DB એનાલિસિસ:ભાજપ માટે ભારે ઓગસ્ટથી ઓક્ટોબર મહિનો, શંકરસિંહના બળવાથી શરૂ થયેલો સીલસીલો રૂપાણીના રાજીનામા સુધી ચાલ્યો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1995થી 2021 સુધીમાં ભાજપના પાંચ મુખ્યમંત્રીઓએ ઓગસ્ટથી ઓક્ટોબરમાં રાજીનામું આપ્યું
  • કેશુભાઈ પટેલે ઓક્ટોબર મહિનામાં 1995 અને 2001માં રાજીનામું આપ્યું

વિજય રૂપાણીએ ગઈકાલે 11 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. અચાનક રૂપાણીના રાજીનામાથી અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. નવા મુખ્યમંત્રી પસંદ કરવા ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાઈ રહી છે. જોકે ઈતિહાસ પર નજર કરીએ તો ભાજપ માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો ભારે રહ્યો છે. 1995ના વર્ષથી નજર કરીએ તો ભાજપના મુખ્યમંત્રી આ ત્રણ મહિનામાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.

શંકરસિંહના કારણે ઓક્ટોબર 1995માં મુખ્યમંત્રીની ખુરશી છીનવાઈ
આ પહેલા વર્ષ 1995માં ભાજપે 121 સીટો જીતીને સત્તા મેળવી હતી. જોકે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવું શંકરસિંહ વાઘેલાને પસંદ નહોતું. કેશુભાઈ પટેલ અમેરિકા ગયા ત્યારે શંકરસિંહ વાઘેલા 55 જેટલા ધારાસભ્યોને પોતાની સાથે લઈને મધ્યપ્રદેશના ખજૂરાહો જતા રહ્યા હતા. જે બાદ કેશુભાઈ પટેલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું.

કેશુભાઈ પટેલની ફાઈલ તસવીર
કેશુભાઈ પટેલની ફાઈલ તસવીર

સુરેશ મહેતાને અવિશ્વાસ પ્રસ્તાવના કારણે રાજીનામું આપવુ પડ્યું
કેશુબાપાના રાજીનામાં બાદ સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ શંકરસિંહ વાઘેલા આ નવી સરકારથી ખુશ નહોતા. તેમણે સુરેશ મહેતાની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો. આ બાદ શંકરસિંહ વાઘેલાએ 20 ઓગસ્ટ 1996માં ભાજપથી અલગ થઈને નવી પાર્ટી બનાવી પોતાની સરકાર બનાવી હતી.

કેશુબાપાએ ઓક્ટોબરમાં CM પદથી રાજીનામું આપ્યું
કેશુબાપાએ 4 માર્ચના રોજ મુખ્યમંત્રી તરીકે બીજીવાર શપથ લીધા હતા, પરંતુ 2001ના ભૂકંપ બાદ પુનર્વસનની કામગીરીમાં ભારે વિવાદો થયા હતા. એવામાં સાબરકાંઠા લોકસભા અને સાબરમતી વિધાનસભાની પેટા-ચૂંટણીમાં ભાજપનો પરાજય થતાં હાઈકમાન્ડે ઓક્ટોબર-2001માં, એટલે કે ચૂંટણીના સવા વર્ષ પહેલાં બાપાનું રાજીનામું લઈ નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવાયા હતા.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ફાઈલ તસવીર
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ફાઈલ તસવીર

આનંદીબેન પટેલે ઓગસ્ટમાં CM પદ છોડ્યું
નરેન્દ્ર મોદી 2014માં પ્રથમવાર ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાતની ગાદી આનંદીબેન પટેલને સોંપાઈ હતી. આનંદીબેન વ્યવસાયે શિક્ષિકા હોવાથી તેમની છબિ બની હતી, પરંતુ તેમના શાસનમાં પાટીદાર આંદોલન થયું. હાર્દિક પટેલના આ આંદોલનથી જ રાજકીય ઉદયનો પાયો નખાયો અને એવામાં ગુજરાતમાં યોજાયેલી જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો રીતસરનો સફાયો થયો. આ કારણથી ડિસેમ્બર 2017માં વિધાનસભા ચૂંટણી યોજાય એના 15 મહિના પહેલાં એટલે કે ઓગસ્ટ 2016માં આનંદીબેન પટેલને મુખ્યમંત્રીપદેથી દૂર કરી દેવાયાં.

રાજ્યપાલ રાજીનામું આપવા પહોંચેલા વિજય રૂપાણી
રાજ્યપાલ રાજીનામું આપવા પહોંચેલા વિજય રૂપાણી

વિજય રૂપાણીને સપ્ટેમ્બરમાં રાજીનામું
રૂપાણી સરકારની છબિ 'સંવેદનશીલ' તરીકે રજૂ કરવામાં ભાજપ સંગઠને કોઈ કસર એ વખતે છોડી નહોતી. કડક શાસક આનંદીબેન પછી આ પ્રકારનો મેકઓવર કરવો ગુજરાત ભાજપ માટે જરૂરી હતો. જોકે કોરોનામાં નબળી કામગીરી અને પાટીદારોની નારાજગીના નામે તેમનો ભોગ લેવાયો. 11 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.

ભાજપના મુખ્યમંત્રીનો કાર્યકાળ
કેશુભાઈ પટેલ 13-3-1995 થી 21-10-1995
સુરેશચંદ્ર મહેતા 21-10-1995થી 19-9-1996
કેશુભાઈ પટેલ 4-3-1998થી 7-10-2001
આનંદીબેન પટેલ 22-4-2014થી 6-8-2016
વિજય રૂપાણી 7-8-2016થી 11-9-2021