સરખેજ-ફતેવાડીમાં રાતના સમયે રિક્ષામાં આવી ગાયોની ચોરી કરીને કતલ કરી દેતી ટોળકી પકડાઈ છે. પશુપાલક ઘર પાસે બાંધેલી 2 ગાયની ચોરી થતા શોધવા નીકળ્યા હતા અને ખુલ્લા પ્લોટમાં કાગડા ઊડતાં જોતાં ત્યાં ગયા હતા, જ્યાં ગાયને લગાવેલા રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઈડી) ટેગ સાથેની ખાલ મળી હતી, જેથી તેમણે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4ની ધરપકડ કરી હતી.
ભરવાડ વાસમાં રહેતા પિન્ટુ ભરવાડે તેમની ભેંસો વાડામાં બાંધી હતી અને ગાયોને વાડા બહાર ખુલ્લી જગ્યામાં ખૂંટા સાથે બાંધી હતી. 10 મેએ સવારે 5 વાગે પિન્ટુએ જોયું તો 2 ગાય ઓછી હતી.આથી તેઓ ગાયને શોધવા નીકળ્યા હતા. સવારે 7.30 વાગે પિન્ટુ ફતેવાડી અબુબક્ર મસ્જિદ પાસે જન્નત ડુપ્લેક્સ તરફના રસ્તે પ્લોટ સુધી પહોંચ્યા હતા.
અહીં કાગડા ઊડતા હોવાથી શંકા જતા ત્યાં જઈ જોયું તો મ્યુનિ.એ તેમની ગાયને જે ટેગ લગાવ્યા હતા તે ટેગ સાથે ગાયની ખાલ મળી આવતાં પિન્ટુએ સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પીઆઈ એસ. જી. દેસાઈએ તપાસ કરી સલીમ મણિયાર, સાયમા શાહરુખ સલીમ શેખ, મહંમદ ફરહાન ઈકબાલ શેખ અને બિલાલ ઉર્ફે હૈદર જાનુભાઈ શકુર શેખની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.