ચોમાસાનું આગમન!:અમદાવાદના રાણીપ, ઘાટલોડિયા સહિત અનેક વિસ્તારમાં વરસાદ, મધ્ય-દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં 5 દિવસની આગાહી​​​​

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરસાદની પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
વરસાદની પ્રતિકાત્મક તસવીર
  • વરસાદ દરમિયાન 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે

ચોમાસું ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, એવામાં રાજ્યમાં પાછલા ત્રણ-ચાર દિવસથી દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે હજુ આગામી પાંચ દિવસોમાં વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. બીજી તરફ આજે સાંજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

અમદાવાદના સોલા, વાડજ, ચાંદખેડા સહિતના વિસ્તારમાં વરસાદ
લાંબા સમયના બફારા બાદ અમદાવાદમાં આજે વરસાદની આગાહી વચ્ચે સાંજના સમયે પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. શહેરના એસ.જી હાઇવે, સોલા, વાડજ, સાબરમતી, ગોતા, ચાંદખેડા, ન્યુ રાણીપમાં વરસાદ પડ્યો હતો. શહેરમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા
અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા

આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ આગાહી પાંચ દિવસોમાં મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર જુનાગઢ તથા અમરેલીમાં, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

વાદળ અને ભેજનું પ્રમાણ પણ વધશે
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યા મુજબ, બેથી ત્રણ દિવસમાં રાજ્યમાં પવનની દિશા બદલાઇને દક્ષિણ-પશ્ચિમી પવનો શરૂ થશે. જેની અસરથી વાદળોનું પ્રમાણ વધવાની સાથે વાતાવરણના ઉપરના લેવલમાં ભેજનું પ્રમાણ વધવાથી 13 જૂનથી રાજ્યમાં ચોમાસુ પ્રવેશવાની શક્યતા છે.

અમરેલીમાં સતત ચોથા દિવસે વરસાદ
અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સાવરકુંડલા તાલુકાનાં અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના વીજપડી ગામમાં ધોધમાર વરસાદ વરસતાં રોડ- રસ્તા તેમજ શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતાં. વીજપડી ગામમાં અડધો ઇંચ ઉપરાંત વરસાદ પડતા રોડ-રસ્તા તેમજ શેરીઓમાં પાણી પાણી જોવા મળ્યું હતું.

સાપુતારામાં વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું
ડાંગ જિલ્લાનું સાપુતારા હિલ સ્ટેશન હોવાથી ઉનાળુ વેકેશનમાં સહેલાણીઓ માટે પસંદગીનું સ્થળ તરીકે રહે છે. શુક્રવારે સાંજે સાપુતારા ખાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં સહેલાણીઓએ ભરઉનાળે અષાઢી મજા માણી હતી. સાપુતારા ગિરિમાળા ખાતે વરસાદ પડતાં સહેલાણીઓ ખુશીનો પાર જોવા મળતો ન હતો. સહેલાણીઓ મન મૂકી વરસાદમાં પલળ્યા હતા. સહેલાણીઓ ગરમીથી રાહત મેળવતા આનંદની લાગણી છલકાઈ હતી.

કોંકણમાં ચોમાસાનું આગમન થતા મુંબઈમાં વરસાદ
શુક્રવારે નૈઋત્યનું ચોમાસુ કોંકણમાં દાખલ થઈ ગયું છે, એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે. ગયા વર્ષે 7 જૂને ચોમાસુ તળ કોંકણમાં દાખલ થયું હતું, જ્યારે આ વર્ષે મહારાષ્ટ્રમાં આવવા ત્રણ દિવસનો વિલંબ થયો છે. નૈઋત્યનું ચોમાસુ મધ્ય અરબી સમુદ્રના અમુક ભાગમાં અને આખા ગોવા, કોંકણનો અમુક ભાગ અને કર્ણાટકના અમુક ભાગમાં દાખલ થયું છે.ખાસ કરીને ખરીફ પાક વાવવા માટે ચોમાસાના ચાતકની નજરે વાટ જોઈ રહેલા ખેડૂતો માટે દિલાસો મળ્યો છે. દરમિયાન દક્ષિણ મુંબઈ, મધ્ય મુંબઈ સહિત મુંબઈના અનેક ભાગોમાં ગુરુવારે રાત્રે જ હલકાથી ભારે ઝાપટા પડ્યા હતા. મધ્ય મુંબઈમાં થોડો સમય સુધી જોરદાર વરસાદ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...