મ્યુનિ. સંચાલિત હોલ પણ હવે સ્લોટ પ્રમાણે બુકિંગ કરાવી શકાશે, બર્થડે પાર્ટી, કિટી પાર્ટી કે પછી કેટલીક કંપનીઓ કોર્પોરેટ મીટિંગ માટે ચોક્કસ કલાકો માટે પણ કોમ્યુનિટી હોલ ભાડે લઇ શકાશે. જે પ્લોટના ભાડાં કરતાં 50 ટકા ભાડામાં આ હોલ બુક થઇ શકશે.
મ્યુનિ.ના હોલ સામાન્ય રીતે લગ્ન પ્રસંગ અને બેસણાં માટે ભાડે લેવાતા હોય છે. જોકે મ્યુનિ.ના 60 કોમ્યુનિટી હોલનો ઉપયોગ વધે અને મ્યુનિ.ને આર્થિક ફાયદો થાય તે માટે મ્યુનિ.એ હવે સ્લોટમાં પણ ચોક્કસ સમય માટે હોલ ભાડે આપવાનું આયોજન કર્યું છે. મ્યુનિ.એ સત્તાવાર રીતે આ વ્યવસ્થા શરૂ કરી છે. હવે મ્યુનિ.ના હોલ,બર્થડે પાર્ટી, પ્રદર્શન, પેન્શનરોની બેઠક, કોર્પોરેટ મીટિંગ, કિટી પાર્ટી, સામાજિક મિટિંગ વિગેરે હેતુ માટે મર્યાદિત સમય માટે ભાડે મળશે.
મ્યુનિ.એ હવે સ્લોટમાં ચોક્કસ સમય માટે હોલ ભાડે આપવાનું આયોજન કર્યું
છેલ્લા 1 વર્ષમાં એટલે કે એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023 સુધી શહેરમાં કેશવનગર કોમ્યુનિટી હોલ માત્ર 7 દિવસ, ભાઈપુરા કોમ્યુનિટી સેન્ટર માત્ર 13 દિવસ, વાસુદેવ ત્રિપાઠી કોમ્યુનિટી હોલ માત્ર 62 દિવસ, નિકોલ કોમ્યુનિટી હોલ માત્ર 43 દિવસ વસ્ત્રાપુર કોમ્યુનિટી હોલ માત્ર 44 દિવસ, એમ્ફી થિયેટર માત્ર 40 દિવસ ઓછા દિવસ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. તો રવિદ્રનાથ ટાગોર હોલ 403 દિવસ, મહંતશ્રી બલદેવગીરી બાપુ હોલ 166 દિવસ,વસંત રજબ હોલ 160 દિવસ, ખંડુભાઇ દેસાઇ હોલ 213 દિવસ, કુશાભાઉ ઠાકરે કોમ્યુનિટી હોલ 201 દિવસ, ડી.કે. પટેલ હોલ 320 દિવસ, જ્યારે પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ 406 દિવસ માટે ઉપયોગમાં લેવાયા હતા. આ જોતા જો કેટલાક હોલને દિવસે કેટલાક સમય માટે પણ ઉપયોગ માટે ફાળવવામાં આવે તો તેનો મહત્તમ ઉપયોગ થઇ શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.