ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ટેક્નિકલ જ્ઞાન સહિત રમત–ગમત ક્ષેત્રે પણ સમયાંતરે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે સ્વામી વિવેકાનંદન પર્વતારોહણ સંસ્થામાં જીટીયુના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે 10 દિવસની પ્રાથમિક ખડક ચઢાણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષણ સાથે રમત–ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ કાર્યરત
જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીકાળ દરમિયાન દરેક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક જ્ઞાનની સાથે રમત–ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ કાર્યરત રહેવું જોઈએ. જીટીયુ વિદ્યાર્થીઓને આ પ્રકારની તમામ તકો પૂરી પાડવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.
ખડક ચઢાણ શિબિરમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો
જીટીયુ દ્વારા પ્રથમ વખત યોજવામાં આવેલ આ સાહસિક પ્રવૃતિઓની પાઠશાળા જેવી ખડક ચઢાણ શિબિરમાં જીટીયુ સંલગ્ન 67 કોલેજના 53 વિદ્યાર્થી, 29 વિદ્યાર્થીની અને 3 સ્ટાફ મેમ્બર સહિત 85 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. શિબિરમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને રોક ક્લાઇમ્બીંગ, રોક રેપલિંગ સહિત આકસ્મિક સંજોગોમાં કોઈ પણ પ્રકારની જાનહાનીને ટાળવા માટે રેસ્ક્યૂ કરીને કેવી રીતે રેપલિંગ કરવું આ તમામ પ્રકારની તાલિમનું પ્રશિક્ષણ આપવામાં આવશે.
પ્રાકૃતિક જ્ઞાન અને તેની સંસ્કૃતિથી માહિતગાર કરાયા
આ ઉપરાંત પહાડી વિસ્તારનું પ્રાકૃતિક જ્ઞાન અને તેની સંસ્કૃતિ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવશે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને માટે તાલિમ સહિત અન્ય તમામ પ્રકારની વ્યવસ્થા જીટીયુ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.