Z+ સિક્યોરિટી જેવા છે આ પાર્ટી War-Room:જુઓ ભાજપ અને કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ કેવી રીતે કામ કરે છે! AAPની તો એકદમ ગુપ્ત વર્કિંગસ્ટાઇલ

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય

સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે હવે ચૂંટણીમાં પ્રચારની પણ રીત બદલાઈ છે. હવે સભાઓ અને રેલીની સાથે સોશિયલ મીડિયા થકી પણ પ્રચાર માટે એડીચોટીનું જોર રાજકીય પાર્ટીઓ લગાવે છે. ભાજપ, કોંગ્રેસ અને AAP દ્વારા સોશિયલ મીડિયાની આખી ટીમ ઊભી કરવામાં આવી છે. ભાજપ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે પાર્ટીનો સોશિયલ મીડિયા રૂમ કાર્યરત છે, જેને ભાજપે એને વોર રૂમ નામ આપ્યું છે. તો કોંગ્રેસનો સોશિયલ મીડિયા રૂમ અમદાવાદમાં પાર્ટીના કાર્યાલય ખાતે કાર્યરત છે, જ્યાંથી તમામ ગતિવિધિઓ થાય છે. તો બીજી તરફ AAP દ્વારા તેમની સોશિયલ મીડિયા ટીમ અને ઓફિસને લઈ સંપૂર્ણ માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. તમામ પાર્ટીઓ દ્વારા સોશિયલ મીડિયા ઓફિસમાં ઝેડ પ્લસ સિક્યોરિટી જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યાં સોશિયલ મીડિયા ટીમ અને ટીમ લીડર સિવાય કોઈને એન્ટ્રી આપવામાં આવતી નથી.

ભાજપ કરતાં કોંગ્રેસ સો. મીડિયા ફોલોવર્સમાં પાછળ
ભાજપ, કોંગ્રેસ અને AAP લાખો લોકો સુધી દરરોજ સોશિયલ મીડિયાનાં અલગ અલગ માધ્યમો થકી પહોંચે છે. સોશિયલ મીડિયા એક મૂડ બનાવમાં મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. ચૂંટણી દરમિયાન એક પક્ષ બીજા પક્ષ સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા હોય છે. ત્યારે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ ભાજપ-કોંગ્રેસ કરે છે. જોકે ભાજપની સરખામણીએ કોંગ્રેસ સોશિયલ મીડિયામાં ફોલોવર્સમાં પાછળ છે. ફેસબુક પર ભાજપ પાર્ટીના પેજ પર 35 લાખ ફોલોવર્સની સામે કોંગ્રેસના 7 લાખ ફોલોવર્સ છે, જ્યારે ટ્વિટર પર ભાજપના 15 લાખ, જ્યારે કોંગ્રેસના 1 લાખ 63 હજાર ફોલોવર્સ છે. ભાજપ દરરોજ 50 લાખ, જ્યારે કોંગ્રેસ 20 લાખ લોકો સુધી સોશિયલ મીડિયા થકી પહોંચે છે. બીજી બાજુ, AAP પાર્ટી સોશિયલ મીડિયાને જ પોતાનું હથિયાર માની બેઠી છે. જે સોશિયલ મીડિયામાં તેમની ટીમ કઈ રીતે કામ કરે છે એ અંગેની માહિતી આપવાથી ભાગી રહી છે. જોકે ફોલોવર્સમાં ભાજપ અને કોંગ્રેસ કરતાં AAP પાછળ છે, પણ દરરોજ આક્ષેપો ભાજપ અને કોંગ્રેસ સામે કરવામાં અગ્રેસર છે.

ભાજપનું સોશિયલ મીડિયા કઈ રીતે કરે છે કામ
ગુજરાત ભાજપ દ્વારા સોશિયલ મીડિયામાં પાર્ટીના પ્રચાર પ્રસાર માટે એક અલગ ટીમ બનાવી છે. સોશિયલ મીડિયાની ટીમમાં 10 હજાર એક્ટિવ લોકો છે, સાથે જ આખા ગુજરાતમાં 60 હજાર જેટલા વોલન્ટિયર દ્વારા પણ દરોજ ભાજપ પક્ષના પ્રચાર પ્રસારનું કામ કરાય છે અને સોશિયલ મીડિયાના અલગ માધ્યમ જેવા કે વોટ્સએપ, ટ્વીટર, ફેસબુક દ્વારા દરોજ 50 લાખ લોકો સુધી પહોંચીને પક્ષની વિચારધાર પહોંચાડાય છે. સામન્ય સંગઠનની જેમ સોશિયલ ડિપાર્ટમેન્ટમાં પણ પ્રદેશ, જિલ્લા, શહેર, તાલુકા, વિધાનસભા દીઠ હોદ્દેદારોની નિમણુંક કરાય છે. જે બુથ લેવલ સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પાર્ટીનો પ્રચાર કરે છે. ગાંધીનગર કામલમ ખાતે પાર્ટીનો સોશિયલ મીડિયા રૂમ કાર્યરત છે જેને ભાજપે તેને વોર રૂમ નામ આપ્યું છે.

સોશિયલ મીડિયાની ક્યાં પેજનો ઉપયોગ કરે છે ભાજપ
સોશિયલ મીડિયાનમાં ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ જેવા સોશિયલ માધ્યમ સાથે ભાજપ દ્વારા અલગ અલગ 14 જેટલી સોશિયલ મીડિયાની એપ્લિકેશન પણ ઉપયોગમાં લેવાય છે. વોટ્સએપમાં ભાજપ પાર્ટી દ્વારા અંદાજીત 50 હજાર જેટલા ગ્રુપ બનાવમાં આવ્યા છે. ઇલેક્શન દરમિયાન સરકારની યોજનોઓ સરકારના સારા કામો પહોંચાડે છે, સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના મોટા નેતાઓની સભાઓ લાઈવ અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમ પર કરાય છે જેના થકી ના માત્ર સભા થતી હોય તે વિસ્તાર પણ આખા ગુજરાત સુધી પહોંચી શકાય છે. સાથે જ મોટા નેતાઓના આક્રમણ ભાષા અને સારા મુદા કટ કરીને અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોમાં પોસ્ટ કરવામાં આવે છે. જેની સીધી અસર જનમાનસ પર પડતી હોય છે.

ભાજપે તૈયાર કરેલો વોર રૂમ જ્યાંથી સોશિયલ મીડિયા થકી કેમ્પેઈન ચાલશે
ભાજપે તૈયાર કરેલો વોર રૂમ જ્યાંથી સોશિયલ મીડિયા થકી કેમ્પેઈન ચાલશે

ભાજપ દ્વારા સોશિયલ મીડિયામાં કરવામાં આવેલ કેમ્પેઇન
ચૂંટણી દ્વારા લોકોમાં જોશ ભરવા અને પાર્ટી તરફી મૂળ બનાવવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ થતો હોય છે જેના માટે અલગ-અલગ કેમ્પેઇન ચલાવામાં આવે છે. જેમકે ડબલ એન્જીન સરકાર, ભરોસાની ભાજપ સરકાર, અગ્રેસર ગુજરાત, ભાજપ સાથે અડીખમ ગુજરાત, આ ગુજરાત મેં બનાવ્યું છે, ભાજપ આવે છે જેવા કેમ્પેઇન ચલાવામાં આવે છે.

સોશિયલ મીડિયા ચૂંટણી દરમિયાન અગત્યનું માધ્યયમ: પંકજ શુક્લા
ભાજપ સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટર પંકજ શુક્લાએ કહ્યું કે, અમે કટિંગ વીડિયો કરીને સોશિયલ મીડિયામાં ચલાવીએ છીએ. આ સાથે અને થર્ડ પાર્ટી ગૃપો પણ અત્યારે હાલ એક્ટિવ છે. સોશિયલ મીડિયાનો ચૂંટણીમાં ઉપયોગ વધ્યો છે. પ્રદેશ કક્ષાએથી સોશિયલ મીડિયા માટેનું મટિરિયલ તૈયાર કરાય છે જેમાં સ્થાનિક મુદાઓ સહીત રાજ્યના મુદાઓને આવરી લેવાય છે.

ગાંધીનગર કમલમ ખાતે ભાજપે વોર રૂમ ઉભો કર્યો છે
ગાંધીનગર કમલમ ખાતે ભાજપે વોર રૂમ ઉભો કર્યો છે

સોશિયલ મીડિયા કઈ રીતે કામ કરે છે કોંગ્રેસ
કોંગ્રેસની ટીમ અત્યારે ભલે બહાર સભાઓ કે રેલીઓમાં ઓછી દેખાતી હોય પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. 10 હજારથી વધુ કાર્યકર્તાઓનો પ્રદેશની ટીમ બનાવમાં આવી છે. તેની નીચે 50 હજાર વોલઈન્ટરની ટીમ બનાવમાં આવી છે. સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમો થકી દરોજ સરેરાશ 20 લાખ લોકો કોંગ્રેસ સુધી પહોંચે છે. સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં પ્રદેશ જિલ્લા, શહેર, તાલુકા વિધાનસભા દીઠ ટીમ છે. સાથે જ 700 લોકોની પેડ ટીમ પણ કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસનો સોશિયલ મીડિયા રૂમ અમદાવાદ પાર્ટીના કાર્યાલય ખાતે કાર્યરત છે. જ્યાંથી તમામ ગતિવિધિઓ થાય છે.

આમ સોશિયલ મીડિયામાં કોંગ્રેસ પાર્ટીનું પેજ તેમ પ્રમુખનું પેજ ભાજપના નેતાઓ કરતા ઘણું પાછળ રહી જાય છે. જે દર્શાવે છે કે હજુ પણ સોશિયલ મીડિયામાં ભાજપ કરતા કોંગ્રેસ પાછી પડે છે.

કોંગ્રેસે 50 હજાર વોટ્સએપ ગ્રુપ બનાવ્યા
કોંગ્રેસમાં ઉમેદવારોને પ્રદેશ કક્ષાએથી મુદાઓ તૈયાર કરીને આપવામાં આવે છે. ફેસબુક, ટ્વીટર, વોટ્સએપની સાથે કોંગ્રેસ દ્વારા કોમ્યુનિટી આધારિત ફેસબુક અને વોટ્સએપ ગ્રુપ બનાવમાં આવ્યા છે. જેમાં જે તે સમાજના સંબધિત મુદ્દાઓ મુકવામાં આવે છે. કોંગ્રેસ દ્વારા 50 હજાર વોટ્સએપ ગ્રુપ બનાવમાં આવ્યા છે. સાથે જ પ્રદેશ દ્વારા મુદાઓ તૈયાર કરીને જેતે ઉમેદવારોને મોકલાય છે. જે તે ઉમેદવાર સોશિયલ મીડિયામાં પ્રદેશ કક્ષાએથી આપવામાં આવેલ મુદા સીધી રીતે ઉઠાવી શકે છે.

કોંગ્રેસ દ્વારા 50 હજાર વોટ્સએપ ગ્રુપ બનાવમાં આવ્યા
કોંગ્રેસ દ્વારા 50 હજાર વોટ્સએપ ગ્રુપ બનાવમાં આવ્યા

કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા કેમ્પેઇન
ચૂંટણી દ્વારા સતાધારી પક્ષ ભાજપ દ્વારા થતા પ્રચારનો જવાબ આપવામાં માટે કોંગ્રેસ પણ સોશિયલ મીડિયામાં સક્રિય છે અને ભાજપની કેમ્પેઇન સામે કેમ્પઇન શરૂ કરે છે. જેમ કે, કોંગ્રેસનું કામ બોલે છે, વિકાસ ગાંડો થયો છે અને ભરોસાની ભેસે પાડો જણ્યો જેવા કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યા છે.

કોંગ્રેસના વોર રૂમમાં ભાજપના કેમ્પેઈન સામે કેમ્પેઈન શરૂ થાય છે
કોંગ્રેસના વોર રૂમમાં ભાજપના કેમ્પેઈન સામે કેમ્પેઈન શરૂ થાય છે

શહેરી વિસ્તારમાં અમે સોશિયલ મીડિયામાં મજબૂત: કેયુર શાહ
કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેને જણાવ્યું કે, અમારી શહેરી વિસ્તારમાં ટીમ નાની છે. અમે પ્રદેશ કક્ષાએથી મુદાઓ નક્કી કરીયે છે અને જે તે વિસ્તારના ઉમેદવારોને આપીએ છે. સોશિયલ મીડિયા ચૂંટણી સમયે વધારે લોકો સુધી પહોંચવા મોટું માધ્યમ છે.

વોર રૂમમાં આપ પાર્ટીના નેતાઓને પણ પ્રવેશ નથી અપાતો
વોર રૂમમાં આપ પાર્ટીના નેતાઓને પણ પ્રવેશ નથી અપાતો

આપના સોશિયલ મીડિયા વોર રૂમમાં કોઈને એન્ટ્રી નહિ
ગુજરાતમાં નવી આવેલી આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાં જોરશોરથી પ્રચાર કરી રહી છે અને જમીની યુદ્ધ કરતા સોશિયલ મીડિયામાં રચી પચી વધારે રહે છે. પણ જ્યારે અમે આપ પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ કઈ રીતે કામ કરે છે તે બાબતે આપના પ્રવકતાને પૂછયુ ત્યારે તેમને કહ્યું કે, અમને માહિતી આપવાની મનાઈ કરી છે. આપ પાર્ટીના સોશિયલ મીડિયા રૂમમાં આમ આદમી તો ઠીક પણ ગણ્યા ગાઢયા લોકો સિવાય આ વોર રૂમમાં આપ પાર્ટીના નેતાઓને પણ પ્રવેશ નથી અપાતો.

AAP સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ
આમ આદમી પાર્ટી જમીન પર જીતે કે ના જીતે પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. સોશિયલ મીડિયામાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવે છે અને એક માહોલ બનાવવાનો પ્રયત્ન કરે છે અને દિલ્હીથી આવતી સૂચના મુજબ કામગીરી થાય છે.

ચૂંટણીમાં સોશિયલ મીડિયા અગત્યનું માધ્યમ
હવે ચૂંટણીઓ બદલાઈ છે. જમીની ખેલની સાથે સોશિયલ મીડિયાનો ખેલ પણ પાર્ટી અને ઉમેદવારો જીતવો પડે છે. ગત ચૂંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ વિકાસ ગાંડો થયો એ કેમ્પેઇને લોકોના માનસ પર અસર કરી હતી. જ્યારે ભાજપનું હું પણ ચોકીદાર કેમ્પેઇન ખુબ ચાલ્યું હતું. ત્યારે લોકોએ સોશિયલ મીડિયામાં આવતા રાજકીય પાર્ટીના કેમ્પેઇન વિષે સત્યતા જાણવી પણ જરૂરી છે. કારણ કે રાજકીય પાર્ટીઓ મૂળ બનવવા માટે આ રીતના કેમ્પેઇન ચલાવતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...