શહેરના તમામ નર્સિંગ હોમ તેમજ ખાનગી હોસ્પિટલના સી-ફોર્મ રિન્યુ કરવા મ્યુનિ.એ બીયુ પરમિશન ફરજિયાત બનાવવાના વિરોધમાં આહના સાથે સંકળાયેલી શહેરની અંદાજે 1800 હોસ્પિટલોએ શનિવારે હડતાળ પાડતાં ઈતિહાસમાં પહેલીવાર લગભગ 3 હજાર સર્જરી અને 30 હજાર ઓપીડી રદ કરવી પડી હતી. રવિવારે પણ ઈમરજન્સી સેવા સિવાયની અન્ય તબીબી સેવાઓ બંધ રહેશે. શનિવારે 4 હજારથી વધુ ડોક્ટરોએ મ્યુનિ.ના વલણના વિરોધમાં રેલી કાઢી હતી અને વલ્લભ સદન ખાતે ધરણાં યોજ્યા હતા.
આહનાના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું કે, તમામ હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ 1949 હેઠળ હોસ્પિટલોની નોંધણી માટે જરૂરી દસ્તાવેજો પૂરા પાડે છે અને તેના પગલે હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સની કોઈ પણ પ્રકારની સમસ્યા વિના નોંધણી કરવામાં આવતી હતી. ઓક્ટોબર 2021થી મ્યુનિ. કોર્પોરેશને આ અધિનિયમ હેઠળ નોંધણી માટે વેલિડ બિલ્ડિંગ યુઝ (બીયુ) પરવાનગીની માગ કરતા વર્તમાન પરિસ્થિતિ ઊભી થઈ છે.
એક જ કોમ્પ્લેક્સમાં બીયુ વગર અન્ય દુકાનો ચાલી શકે છે ત્યારે હોસ્પિટલો કેમ નહીં ? કોર્પોરેશનના આ નિર્ણય સામે વિરોધ નોંધાવતા આહના દ્વારા સરકાર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવા અને સમસ્યાનો તત્કાલ નિકાલ લાવવા અપીલ કરી હતી. તેમ છતાં હજુ સુધી તેનો કોઈ નિકાલ નહીં આવતા છેવટે 14 અને 15 મેના રોજ હોસ્પિટલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
મ્યુનિ. કહે છે, 533 હોસ્પિટલને સી-ફોર્મ આપ્યાં, આહનાએ કહ્યું, 400ના બાકી
ખાનગી હોસ્પિટલને સી-ફોર્મ ઈશ્યુ કરવા મુદ્દે મ્યુનિ.નો દાવો છે કે, 12 મેની સ્થિતિએ 277 હોસ્પિટલોને વિવિધ કારણોથી સી-ફોર્મ ઈશ્યુ કરાયા નથી. આહનાએ આ દાવો નકારી કહ્યું છે કે, 400 પાસે સી ફોર્મ નથી.
મ્યુનિ. સૂત્રો કહે છે કે, 2021-22માં જેમના સી-ફોર્મ રિન્યુ કરવાના છે એવી 810 હોસ્પિટલોની અરજી આવી હતી જેમાંથી 12 મે સુધી 533ના સી-ફોર્મ રિન્યુ થયા છે. 117ના ડોક્યુમેન્ટ પેન્ડિંગ છે. 160 હોસ્પિટલો માટે એસ્ટેટ વિભાગનો અભિપ્રાય પેન્ડિંગ છે.
BU અંગે અમદાવાદ અને રાજ્યમાં જુદી જુદી નીતિ સામે ડોક્ટરોનો વિરોધ
સી-ફોર્મ મામલે અમદાવાદ અને રાજ્યમાં જુદી જુદી નીતિનો ડોક્ટરો વિરોધ કરે છે. મ્યુનિ. સૂત્રો કહે છે કે, સી-ફોર્મ મુદ્દે સુપ્રીમે જે નિર્દેશો આપ્યા છે તેનું પાલન કરીએ છીએ. સી-ફોર્મ નહીં હોય તો પણ હોસ્પિટલો સામે કાર્યવાહી નહીં થાય તેવી બાંયધરી મ્યુનિ.એ અંદરખાને આપી છે.
મ્યુનિ. નીતિ ન બદલે તો 2024 સુધી 1700માંથી 900 હોસ્પિટલ બંધ થશે
અમદાવાદમાં 50 ટકા બિલ્ડિંગો પાસે બીયુ પરમિશન નથી. તેમની સામે પણ પગલાં લેવાવા જોઈએ. માત્ર હોસ્પિટલોને ટાર્ગેટ બનાવાય છે. મ્યુનિ.ની નીતિ આવી રહેશે તો 2024 સુધી 1700માંથી 900 હોસ્પિટલ, નર્સિંગ હોમ બંધ થશે. > ડો. ભરત ગઢવી, પ્રમુખ, આહના
દર્દ દૂર કરવા ‘ગાંધીજી’નો સહારો
સી ફોર્મ રિન્યુઅલ માટે બિલ્ડિંગ યુઝ પરમિશન ફરજિયાત કરવાના મ્યુનિ.ના નિર્ણયના વિરોધમાં ડોક્ટરોએ વલ્લભસદન ખાતે ધરણાં કરવા ઉપરાંત ઈન્કમટેક્સ ખાતે ગાંધીજી પ્રતિમા સમક્ષ પણ દેખાવો કર્યા હતા. ડોક્ટરોનું કહેવું છે કે, અમે સમગ્ર રાજ્યમાં એકસમાન નીતિ ઈચ્છીએ છીએ પરંતુ અમદાવાદમાં અલગ નીતિ શા માટે છે તે સમજાતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.