અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ:2018 પછી પહેલીવાર 4 કલાકમાં 6થી 12 ઈંચ, સિઝનનો 43 ટકા વરસાદ બે દિવસમાં પડી ગયો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
5 અંડરપાસ બંધ કરવા પડ્યા, ગોતા-જુહાપુરામાં વીજળી પડી - Divya Bhaskar
5 અંડરપાસ બંધ કરવા પડ્યા, ગોતા-જુહાપુરામાં વીજળી પડી
  • લૉ પ્રેશરની અસરથી તીવ્રતા વધી, હજુ 3 દિવસ આગાહી, 4 વર્ષ પહેલાં 14 ઈંચ વરસાદ પડ્યો હતો

રવિવારે સાંજે 6થી 9 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધ 12 ઇંચ વરસાદ પાલડીના ટાગોર હોલ વિસ્તારમાં પડ્યો હતો. જ્યારે બોડકદેવ, ઉસ્માનપુરા, મકતમપુરા, જોધપુરમાં આઠ ઈંચ વરસાદ પડ્યો હતો.

સતત વીજકડાકા સાથે ખાબકેલા વરસાદને પગલે શહેરના તમામ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયાં હતાં, જેને કારણે વાહનવ્યવહાર થંભી જતાં રસ્તા પર ગાડીઓની લાંબી લાઇનો લાગી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોની સોસાયટીનાં ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીને નુકસાન થયું હતું. બીજી તરફ પાણી ભરાઈ જતાં મીઠાખળી, ઉસ્માનપુરા, અખબારનગર, પરિમલ અંડરપાસ, મકરબા-વસ્ત્રાપુર રેલવે અંડરબ્રિજ બંધ કરી દેવાયાં હતાં. વાસણા બેરેજના આઠ દરવાજા ખોલવા પડ્યા હતા.

રજા હોવાથી જે લોકો સાંજે ફરવા નીકળ્યા હતા તેમને ઘરે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. સતત વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ઊતરવામાં બેથી ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. વાહનોમાં પણ પાણી ભરાઈ જતા રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મ્યુનિ.ના અધિકારીઓ સહિતના આગેવાનો પાલડી, કંટ્રોલ રૂમ પર દોડી આવ્યા હતાં અને સમીક્ષા કરી હતી. અમદાવાદમાં સિઝનનો સરેરાશ 28 ઇંચ વરસાદ પડતો હોય છે, જેમાંથી છેલ્લા 2 દિવસમાં જ 11 ઇંચ વરસાદ ખાબક્યો છે.

વાસણા બેરેજના 8 દરવાજા 4 ફૂટ ખોલવા પડ્યા
રવિવારે સાંજે પડેલા ભારે વરસાદને પગલે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પૂર્વ અને પશ્ચિમ તમામ વિસ્તારો અને શહેરને જોડતા તમામ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણીના નિકાલ માટે વાસણા બેરેજના 8 દરવાજા 4 ફૂટ ખોલવા પડ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે કહ્યું હતું કે, એક સાથે ભારે વરસાદ પડશે તો પાણી ભરાશે અને વરસાદ બંધ થશે તે પછીના 3 કલાકમાં પાણી ઊતરી જશે.

એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, શિવરંજની, વિશાલા સહિતના મુખ્ય રોડ પાણીમાં​​​​​​​
પાલડી, થલતેજ, દાણીલીમડા, વેજલપુર, ફતેહવાડીની સંખ્યાબંધ સોસાયટીમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. નહેરુનગરથી માણેકબાગ બીઆરટીએસ રૂટ બંધ કરવાની ફરજ પડી હતી. આ સિવાય એએમટીએસના પણ કેટલાક રૂટ બંધ કરી દેવાયા હતા. પાણીમાં વાહનો બંધ થઈ જતાં વાહનચાલકો ત્યાં મૂકીને જતા રહ્યા હતા. એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, શિવરંજની, 132 ફૂટ રિંગ રોડ, વિશાલા સહિતના મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...