ધોળકાથી બગોદરા હાઈવે પર ઈકો કારનો અકસ્માત થતાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. ઘટના બનતાં જ 108ને જાણ કરાઈ હતી. ઈજાગ્રસ્તોને 108માં ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, ઈકો ગાડીમાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી નીકળીને બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જતા હતા.
ઈજાગ્રસ્તોને ધોળકાની સિવિલ હોસ્પિટલ ખસેડાયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખેડા જિલ્લાના વારસંગના રહેવાસી બરવાળા ખાતે માતાજીનાં દર્શને જતા હતા. આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં મોત થયાં છે. ઘટનાની જાણ કરતાં 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને ધોળકાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે, ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
તાજેતરમાં બગોદરા હાઈવે પર અકસ્માતમાં ત્રણનાં મોત થયાં હતાં
10 દિવસ પહેલાં જ બગોદરા-વટામણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એકાએક ટ્રક પાછળ એક તૂફાન ગાડી ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થયેલી તૂફાન કારમાં સવાર લોકો રાજકોટની અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા. તેઓ રાજકોટથી વાપી કિકેટ રમવા માટે સ્પર્ધામાં ગયા હતા. આ અકસ્માતમાં મૃતક અને ઈજાગ્રસ્તોને સરકારે સહાયની જાહેરાત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.