વિધાનસભામાં હોળી મહોત્સવ:ઈતિહાસમાં પહેલીવાર 182 ધારાસભ્યો કેસુડાના રંગથી હોળી રમશે, વિધાનસભા અધ્યક્ષે મંજૂરી આપી

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં હાલ 15મી વિધાનસભાનું બીજું સત્ર યોજાઈ રહ્યું છે અને જોગાનુંજોગ ધુળેટી પર્વ પણ દેશભરમાં ઉજવાશે. ત્યારે ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 182 ધારાસભ્યો એક સાથે ધુળેટી પર્વની ઉજવણી કરશે. આવતીકાલે પડતર દિવસ અને બુધવારે દેશભરમાં જ્યારે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આવતીકાલે પડતર દિવસે વિધાનસભા દ્વારા હોળી-ધુળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે.

મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ ભાગ લેશે
મંગળવારે વિધાનસભા સત્ર આયોજન અગાઉ ધુળેટી પર્વ ઉજવણી માટે તૈયારી કરવામાં આવી છે. સત્ર શરૂ થતાં અગાઉ વિધાનસભા બહાર ઉજવણી કરાશે. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર તહેવારની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. હોળીની ઉજવણીમાં ભાજપ, કોગ્રેસ અને આપના ધારાસભ્યો ભાગ લેશે. રાજ્યના મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ પણ ઉજવણીમાં ભાગ લેશે.

કુદરતી રંગથી હોળીનો તહેવાર ઉજવવાનો સંદેશો
હોળીની ઉજવણી કેસુડાના રંગથી કરવામાં આવશે. જેથી લોકો સુધી કુદરતી રંગથી હોળી તહેવાર ઉજવવાનો સંદેશો આપી શકાય. મળતી માહિતી પ્રમાણે 100 કિલો કેસુડાના ફુલ ધુળેટી ઉજવણી માટે મંગાવવામાં આવ્યા છે. આવતીકાલે સવારે 9 કલાકે વિધાનસભા સત્ર શરૂ થશે તે અગાઉ હોળી પર્વની ઉજવણી કરાશે. પક્ષાપક્ષીને બાદ રાખીને તમામ ધારાસભ્ય એક સાથે પ્રથમવાર એક જ સ્થળે હોળીની ઉજવણી કરશે જે માટે વિધાનસભા અધ્યક્ષે મંજૂરી પણ આપી દીધી છે.

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ
જોકે, હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ઉર્જા રાજય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, પર્યાવરણના જમીનની સાથે ઉર્જાનું ઉત્પાદન થાય એ આશયથી રાજ્ય સરકારે પુન:પ્રાપ્ય ઉર્જાને પ્રાધાન્ય આપીને સમયબદ્ધ આયોજન કર્યું છે. જેને પરિણામે રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા 18764.40 મેગાવોટ સાથે દેશમાં મોખરે છે. દેશની સરખામણીએ 15.3 ટકા જેટલી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતાની ટકાવારી પૈકી પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 52 ટકા અને સૌરઊર્જા 46 ટકા જેટલી ક્ષમતા રાજ્યમાં છે.

સૌર ઊર્જા પ્રોજેક્ટ હેઠળ 8640 મેગાવોટ
વિધાનસભા ખાતે રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું છે કે, રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અંતર્ગત પવન ઉર્જા પ્રોજેક્ટ હેઠળ 9712.06 મેગાવોટ, સૌર ઊર્જા પ્રોજેક્ટ હેઠળ 8640 મેગાવોટ, વિન્ડ સોલાર હાઇબ્રીડમાં 238.94 મેગાવોટ, બાયો માસમાં 81.55 મેગાવોટ, સ્મોલ હાઇડ્રો પાવરમાં 82.15 મેગાવોટ અને વેસ્ટ 3 એનર્જીમાં 7.50 મેગાવોટ મળી કુલ 18,764.4 ક્ષમતા રાજ્યમાં ઉપલબ્ધ છે.

કેન્દ્ર સરકાર દ્વારા 51.73 લાખ ડોઝ ગુજરાતમાં ઉપલબ્ધ
તો બીજી તરફ કોવેક્સિનના પ્રશ્ન સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 8 મહિનામાં પ્રિ-કોશન ડોઝ માટે કોવેક્સિનના 41 લાખ ડોઝની માંગણી સામે કેન્દ્ર સરકાર દ્વારા 51.73 લાખ ડોઝ ગુજરાતમાં ઉપલબ્ધ કરાયા છે. રાજ્યમાં હાલ કોવિશિલ્ડ અને કોવેક્સિનના મળીને કુલ 25 હજાર ડોઝ કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત છે જેને 31 માર્ચ 2023 સુધીમાં સફળ રસીકરણ દ્વારા લોકોને ઉપલબ્ધ કરાવીને કોરોના સામે સુરક્ષિત કરવામાં આવશે.

આપણું રાજ્ય કોરોના સામે સુરક્ષિત
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની રસીના સફળ રસીકરણ અભિયાનના પરિણામે જ આજે આપણું રાજ્ય કોરોના સામે સુરક્ષિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વના અન્ય દેશો કોરોનાની ત્રીજી લહેર સામે ઝઝુમી રહ્યા હતાં. ત્યારે ભારત અને ગુજરાતમાં થયેલ સફળ રસીકરણના પરિણામે જ આપણે સુરક્ષિત રહી શક્યાં છીએ. વધુમાં મંત્રીએ કહ્યું કે, 26 ફેબ્રુઆરી 2023ની સ્થિતિએ ગુજરાત રાજ્યને કુલ 9,45,95,400 ડોઝ કોવિશિલ્ડ 1,86,16,370 ડોઝ કોવેકસીન અને 43,21,500 ડોઝ કોર્બેવેક્શ મળીને કુલ 11,75,33,270 ડોઝ કોવિડ-19 રસીના મળ્યા છે. જેનુ સફળ રસીકરણ રાજ્યમાં થયું છે.

અન્ય સમાચારો પણ છે...