અમદાવાદમાં રોગચાળો વકર્યો:ખાવાપીવાની વસ્તુઓમાં ભેળસેળથી ઝાડા-ઉલ્ટી અને ટાઈફોડના કેસ વધ્યા, બાળકોમાં ઓરીના કેસોમાં ઉછાળો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાવા-પીવાની વસ્તુઓમાં ભેળસેળના કારણે ઝાડા-ઉલ્ટી અને ટાઇફોઇડના કેસો વધ્યા છે. ખાસ કરીને દાણીલીમડા, વટવા, લાંભા, રખિયાલ અને ગોમતીપુર વિસ્તારમાં કેસો વધ્યા છે. જ્યારે ડેન્ગ્યુના કેસોમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે. બાળકોને થતાં ઓરીના કેસો પણ ચાલુ મહિનામાં વધારે નોંધાયા છે. ડિસેમ્બરના માત્ર 10 દિવસમાં ટાઇફોઇડના 156, ઝાડા ઉલ્ટીના 130, કમળાના 122 અને ડેન્ગ્યૂના 68 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે ઓરીના રોજના 10 કેસો પણ નોંધાયા છે. 60000થી વધુ બાળકોને રસી પણ આપવામાં આવી છે.

10 ડિસેમ્બર સુધી કમળાના 122 કેસ નોંધાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ગત વર્ષો કરતા ચાલુ વર્ષે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ચાલુ મહિનામાં ડિસેમ્બરમાં 10 ડિસેમ્બર સુધીમાં પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 156, ઝાડા ઉલ્ટીના 130 અને કમળાના 122 કેસો તેમજ કોલેરાનો 0 કેસ નોંધાયો છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે.

રોજ ઓરીના 10 કેસ નોધાઈ રહ્યા છે
ડેન્ગ્યૂના 68, મેલેરિયાના 9, ચિકનગુનિયાના 7 અને ઝેરી મેલેરિયા 4 કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગો શહેરના પૂર્વ વિસ્તારમાં દાણીલીમડા, લાંભા, વટવા સરસપુર, રખિયાલ અને ગોમતીપુરમાં વધ્યા છે. ખાવા-પીવાની વસ્તુઓમાં ભેળસેળ જેવી કે કલર વગેરેના કારણે કેસો વધ્યા છે. શહેરમાં બાળકોમાં ઓરીના કેસોમાં મહિનામાં વધારો થયો છે. રોજના 10 જેટલા ઓરીના કેસો આવી રહ્યાં છે. નાના બાળકોને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિવિધ એનજીઓ અને સંસ્થાઓ મળી અને આ બાબતે જાગૃતિ ફેલાવવાની કામગીરી પણ કરી રહી છે.

અનફિટ સેમ્પલો આવ્યા ત્યા પાઈપલાઈન બદલવા-સફાઈની કામગારી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી ડિસેમ્બર મહિનામાં 10 દિવસમાં 822 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 26 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે, ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...