નવી નોટોનો કુબેરભંડાર:પહેલીવાર જુઓ બેન્કના ચેસ્ટ રૂમમાં રાખેલી ચલણી નોટોની તસવીર માત્ર દિવ્ય ભાસ્કરમાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સલામતી એટલી કે બેન્કના માત્ર બે કે ત્રણ કર્મચારીને અહીં જવાની મંજૂરી હોય છે

દિવાળી એટલે કડકડતી ચલણી નોટો સાથે નવું વર્ષ શરૂ કરવાનો અવસર, આથી દિવાળી પહેલાં જ બેન્કોમાંથી રોકડ ઉપાડવાનું લોકો શરૂ કરી દેતા હોય છે. બેન્કો પણ દિવાળી પહેલાં રોકડ ટ્રાન્ઝેક્શનોને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરી લેતી હોય છે. આ રોકડ ચેસ્ટ રૂમમાં સ્ટોર કરાય છે. શહેરની એક બેન્કના ચેસ્ટ રૂમમાં વર્ષે રૂ.773 કરોડથી વધુ રોકડનું વિતરણ થતું હોય છે. માત્ર દિવાળીના તહેવારોમાં જ નવી ચલણી નોટોની ડિમાન્ડ રહે છે અને આ દિવસોમાં રૂ.70થી 80 કરોડનું વિતરણ થાય છે.

બેન્કના ચેસ્ટ રૂમની સિક્યોરિટી પણ એટલી જ કડક હોય છે. શહેરની એક બેન્કે ચેસ્ટ રૂમની આ માહિતી આપતાં જણાવ્યું હતું કે ચેસ્ટ રૂમમાંથી બ્રાન્ચમાં ચલણી નોટોને એક લોખંડની બેગમાં ગણીને બ્રાન્ચ સુધી સિક્યોરિટી ગાર્ડ સાથે મોકલાતી હોય છે. દરેક બેન્કની જેટલી બ્રાન્ચ હોય એ તમામમાં અને બેન્કના એટીએમની સંખ્યા પ્રમાણે રોકડ મોકલાતી હોય છે. તસવીર - ધવલ ભરવાડ, અહેવાલ - કેતનસિંહ રાજપૂત.

ચાવી લગાડ્યા બાદ નક્કી કરેલા સમય પછી જ દરવાજો ખૂલી શકે છે
ચેસ્ટ રૂમ બેન્કના ભોંયરામાં હોય છે. એમાં લોખંડની તિજોરી દીવાલમાં ચણેલી હોય છે, જેનો માત્ર દરવાજો બહાર હોય છે. ચેસ્ટ રૂમમાં નક્કી કરેલા બે કે ત્રણ કર્મચારી જ પ્રવેશ કરી શકે છે. તેમની પાસે અલગ અલગ ચાવી હોય છે. આ ચાવીઓ સાથે લગાવ્યા બાદ જ નિયત કરેલા સમય પછી તાળું ખૂલે છે. તાળું ખૂલે ત્યારે મોટો અવાજ આવે છે. સિક્યોરિટી સિસ્ટમ આરબીઆઈની ગાઇડલાઇન મુજબ હોય છે.

ચેસ્ટમાં કામ કરતા કર્મચારીઓ મશીનની ઝડપે નોટ ગણી શકે છે
ચેસ્ટ રૂમ સંભાળતા કર્મચારીની બદલીઓ ખૂબ ઓછી થતી હોય છે. શહેરની એક બેન્કના ચેસ્ટ રૂમ સંભાળતા કર્મચારી પાસે નોટોના બંડલમાંથી નકલી નોટને અલગ તારવવાની આગવી આવડત હોય છે. તેમની નોટો ગણવાની ઝડપ પણ મશીન જેવી હોય છે.