તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂરથી દર્શન:144 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભક્તો વગર ભગવાન નગરચર્યાએ, ઘરના ઓટલે, પોળના ધાબે-નાકેથી ભગવાનનાં દર્શન કર્યાં

અમદાવાદ12 દિવસ પહેલા
  • એક સમયે રથની આસપાસ લાખો લોકોની ભીડ જામતી હતી

અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી છે. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદવિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. 144 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભક્તો વગર ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. એક સમયે રથની આસપાસ લાખો લોકોની ભીડ જામતી હતી, જ્યારે આ વર્ષે માત્ર પરંપરાગત રૂટ પરના લોકોએ માત્ર ઘરમાં જ બેસી બારી તેમજ ધાબા પરથી ભગવાનનાં દર્શન કર્યાં છે.

લોકોએ ધાબા પર અને પોળના નાકેથી ભગવાનનાં દર્શન કર્યાં
ભગવાનમાં ત્રણેય રથ સમયથી બે કલાક વહેલા ચાલી રહ્યા છે. બીજી તરફ, સરસપુરમાં લોકોએ ધાબા પર અને પોળના નાકેથી ભગવાનનાં દર્શન કર્યાં હતાં. રથયાત્રાના દિવસે કર્ફ્યૂ હોવાને કારણે અલગ અલગ વિસ્તારોમાં નિયંત્રણ છે. ત્યારે કાલુપુર દરવાજા પાસે રેલવે સ્ટેશનથી આવતા અને જતા પ્રવાસીઓ માટે પોલીસે માનવીય અભિગમ અપનાવ્યો છે. હજાર સ્થાનિક પોલીસે પોલીસનાં વાહનોમાં પ્રવાસીઓને અન્ય સ્થાને લઈ જવામાં મદદ કરી, જેને કારણે અટવાયેલા પ્રવાસીઓમાં આનંદ જોવા મળ્યો અને ખુશી વ્યક્ત કરી હતી.

માત્ર પોલીસ જવાનો સાથે નીકળી રથયાત્રા
સૌથી આગળ પોલીસનાં વાહનો બાદમાં રથની આગળ એક વાહન મંદિરનું અને પછી ત્રણ રથ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી રહ્યા છે. રથની પાછળ પણ પોલીસ. રાયપુર ચાર રસ્તા, જ્યાં રથયાત્રા પહોંચે એ પહેલાં માનવ મહેરામણ ઊમટતો હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને લઈ નિયંત્રણ હોવાથી રસ્તા પર માત્ર પોલીસ જવાનો બંદોબસ્તમાં જોવા મળી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચવાળા રથને પાછળથી ધક્કો મારી રહ્યા છે.

માત્ર ગણતરીના લોકો જ રથને નજીકથી જોઈ શક્યા.
માત્ર ગણતરીના લોકો જ રથને નજીકથી જોઈ શક્યા.

માત્ર પાંચ કલાકમાં જ પૂરો થશે 22 કિ.મીનો રૂટ
રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી દીધી છે. ગત વર્ષે ભગવાનનો રથ માત્ર મંદિર પરિસરમાં જ ફર્યો હતો, પરંતુ આ વર્ષે કોરોના કેસ ઓછા હોવાથી પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવાની મંજૂરી મળી છે. જે રૂટ પરથી રથ નીકળશે એ તમામ રૂટ પર કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. માત્ર પાંચ કલાકમાં 22 કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજમંદિરમાં પરત ફરશે અને રથયાત્રા સંપન્ન થશે.

આ વર્ષે ભક્તોમાં રથયાત્રાનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે.
આ વર્ષે ભક્તોમાં રથયાત્રાનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે.
લોકોએ પોળના નાકેથી ભગવાનનાં દર્શન કર્યાં.
લોકોએ પોળના નાકેથી ભગવાનનાં દર્શન કર્યાં.