નમસ્કાર,
આજે ગુરુવાર છે, તારીખ 14 જુલાઈ, અષાઢ વદ-એકમ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે પણ ભારે વરસાદની આગાહી
2) વડાપ્રધાન મોદી આજે ચાર દેશો વચ્ચે યોજાનાર પહેલી I2U2 સમિટમાં વર્ચ્યુઅલ રીતે જોડાશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગુજરાતમાં વરસાદથી ખાનાખરાબી:છેલ્લા 24 કલાકમાં 14નાં મોત, 35 હજાર લોકોનું સ્થળાંતર, 51 સ્ટેટ હાઇવે સહિત 537 માર્ગો બંધ
ગુજરાતમાં ચોમાસાની સમગ્ર સીઝનમાં 34 ઇંચ વરસાદ પડવાની સરેરાશ છે, જેની સરખામણીએ હાલ સુધીની સ્થિતિએ કુલ 14.52 ઈંચ, એટલે કે 42.72 ટકા વરસાદ વરસ્યો છે. અત્યારસુધીમાં રાજ્યમાં પડેલા કુલ 14.52 ઈંચ વરસાદમાંથી 7.67 ઈંચ, એટલે કે 47 ટકા જેટલો વરસાદ માત્ર 5 જ દિવસમાં વરસી ગયો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદી આફતમાં અત્યારસુધીમાં 31035 નાગરિકનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મોત થયાં છે.
2) કોમર્શિયલ ટેક્સ પેયરનો શો વાંક?:અમદાવાદના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મોંઘીદાટ ગાડીઓ ડૂબી, AMCએ મદદ કરવાને બદલે 'હાથ ઊંચા' કર્યા
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં હજુ બેઝમેન્ટમાંથી વરસાદી ઓસર્યા નથી. બે દિવસ થયા છતાં એની એ જ સ્થિતિ છે. એક તરફ, જ્યાં વિવિધ વિસ્તારોની સોસાયટીમાં કોર્પોરેશન મદદરૂપ સાબિત થવામાં ઊણું ઊતર્યું છે, ત્યારે કોમર્શિયલ બિલ્ડિંગમાં પણ કોર્પોરેશનના વલણને કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પ્રહલાદનગર પાસેના રાહુલ ટાવર સામે સહજાનંદ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાયા છે, જેને કારણે વીજપુરવઠો પણ નથી. આ કોમ્પ્લેક્સમાં 8 જેટલી હોસ્પિટલ અને ક્લિનિક કાર્યરત છે, જેના કારણે અહીં આવતા દર્દીઓ પણ પરેશાન થયા.
3) મેઘકહેર વચ્ચે પરિવારો લાચાર:બારડોલીમાં ભારે વરસાદને કારણે 300થી વધુ ઘરોમાં પાણી ભરાયાં; રહીશોએ કહ્યું- આખી રાત ઘરવખરી બચાવવામાં જ વિતાવી
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતાં રહીશોની દશા કફોડી બની છે. તલાવડી વિસ્તાર, કોર્ટની સામે આવેલા ખાડામાં તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં 300થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાવા પામ્યાં છે. મોડી રાત્રે મીંઢોળા નદીના પાણીના સ્તરમાં વધારો થતાં આખી રાત ઘરવખરીનો સમાન બચાવવામાં નીકળી ગઈ હતી. એક તરફ, ધોધમાર વરસાદ અને બીજી તરફ, ઘરોમાં પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી.
4) પ્રભારી ડો.રઘુ શર્મા કદ પ્રમાણે વેતરાયા:ગુજરાત કોંગ્રેસની કમાન હાઈકમાન્ડે ફરીવાર રાજસ્થાનના CM અશોક ગેહલોતના હાથમાં સોંપી
ગુજરાત કોંગ્રેસમાં ઉકળતો જૂથવાદ દિવસે દિવસે વધી રહ્યો છે. તે ઉપરાંત કોંગ્રેસના નવા પ્રભારી સામેની પક્ષના કાર્યકરો અને નેતાઓની નારાજગીથી પણ હાઈકમાન્ડ નારાજ થયો છે. ત્યારે ફરીવાર ગુજરાત કોંગ્રેસની કમાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને સોંપવામાં આવી છે. તે ઉપરાંત કોંગ્રેસ હાઈકમાન્ડે બે ઓબ્ઝર્વરની પણ નિમણૂંક કરી છે. જેમાં મહારાષ્ટ્રના યુવા નેતા મિલિંદ દેવરા અને છત્તીસગઢના આરોગ્યમંત્રી ટી.એસ.સિંહદેવને ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
5) 18+ને ફ્રીમાં કોરોના બૂસ્ટર ડોઝ, આગામી 75 દિવસ સુધી નિઃશુલ્ક મળશે વેક્સિન, 15 જુલાઈથી સરકારી હોસ્પિટલમાં લઈ શકાશે
દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાના બૂસ્ટર ડોઝ ફ્રીમાં મળશે. બુધવારે કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તમામ સરકારી હોસ્પિટલમાં 15 જુલાઈથી બૂસ્ટર કે પ્રિકૉશન ડોઝ મળશે. જો કે ફ્રી ડોઝ આગામી 75 દિવસ માટે જ ઉપલબ્ધ હશે. હાલ દેશમાં કોરોના વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ મફત મળે છે, જ્યારે બૂસ્ટર ડોઝ માટે ચુકવણી કરવી પડતી હતી. દેશમાં મંગળવારે કોરોનાનાના નવા કેસ 16,107 નોંધાયા છે. જે ગત દિવસોની તુલનામાં 5,392 વધુ છે. આ દરમિયાન મોતની સંખ્યામાં પણ 17થી વધીને 45 થઈ ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા 1,31,589 છે. સોમવારે આ આંકડો 1,30,456 હતો. સ્વસ્થ થનારાઓની સંખ્યા 15,070 નોંધાઈ છે.
6) શ્રીલંકામાં ઇમર્જન્સી લાગુ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને સ્થિતિ સંભાળવાની જવાબદારી, વિરોધ પ્રદર્શનકારીઓએ PM મોદી પાસે મદદ માગી
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડી માલદિવ્સ ભાગી ગયા છે. રાજપક્ષેએ દેશ છોડતા શ્રીલંકાના નાગરિકો ભારે ગુસ્સે ભરાયા છે. રાજધાની કોલંબોના માર્ગો પર વિરોધ પ્રદર્શનકારીઓએ ભારે વિરોધ કર્યો છે. લોકોના ઉગ્ર વિરોધને જોતા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ઈમર્જન્સીની જાહેરાત કરી છે.
7) નૂપુરના પ્રત્યેક સમર્થકની કતલનો પ્લાન અંગે થયો ઘટસ્ફોટ, પાકિસ્તાનથી રાજસ્થાનના 6 જિલ્લામાં 40 લોકોને તૈયાર કર્યા, તમામને ઓનલાઇન ટ્રેનિંગ અપાઈ હતી
આતંકવાદીઓના ટાર્ગેટ પર ઉદયપુરના કનૈયાલાલ જ નહિ, પરંતુ એ તમામ લોકો હતા, જેમણે નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી. પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામી અને આતંકવાદીઓએ આ માટે રાજસ્થાનના 40 લોકોને તૈયાર કર્યા હતા. તેઓ નૂપુરનું સમર્થન કરનારા લોકોનું ગળું કાપવા માટે તૈયાર થઈ ગયા હતા. આ અંગેની માહિતી એનઆઈએ અને એટીએસની શરૂઆતની તપાસમાં બહાર આવી છે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) વરસાદથી વાહનોમાં મોટું નુકસાન:અમદાવાદમાં ગાડીઓ રિપેર કરાવવા માટે 15 દિવસનું વેઇટિંગ, કારમાં 3 હજારથી એક લાખ સુધીનો ખર્ચ
2) વિપક્ષનું વિરોધ પ્રદર્શન:અમદાવાદમાં પ્રિ મોન્સૂન કામગીરી નિષ્ફળ જતાં કોંગ્રેસે AMC ઓફિસે ઉગ્ર વિરોધ કર્યો, હાય રે મેયર હાય હાયના નારા લગાવ્યા
3) રાજકોટમાં જળસંકટ ટળ્યું:એક જ રાતમાં આજી-ન્યારીમાં દિવાળી સુધી સુધી ચાલે તેટલું પાણી ઠલવાયું,આજી-2, ન્યારી-2 અને લાલપરી તળાવ છલોછલ
4) ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ગીર-ગઢડામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં ચારે તરફ પાણી જ પાણી
5) જેલમાં ગુરુનો ઝઘડો થયો, સાથી કેદીઓનો આરોપ- સિદ્ધૂ તું-તારી કરે છે; નવજોતે કહ્યું- મારા કાર્ડ પરથી મને જાણ કર્યા વગર સામાન ખરીદ્યો
6) ભૂતપુર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ પાકિસ્તાની પત્રકારને માહિતી આપવાના આરોપને નકારી દીધા, કહ્યું- હું તેમને ક્યારેય મળ્યો જ નથી
7) ક્રુઝ ડ્રગ્સ કેસ:દોઢ વર્ષ બાદ શાહરુખ ખાનના લાડલા આર્યન ખાનને પાસપોર્ટ પરત કરવા કોર્ટે આપી મંજૂરી
8) 17 મહિના પછી વનડેમાં નંબર-1 બુમરાહ:ન્યૂઝીલેન્ડના જે બોલ્ટે હટાવ્યો તેને જ પછાડીને ટોપ પર પહોંચ્યો; ટોપ-10માં એકમાત્ર ભારતીય બોલર
આજનો ઈતિહાસ
વર્ષ 2015માં આજના દિવસે નાસના ન્યૂ હૉરિજન પ્લૂટો પર જનારું વિશ્વનું સૌ પ્રથમ અંતરિક્ષ યાન બન્યું હતું
અને આજનો સુવિચાર
ઘણા ગુણો હોવા છતાં પણ, ફક્ત એક ખામી જ દરેક વસ્તુનો નાશ કરી શકે છે - ચાણક્ય
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.