સાર્વજનિક પંડાલમાં ગણેશોત્સવ નહીં:અમદાવાદમાં સતત બીજા વર્ષે 600થી વધુ આયોજકો નારાજ, નથી પોલીસે મંજૂરી આપી કે નથી જાહેરનામું બહાર પાડ્યું!

અમદાવાદ10 મહિનો પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મંજૂરી માગનારા આયોજકોને નિર્ણય બાકી હોવાનું કહેવાયું
  • પ્રસાદ વિતરણને મંજૂરી અપાઈ છે પરંતુ ભીડ ભેગી ન થાય તે માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન ફરજિયાત

સતત બીજા વર્ષે પણ અમદાવાદમાં સાર્વજનિક પંડાલમાં યોજાતો ગણેશોત્સવ નહીં યોજાય. જો કે રાજ્ય સરકારે 4 ફૂટના માટીના ગણપતિનું સ્થાપન કરીને પૂજા - સ્થળ વિસર્જન માટે મંજૂરી આપી છે. પરંતુ તે માત્ર સોસાયટી, ફ્લેટ, પોળ કે શેરીમાં જ કરી શકાશે. જ્યારે પંડાલમાં યોજાતા 600 જેટલા ગણશોત્સવના આયોજકને ચાલુ વર્ષે પોલીસે મંજૂરી આપી નથી કે જાહેરનામું પણ બહાર પાડ્યું નથી.

2 વર્ષથી કોરોનાને કારણે મંજૂરી નહીં
ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ ગણેશભાઈ ક્ષત્રિયએ જણાવ્યું હતું કે, 3 વર્ષ પહેલાં અમદાવાદમાં 600 જેટલા સાર્વજનિક ગણેશ ઉત્સવ યોજાતા હતા. તેમજ સોસાયટીઓ, શેરીઓ, પોળો તેમજ ઘરમાં લોકો અંદાજે 1 થી 1.50 લાખ ગણપતિનું સ્થાપન-વિસર્જન કરાતું હતું. પરંતુ ગત 2 વર્ષથી કોરોનાને કારણે સરકારે ગણેશોત્સવ માટે મંજૂરી આપી ન હતી. જ્યારે ચાલુ વર્ષે રાજ્ય સરકારે 4 ફુટના માટીના ગણપતિનું સ્થાપન કરીને ગણેશોત્સવની મંજૂરી આપી છે. કેટલાંક સાર્વજનિક ગણેશોત્સવ આયોજકોએ પોલીસ પાસે મંજૂરી માગી છે. પરંતુ પોલીસે હજુ સુધી મંજૂરી આપી નથી. તે માટે તેમને કહેવામાં આવ્યું છે કે આ અંગે પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડશે, ત્યારબાદ જ મંજૂરી આપવી કે નહીં તે નક્કી કરાશે.

સોસાયટી, ફ્લેટોમાં પણ માત્ર દર્શન- આરતીને મંજૂરી
સોસાયટી, શેરી, પોળ તેમજ ફ્લેટમાં 4 ફુટની માટીની ગણપતિની મૂર્તિનું સ્થાપન કરીને ગણેશોત્સવ યોજી શકાશે. જો કે ત્યાં પણ ડાયરો કે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાશે નહીં. માત્ર સોસાયટીના સભ્યોની હાજરીમાં જ આરતી-દર્શન અને પ્રસાદ વિતરણ કરી શકાશે. તેમાં પણ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવું પડશે.

આયોજકોને માનવસેવાનાં કાર્યક્રમો યોજવા અપીલ
સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ ગણેશભાઈ ક્ષત્રિયએ અપીલ કરી છે કે પંડાલને મંજૂરી ન હોવાથી સોસાયટી કે ફ્લેટમાં ગણેશોત્સવનું આયોજન કરી બ્લડ ડોનેશન કેમ્પ યોજવો, અનાથ બાળકો-વિધવા-વૃધ્ધોને સહાયના કાર્યક્રમ યોજવા જોઈએ.

પોલીસની મંજૂરી ન મળતાં ઉત્સવ રદ કર્યો છે
અમે સ્થાનિક પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ, મ્યુનિ.કોર્પો તેમજ ટ્રાફિક પોલીસની કચેરીએ ગણેશોત્સવની મંજૂરી માટે ગયા હતા. પરંતુ તેમની પાસે પોલીસ કમિશનર કચેરીમાંથી સત્તાવાર કોઇ પત્ર કે જાહેરનામું આવ્યું નહીં હોવાથી તેમણે ગણેશોત્સવ માટે મંજૂરી આપી નથી. આખરે પોલીસ મંજૂરીના અભાવે અમારે સાર્વજનિક ઉત્સવ રદ કરવો પડ્યો છે. - પ્રકાશ બારોટ (આયોજક ગુરુકુલના મહારાજા)

12 ફૂટની મૂર્તિને મંજૂરી ન હોવાથી આયોજન નહીં
અમે છેલ્લાં 25 વર્ષથી મણિનગરમાં સાર્વજનિક રીતે ગણેશોત્સવનું આયોજન કરીએ છીએ. જો કે 2 વર્ષથી સરકારે ગણેશોત્સવ માટે મંજૂરી આપી ન હતી. જ્યારે ચાલુ વર્ષે 4 ફુટના ગણપતિ માટે મંજૂરી આપી છે. પરંતુ અમે દર વર્ષે 12 ફુટની મૂર્તિનું સ્થાપન કરીએ છીએ. એટલે અમે ચાલુ વર્ષે પણ ગણેશોત્સવ રદ કર્યો છે. - શૈલેષભાઈ ડાભી (આયોજક મણિનગર કા રાજા)

અન્ય સમાચારો પણ છે...