મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઇ એક્સપો-ર૦ર૦માં ઇન્ડીયા પેવેલિયન ખાતે આજે બપોરે ધોલેરા SIRના યોજાનારા સ્પેશ્યલ સેશનમાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થશે. મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ પ્રથમ વખત દુબઈ એક્સ્પોમાં સંબોધન કરશે. સેટિંગ ન્યૂ બેંચ માર્કસ ફોર ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી-ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી’ની વિષયવસ્તુ સાથે આયોજિત આ સત્રમાં મુખ્યમંત્રીઆ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી ધોલેરા SIRની વિશેષતાઓની પ્રભાવક પ્રસ્તૃતિ કરશે. મુખ્યમંત્રીને આ સત્રમાં કિ-નોટ એડ્રેસ માટે ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સેશનનો પ્રારંભ આજે બપોરે ચાર વાગે થશે
દુબઇ એકસપો –2020માં ‘ધોલેરા પાયોનિયરીંગ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન ઇન્ડીયા’ સેશનનો પ્રારંભ ભારતીય સમય અનુસાર બપોરે 4 કલાકે થવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ સત્રમાં ભારતના દુબઇ ખાતેના કોન્સ્યુલ જનરલ અમન પૂરી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના ચેરમેન સંજીવકુમાર, શરાફ ગૃપના વાઇસ ચેરમેન શરાફૂદિન શરાફ પણ વર્ચ્યુઅલ તેમજ પ્રત્યક્ષ ઉપસ્થિતીથી જોડાશે.
ગુજરાત સરકારના છ અધિકારીઓને ફરજ સોંપાઈ
દુબઈ ખાતે આયોજિત એક્સપોમાં ગુજરાત સરકારના છ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેઓ ગુજરાત સરકાર તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. દુબઈ ખાતે આયોજિત વર્લ્ડએક્સપોમાં આ અધિકારીઓ ઇન્ડિયા પેવેલિયનમાં 1 થી 14 ઓક્ટોબર દરમિયાન વિવિધ સેમિનારો અને એક્ઝિબિશન સાથે ઉદ્યોગકારો ને મળી બિઝનેસ મીટિંગો દ્વારા ગુજરાતમાં મૂડીરોકાણ વધે તે માટેન પ્રયત્નો કરશે. આ અધિકારીઓમાં પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદરની સાથે ટુરીઝમ સેક્રેટરી હારીત શુક્લા અને ઇન્ડેક્સ-બીના એમ.ડી. નિલમ રાની, ઉદ્યોગ ખાણ ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા, ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા અને ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી વિવિધ દેશોના રાજદૂતોને મળ્યા હતા
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનના ભાગરૂપે જ વિવિધ દેશના રાજદૂતો પણ ગુજરાતમાં આવી રહ્યા છે, જેમાં ગુજરાતમાં સરકાર બદલાતાં જ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરના રોજ શપથ લીધા અને 16 સપ્ટેમ્બરે મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી, જ્યારે 18 સપ્ટેમ્બરે, એટલે કે સરકારની રચનાના બે દિવસ બાદ જ USAના રાજદૂત સાથે મુખ્યમંત્રીની મુલાકાત થઈ હતી, જેમાં નવા મુખ્યમંત્રીએ અમેરિકાને વાઈબ્રન્ટનું આમંત્રણ આપ્યું હતું. 25 સપ્ટેમ્બરે જ્યોર્જિયાના રાજદૂત મુખ્યમંત્રીને મળ્યા. 29 સપ્ટેમ્બરે વિયેતનામના રાજદૂત અને 1 ઓક્ટોબરે બ્રાઝિલના રાજદૂત મુખ્યમંત્રીને મળ્યા હતા. તમામ રાજદૂતોને તેમના દેશના વડાપ્રધાન સહિત ઉદ્યોગકારોને વાઈબ્રન્ટ 2022માં ભાગ લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વાઈબ્રન્ટ સમિટ માટે અધિકારીઓને વેબિનાર અને સેમિનાર કરવાની સૂચનાઓ
આ સમિટ માટે ઉદ્યોગ વિભાગ, ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ તેમજ ઇન્ડેક્સ-બીના અધિકારીઓને મુલાકાત, આયોજન, રોકાણકારોને આકર્ષવા માટેના સંવાદ, બિઝનેસ ડેલિગેશન તેમજ વેબિનાર અને સેમિનાર કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં 2019 પછી સીધી જ ત્રણ વર્ષે યોજાઈ રહેલી સમિટમાં વિક્રમી મૂડીરોકાણ સાથે દેશ અને વિદેશનાં ઉદ્યોગજૂથો તેમજ બિઝનેસ ડેલિગેશન વધારે પ્રમાણમાં આવે એ માટે પ્રચારઝુંબેશ શરૂ થાય એવી સંભાવના છે. આ ઉપરાંત ઉદ્યોગકારોને વિવિધ પ્રકારની જમીન અંગેની માહિતી ઉપલબ્ધ કરવા માટે ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફર્મેશન સિસ્ટમ નામનું સોફટવેર ઇન્ડેક્સ–બી અને બાયસેગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત ડીપીઆઇઆઇટી દ્વારા સ્ટેટ રિફોર્મ એકશન પ્લાનમાં રજૂ કરવામાં આવેલા વિવિધ સુધારાઓનું અમલીકરણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.