ચલો સ્કૂલ ચલે હમ:બે વર્ષ બાદ રાજ્યમાં 17 ફેબ્રુઆરીથી શરૂ થશે પ્રી-સ્કૂલ, બાળ મંદિર અને આંગણવાડીઓ

અમદાવાદ5 મહિનો પહેલા

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શાંત થઈ જતાં હવે શિક્ષણ પણ પાટા પર આવવા લાગ્યું છે. રાજ્ય સરકારે 7 ફેબ્રુઆરીથી ધોરણ 1થી 9 સુધીનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ આજે 17મી ફેબ્રુઆરીથી પ્રી-સ્કૂલ, બાળ મંદિર અને આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આમ, બે વર્ષમાં પહેલીવાર પ્રી-સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરના આંગણવાડી અને પ્રી-સ્કૂલના સંચાલકો કોરોનાની નિયત એસ.ઓ.પીના ચુસ્ત પાલન તથા વાલીના સંમતિપત્ર સાથે ભૂલકાં માટે શિક્ષણકાર્ય શરૂ કરી શકશે, એમ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું છે.

ખૂબ મોટું શૈક્ષણિક નુકસાન થયું
મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે રાજ્યનાં ભૂલકાંના આરોગ્યની સાથે શિક્ષણની પણ ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે, તેથી જ તેમના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ રહેતાં બાળકોને ખૂબ મોટું શૈક્ષણિક નુકશાન થયું છે, એને દૂર કરવા રાજ્ય સરકાર ચિંતિત છે.

સરકારને પાયો નબળો રહી ના જાય એની ચિંતા
શિક્ષણમંત્રી વાઘાણી ઉમેર્યું હતું કે બાળકો બાળ મંદિર/ પ્રી-સ્કૂલ કે આંગણવાડીમાં અભ્યાસ કરી શક્યાં ન હોવાથી ધોરણ-1માં પ્રવેશ લેતાં બાળકોનો શૈક્ષણિક પાયો નબળો રહી ના જાય એની ચિંતા સરકાર કરી રહી છે અને એ માટે જ તેમને થયેલો લર્નિંગ લોસ દૂર કરવા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત 6 જાન્યુઆરીએ 4213 કેસ આવતાં 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.

પ્રી-સ્કૂલ ખોલવાની જાહેરાત કર્યા બાદ જિતુ વાઘાણીએ યુક્રેન કટોકટી મામલે કહ્યું હતું કે ગુજરાતના ફસાયેલા વિદ્યાર્થીઓ પર રાજ્ય સરકારની નજર છે તેમજ એ માટે સરકાર મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

કોરોનાકાળમાં ક્યારે ક્યારે સ્કૂલો બંધ કરી
વર્ષ 2020માં સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ 6થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી, પરંતુ એક વર્ષમાં જ કોરોનીની સ્થિતિ ત્યાંની ત્યાં જ આવી જતાં 18 માર્ચ, 2021માં ચાર મહાનગરમાં ફરી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરી ઓગસ્ટમાં સ્કૂલો ખોલવામાં આવી હતી, પરંતુ ડિસેમ્બર 2021માં ત્રીજી લહેર શરૂ થતાં જાન્યુઆરી 2022માં સ્કૂલો બંધ કરવામાં આવી હતી.

આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

વાલી: બાળકોને ઉતાર્યા પછી ટોળે વળીને ઊભા નહીં રહી શકે

  • સંતાનને સ્કૂલ મોકલવા માટે વાલીએ હસ્તાક્ષર સાથે સંમતિપત્ર આપવું પડશે.
  • બાળકોને શાળાએ પહોંચાડ્યા બાદ બહાર ટોળે વળીને ઊભા નહીં રહી શકે.
  • સ્કૂલે આવતી વખતે દરેક વાલીએ અચૂકપણે માસ્ક પહેરીને આવવું પડશે.
  • બાળકને કોરોનાની ગાઇડલાઇન્સથી અવગત કરાવીને સ્કૂલમાં પણ એનું પાલન કરે એનું ધ્યાન વાલીએ રાખવું પડશે
  • એસઓપીના પાલન માટે સ્કૂલના મેનેજમેન્ટને સહકાર આપવાનો રહેશે.

વિદ્યાર્થીઓ : ભૂલ્યા વિના માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન

  • અચૂકપણે માસ્ક પહેરી રાખવાનું રહેશે. માસ્ક વિના શાળામાં પ્રવેશ આપવામાં નહીં આવે.
  • સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. મિત્રો-સહપાઠી સાથે વાતચીત કરતી વખતે અંતર જાળવવાનું રહેશે.
  • ટોળે વળીને વાતો કરવી કે રમતી વખતે માસ્ક નીકળે નહીં એની કાળજી રાખવી પડશે.
  • સ્કૂલમાં પ્રવેશતી વખતે તથા બાદમાં પણ સમયાંતરે સેનિટાઇઝરથી હાથ સાફ કરતા રહેવું.
  • વાલી તથા શિક્ષકો દ્વારા અપાતી દરેક સૂચનાનું ગંભીરતાપૂર્વક પાલન કરવાનું રહેશે.
અન્ય સમાચારો પણ છે...