ટિકિટ કાપી:અમદાવાદ શહેરના ઇતિહાસમાં પહેલીવાર ભાજપે 16માંથી 13 MLAની ટિકિટ કાપી નાખી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા રિપીટ, 75% નવા ઉમેદવારની મ્યુનિ.ની ફોર્મ્યુલા અજમાવી

શહેરની 16માંથી માત્ર 2 બેઠક પર ભાજપે ઉમેદવારો રિપીટ કર્યા છે, જ્યારે 2017માં ચૂંટણી લડેલા 13 ઉમેદવારની ટિકિટ કાપી નાખવામાં આવી છે. વટવા બેઠક પર ઉમેદવાર હજુ જાહેર થવાનો બાકી છે. અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર ભાજપે સાગમટે 13 ઉમેદવારને ઘરે મોકલ્યા છે. પ્રથમ વખત 3 મહિલાને ટિકિટ અપાઈ છે. મ્યુનિ. કોર્પોરેશનમાં 75 ટકા ઉમેદવારો બદલીને મળેલી સફળતા પછી ભાજપે વિધાનસભામાં પણ આ ફોર્મ્યુલા અપનાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માને જ રિપીટ કરાયા છે.

ભાજપે સાગમટે સાફસૂફી કરવા સાથે જ્ઞાતિનાં સમીકરણ ધ્યાને લીધાં છે. પટેલ જ્ઞાતિના 4, બ્રાહ્મણ જ્ઞાતિના 3 જ્યારે 2 જૈનને તેમજ એક ઓબીસી, શિડ્યૂલ કાસ્ટના 2 ઉમેદવારને પસંદ કર્યા છે. પટેલ ઉમેદવારોમાં 3 કડવા પટેલ અને એક લેઉઆ પટેલ છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ભાજપે વાલ્મીકિ સમાજની મહિલાને અમદાવાદમાં ટિકિટ આપી છે. નારણપુરા, અમરાઇવાડી, સાબરમતી, ઠક્કરબાપાનગરમાં પટેલને, વેજલપુર, ખાડિયા, મણિનગરમાં બ્રાહ્મણ ઉમેદવાર, એલિસબ્રિજ અને દરિયાપુરમાં જૈન ઉમેદવાર પસંદ કરાયા છે.

ઉમેદવારમાં 3 ડોક્ટર, એક 10 અને એક 12 પાસ છે
​​​​​​​અમદાવાદની 16 બેઠકોમાંથી ભાજપે પેથોલોજિસ્ટ ડૉ.હસમુખ પટેલ, એનેસ્થેટિસ ડૉ. પાયલ કુકરાણી, પીએચડી ડૉ. હર્ષદ પટેલને ટિકિટ આપી છે. ઠક્કરબાપાનગર બેઠકથી કંચનબેન રાદડિયાએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે જ્યારે નારણપુરાના ઉમેદવાર જીતેન્દ્ર પટેલે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. અન્ય ઉમેદવારો સ્નાતક અને અનુસ્નાતક છે.

2 કોર્પોરેટર, 7 પૂર્વ કોર્પોરેટરને ટિકિટ, વટવામાં જાહેરાત બાકી
મ્યુનિ.ના બે સીટિંગ કોર્પોરેટર કંચનબેન રાદડિયા અને દિનેશ કુશવાહને ભાજપે ટિકિટ આપી છે. હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને ઘાટલોડિયા, પૂર્વ મેયર અમિત શાહને એલિસબ્રિજ, પૂર્વ કોર્પોરેટરો ભૂષણ ભટ્ટ, કૌશિક જૈન, અમુલ ભટ્ટ, દર્શનાબેન વાઘેલા, નરેશ વ્યાસને ટિકિટ આપી છે. મ્યુનિ.ના વર્તમાન ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન તથા વિવિધ કમિટીના ચેરમેન અને ડે. ચેરમેન સહિત 22 ઉમેદવારોએ ટિકિટની માગણી કરી હતી. શહેર ભાજપના 20 હોદ્દેદારોમાંથી 13એ દાવેદારી નોંધાવી હતી. જેમાંથી 4ની પસંદગી થઈ છે. ભાજપે વટવા વિધાનસભા બેઠક માટે હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી.

અન્ય સમાચારો પણ છે...