, હિન્દુ પક્ષે કાશી વિશ્વનાથના દર્શન કર્યા
7) મહારાષ્ટ્ર ફ્લોર ટેસ્ટમાં ED-EDની નારેબાજી, ફડણવીસે ગૃહમાં કહ્યું- હા, હવે ED સરકાર, એકનાથ અને દેવેન્દ્રએ બનાવી છે
8) ડોક્યુમેન્ટરી 'કાલી'ના પોસ્ટર પર વિવાદ:મહાકાળી માતાને સિગારેટ પીતા જોઈને યુઝર્સ ભડક્યા, ફિલ્મમેકરની ધરપકડ કરવાની માગ કરી
આજનો ઈતિહાસ
વર્ષ 1947માં આજના દિવસે બ્રિટીશ સંસદમાં ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 રજૂ કરવામાં આવ્યો હતો
અને આજનો સુવિચાર
ક્રોધ ને જીતવામાં મૌન જેવુ બીજું કોઈ સહાયક નથી.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.