‘કેન્દ્ર’માં ગુજરાત:આજથી 4 દિવસ સુધી મોદી અને બે દેશના વડાપ્રધાન ગુજરાતમાં, આ કારણે બ્રિટનના PM આવશે રાજ્યની મુલાકાતે

અમદાવાદએક મહિનો પહેલા
બ્રિટનના PM બોરિસ જોનસન સાથે PM મોદી.
  • મોરિશિયસના PM સૌરાષ્ટ્રમાં અને બ્રિટનના વડાપ્રધાન મધ્ય ગુજરાતમાં આવશે

18 એપ્રિલથી 21 એપ્રિલ એમ ચાર દિવસમાં બે વિદેશી અને એક દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. રાજ્યમાં ચાર દિવસમાં ત્રણ વડાપ્રધાનના કાર્યક્રમો સૂચક છે. આ મુલાકાતોમાં ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ડસ્ટ્રી એમ બે મુખ્ય બાબતની ચર્ચા કરવામાં આવશે, જેમાં મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ સૌરાષ્ટ્રમાં તો બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન મધ્ય ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જ્યારે વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

બોરિસ જોન્સન અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આ સપ્તાહે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના ભારત પ્રવાસનો આરંભ પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના અમદાવાદથી થશે. તેઓ પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે. બોરિસ જોનસન 21 એપ્રિલ, ગુરુવારે અમદાવાદ આવશે. બોરિસ જોનસન ગુજરાત આવનારા પ્રથમ બ્રિટિશ પીએમ છે. તેઓ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે તથા ભારત અને બ્રિટન વચ્ચે વાણિજ્યિક સહકાર વધારવા માટે ચર્ચા કરશે.

PM મોદી અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન.
PM મોદી અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન.

બ્રિટનમાં રહેતા ભારતીયોમાં અડધા ગુજરાતી
ડાઉનિંગ સ્ટ્રીટે એક નિવેદનમાં જણાવ્યા મુજબ, આ દરમિયાન ભારત અને બ્રિટન બન્ને રોકાણોની જાહેરાત કરશે. માત્ર એટલું જ નહીં, જોનસન ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત પણ કરશે. બન્ને દેશ વ્યાપારિક સંબંધો પર પણ ચર્ચા કરશે. જોનસનની ભારતયાત્રા માટે દેશના પાંચમા સૌથી મોટા રાજ્ય ગણાતા અને વેપાર માટે જાણીતા એવા ગુજરાતને પસંદ કરવામાં આવ્યું છે, એની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે બ્રિટનમાં રહેતા ભારતીયોમાં અડધા લોકો મૂળ ગુજરાતના છે.

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુદ્દે ભારત-બ્રિટન વચ્ચે મહત્ત્વની સમજૂતી થઈ શકે
ગુજરાતમાં જોનસન વિજ્ઞાન, હેલ્થ અને ટેકનોલોજીક્ષેત્રે નવા પ્રોજેક્ટની પણ ઘોષણા કરી શકે છે. તેઓ 22 એપ્રિલે દિલ્હી જશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે. બ્રિટન સરકારના જણાવ્યા પ્રમાણે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુદ્દે ભારત અને બ્રિટન વચ્ચે મહત્ત્વની સમજૂતી થઈ શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પરિપ્રેક્ષ્યમાં બોરિસ જોનસનનો ભારત પ્રવાસ મહત્ત્વપૂર્ણ મનાય છે.

બ્રિટન ભારત સાથેનો વાર્ષિક વેપાર 2.89 લાખ કરોડ સુધી લઇ જવા ઇચ્છુક
બ્રિટન ભારતની સાથે વાર્ષિક વેપારને 2.89 લાખ કરોડ સુધી લઇ જવા માટે ઇચ્છુક છે. જોનસનનો ભારત પ્રવાસ 2020થી ટળતો આવ્યો છે. 2021માં તેમણે પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ શિખર બેઠક કરી હતી. એમાં 2030 સુધી માટે વ્યૂહાત્મક અને વ્યાપાર સહયોગનો રોડમેપ તૈયાર કરાયો હતો. ભારત બ્રિટનમાં 5300 કરોડ રૂપિયાની રોકાણ સમજૂતી પર સહમતિ સાધી ચૂક્યું છે. હવે અને 2035 સુધીના એજન્ડામાં પણ સામેલ કરાશે.

ભારતે વર્ષ 2020-21માં બ્રિટનમાં રૂ. 21.60 લાખ કરોડની નિકાસ કરી
ભારતીય કંપનીઓના રોકાણથી બ્રિટનમાં અંદાજે 1 લાખ લોકોને રોજગારી મળે છે.
દેશની કુલ નિકાસમાં UKનો હિસ્સો 2.50% જેટલો છે. ભારતે નાણાકીય વર્ષ 2020-21માં બ્રિટનમાં રૂ. 21.60 લાખ કરોડની નિકાસ કરી હતી. તેવી જ રીતે આયાતમાં તેનો શેર 1.25% જેટલો છે. બ્રિટનથી ભારતમાં અંદાજે રૂ. 29 લાખ કરોડ જેટલી આયાત થાય છે. ભારત મીટ, ફિશ, દવાઓ, કેમિકલ્સ, ફ્રૂટ્સ, કાગળની પ્રોડ્કટસ, મીઠું, ચા, કોફી સહિતની વસ્તુઓની બ્રિટનમાં નિકાસ કરે છે. એક અંદાજ મુજબ બ્રિટનના ફાર્મા સેક્ટરમાં ભારતીય કંપનીઓનો શેર લગભગ 35%થી વધુનો છે.

ગુજરાતની વાત છે ત્યાં સુધી મીઠું, માછલી, દવાઓ, કોટન જેવી ચીજોની નિકાસ બ્રિટનમાં કરવામાં આવે છે.

મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ સાથે PM મોદી.
મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ સાથે PM મોદી.

મોરિશિયસના PM અને WHO ચીફ જામનગરમાં મોદી સાથે
જ્યારે પ્રવિંદ જુગનાથ રાજકોટ આવશે. રાજકોટમાં રાત્રિ રોકાણ અને ડિનર પણ કરવાના છે. આ ઉપરાંત રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી 19 એપ્રિલના રોજ બપોરે લગભગ 3:30 કલાકે જામનગર ખાતે WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્ર (GCTM)નો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદકુમાર જુગનાથ, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસ પણ ઉપસ્થિત રહેશે. GCTM દુનિયામાં પ્રથમ અને એકમાત્ર એવું કેન્દ્ર બનશે, જે સમગ્ર વિશ્વમાં પારંપરિક દવાઓ પર કામ કરતું હોય. વૈશ્વિક સુખાકારી માટે આંતરરાષ્ટ્રીય હબ તરીકે એ ઊભરી આવશે.

અન્ય સમાચારો પણ છે...