રેલવે:લાંબુ વેઈટિંગ ક્લિયર કરવા અમદાવાદ સહિત રાજ્યમાં પાંચ ક્લોન ટ્રેન દોડાવાશે

અમદાવાદએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ક્લોન ટ્રેન માટે 19મીથી બુકિંગ શરૂ થશે
 • દેશમાં 20 ટ્રેન દોડશે, તમામ ટ્રેનો 18 કોચની હશે

ટ્રેનમાં લાંબુ વેઈટિંગ લિસ્ટ ક્લિયર કરવા માટે રેલવેએ દેશના સૌથી વધુ વ્યસ્ત રૂટ પર ક્લોન ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદથી 3 ટ્રેન મળી ગુજરાતને ફાળે 5 ક્લોન ટ્રેન આવી છે. દેશમાં 20 ક્લોન ટ્રેન દોડાવાશે. 21મીથી શરૂ થતી ક્લોન ટ્રેન માટે 19મીથી બુકિંગ થશે.

રેલવે બોર્ડે બહાર પાડેલ આદેશ મુજબ રેલવે દ્વારા 20 જોડી એટલે કે 40 ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ તમામ ટ્રેનો હાલમાં દોડતી 310 જેટલી ટ્રેનો ઉપરાંત વધારાની હશે. રેલવે દ્વારા શરૂ કરવામાં આવનાર આ 20 જોડી ટ્રેનોમાંથી 19 ટ્રેનોમાં હમસફરના કોચ જોડવામાં આવશે એટલે પેસેન્જરોને તેમાં હમસફર ટ્રેનનું ભાડું ચુકવવું પડશે. આ તમામ ટ્રેનો 18 કોચની હશે જેમાં 12 કોચ થર્ડ એસીના, 4 સ્લીપરના તેમજ બે જનરેટર કોચ હશે. જ્યારે દિલ્હી - લખનઉ વચ્ચે દોડનાર ટ્રેનમાં જનશતાબ્દી ટ્રેન 22 કોચ સાથે દોડશે. જેના પગલે આ ટ્રેનમાં પેેસેન્જરોને જનશતાબ્દીનું ભાડું ચુકવવું પડશે. એજ રીતે આ તમામ ટ્રેનો વધુ સ્પીડ સાથે દોડશે અને તેના સ્ટોપેજ પણ ઓછા હોવાથી રેગ્યુલર ટ્રેન કરતા તે વહેલી પહોંચાડશે.

રેલવેએ શનિવારથી અમદાવાદ સહિત દેશમાં વધુ 80 સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે. હાલમાં મોટી સંખ્યામાં શ્રમિકો ગુજરાતમાં પરત ફરી રહ્યા છે ત્યારે અમદાવાદ આવતી તમામ ટ્રેનો હાઉસફૂલ છે. ખુરદા રોડ - અમદાવાદ એક્સપ્રેસ, અમદાવાદ - બિકાનેર - અમદાવાદ એક્સપ્રેસ અને અમદાવાદ - યશવંતપુર એક્સપ્રેસમાં લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે.જેના કારણે પેસેન્જરોની સુવિધા માટે રેલવે ક્લોન ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.

ગુજરાતને આ ક્લોન ટ્રેન મળી

 • અમદાવાદ-દરભંગા, શુક્રવાર
 • દરભંગા-અમદાવાદ, સોમવાર
 • અમદાવાદ-દિલ્હી, રવિ, બુધવાર
 • દિલ્હી-અમદાવાદ, સોમ, મંગળ
 • અમદાવાદ-પટણા, બુધવાર
 • પટણા-અમદાવાદ - રવિવાર
 • સુરત-છપરા, સોમવાર
 • છપરા-સુરત, બુધવાર
 • બાંદ્રા-અમૃતસર, સોમવાર
 • અમૃતસર-બાંદ્રા, બુધવાર

ક્લોન ટ્રેનનું ભાડું વધુ ચૂકવવું પડશે
અમદાવાદ સહિત દેશભરમાં શરૂ થનાર ક્લોન ટ્રેનોમાં હમસફર કોચ જોડવામાં આવશે. એટલે કે પેસેન્જરોને ભાડું પણ હમસફરનું ચુકવવું પડશે. એજરીતે આ ક્લોન ટ્રેનોમાં ડાયનેમિક ફેર વસૂલ કરાશે કે કેમ તે અંગે હસુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. તેમ છતાં પેસેન્જરોને તો સ્લીપર અને એસી કોચના ભાડા કરતા 2થી 3 ગણું વધુ ભાડું ચુકવવું પડશે તે નક્કી છે. એજરીતે રેગ્યુલર ટ્રેનમાં વેઈટિંગ ઘટાડવા આ ક્લોન ટ્રેનોની જાહેરાત કરાઈ છે પરંતુ આ તમામ ટ્રેનોમાં વેઈટિંગ ટિકિટ ધરાવતા લોકોને બેસવાની સુવિધા નહીં મળે. આ ટ્રેનોમાં મુસાફરી માટે પેસેન્જરોએ વધુ ભાડું ચુકવી અલગ ટિકિટ લેવી પડશે.

અન્ય સમાચારો પણ છે...