રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી:મતદાર જાગૃતિ માટે પ્રથમ વખત ચૂંટણી ગ્રંથોની બાજોટ પર યાત્રા, મતદાતા બનેલાં યુવાનો શોભાયાત્રામાં જોડાશે

અમદાવાદએક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીની જાહેરાત તા. 3 નવેમ્બરના રોજ થઇ છે. આ જાહેરાતની સાથે જ રાજકીય પક્ષોના પ્રચારના ધમધમાટથી લઇને ચુંટણી પંચ તરફથી મતદાતા જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજીને વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટેના પ્રયાસો હાથ ધરશે. આગામી 14 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની દેશભરમાં ઉજવણી થશે. આ સમયને ધ્યાનમાં લઇને ગુજરાત યુનિવર્સિટીએ અમદાવાદ જિલ્લા કલેકટરના સંયોજનથી યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં રહેલાં ચૂંટણીને લગતાં 30 જેટલાં ગ્રંથોની બાજોટ પર યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે. આ યાત્રાનો ગુજરાત યુનિવર્સિટીથી પ્રારંભ થઇને યુનિવર્સિટીમાં જ સંપન્ન થશે. પરંતુ આ બાજોટ યાત્રા નવરંગપુરાના દોઢથી બે કિલોમીટરના વિવિધ વિસ્તારમાં ફરશે. જેમાં આ ચૂંટણીથી મતદાતા બનેલાં યુવાનો સહિતના યુવાનો જોડાશે અને રસ્તા પરથી પસાર થનારા યુવાનોને પણ સહભાગી બનાવવાની યોજના ઘડી કાઢવામાં આવી છે.

ગુજરાતમાં લોકશાહી પર્વની ઉજવણી
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના લાઇબ્રેરીયન તથા ઇલેકશન કમિશનના યુથ નોડલ ઓફિસર યોગેશ પારેખે દિવ્ય ભાસ્કરને જણાવ્યું છે કે, દિવાળી બાદ હવે ગુજરાતમાં લોકશાહી પર્વની ઉજવણી થવાની છે. આ પર્વમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે મતદારોને જાગૃત કરવા માટે સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે અને 100 ટકા મતદાન કરાવવાનો સઘન પ્રયાસ કરવામાં આવશે. આગામી તા.14થી 21 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી થાય છે. તેને ધ્યાનમાં લઇને તેના પ્રથમ દિવસે જ એટલે કે 14 નવેમ્બરના રોજ ચૂંટણીને લગતાં ગ્રંથોની બાજોટ પર યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા 14 નવેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યાના અરસામાં ગુજરાત યુનિવર્સિટીથી નીકળીને નીજ સ્થળે પરત ફરશે.

30 જેટલાં ચૂંટણી ગ્રંથોની શોભાયાત્રા નીકળશે
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતમાં મતદાર જાગૃતિ માટે લખાયેલાં ગ્રંથોની ભારતમાં પહેલી વખત બાજોટની શોભાયાત્રા નીકળશે. ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે આ યાત્રા નીકળશે. જેમાં પહેલી વખત મતદાન કરનારા મતદારોથી માંડીને યુવા વર્ગ ખાસ કરીને જોડાશે. લોકોને પણ સહભાગી બનાવવામાં આવશે. 100 ટકા મતદાન થાય તે માટે ગુજરાત યુનિવર્સિટીએ અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના ચૂંટણી વિભાગના સહયોગથી આ શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં 30 જેટલાં ગ્રંથોની શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ આ ગ્રંથોને પ્રદર્શનમાં મૂકવામાં આવશે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લખાયેલાં ગ્રંથો રહેશે.

યુવા મતદારોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી વિવિધ કાર્યક્રમ
યોગેશ પારેખે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત યુવા મતદારોમાં વધુમાં વધુ જાગૃતિ કેળવાય તે હેતુસર વિશાળ રંગોળી, સીગ્નેચર કેમ્પઇન, વન ટુ વન કાર્યક્રમો દ્વારા યુવાનોનો સંપર્ક કરાશે. આ ઉપરાંત મતદાર જાગૃતિ અંગેના પેમ્ફલેટનું પણ વિતરણ કરીને વધુમાં વધુ યુવાનોને આવરી લેવાનું અમારું આયોજન છે.

શોભાયાત્રામાં કયા-કયા ગ્રંથો રહેશે

 • ઇન્ડિયન ઇલેકશન
 • ઇલેકશન ઓફ ઇન્ડિયા
 • ઇલેકશન એકસ્ટ્રા ઓર્ડિનરી
 • એસેમ્બલી ઇલેકશન-1980
 • ઇલેકશન કેન્ડીડેટ એન્ડ વોટર્સ
 • ડોબીયાર્સ ઇલેકશન મેન્યુઅલ
 • ઇલેકશન રીફલેકશન ઓફ પબ્લિક
 • ધ ઇલેકટ્રોરલ પ્રોસેસ
 • ઇલેકશન એન્ડ ઇલેકટ્રોરલ રીફોર્મ્સ ઇન ઇન્ડિયા
 • વ્હેન લેબર વોટ્સ
 • જનરલ ઇલેકશન ઇન ઇન્ડિયા- 1967
 • ઇલેકશન ઇન ઇન્ડિયા: 1950- 1972
 • સ્ટડીઝ ઇન ધ ફોર્થ જનરલ ઇલેકશન
 • ઇલેકશન ઇન ઇન્ડિયા ઇટસ સોશિયલ બેઝીસ
 • ઇલેકશન સ્ટડીઝ ઇન ઇન્ડિયા એમ એવેલ્યુશન
 • ઇલેકશન, પાર્ટીસ, ડેમોક્રેસી
 • ધ સીટી વોટર ઇન ઇન્ડિયા
 • ધ લોકસભા ઇલેકશન ઇન ઇન્ડિયા
 • થ્રી જનરલ ઇલેકશન ઇન ગુજરાત
 • રિપ્રેન્ઝન્ટેટિવ ડેમોક્રેસી એન્ડ કન્સેપ્ટ ઓફ ફ્રી એન્ડ ફેર ઇલેકશન
 • ઇલેકશન: ધ રિફલેકશન ઓફ પબ્લિક
 • એ કોમ્પેન્ડીયમ ઓફ ઇન્ડીયન ઇલેકશન્સ
 • વોટીંગ બીહેવીયર ઇન એ ડેવલોપીંગ સોસાયટી

અઢીથી ત્રણ કિલોમીટર ફરશે શોભાયાત્રા
ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયથી 14 નવેમ્બરે સવારે 10 વાગ્યાના અરસામાં શોભાયાત્રા નીકળીને લગભગ અઢીથી ત્રણ કિલોમીટર વિસ્તારમાં ફરશે. આ શોભાયાત્રા વિજય ચાર રસ્તા, દર્પણ ચાર રસ્તા, એચ.એલ. કોમર્સ કોલેજ, પરિમલ ગાર્ડન, ગુલબાઇ ટેકરા વિસ્તાર થઇને ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય પરત ફરશે.

અન્ય સમાચારો પણ છે...