એક્સલુઝિવ ઇન્ટરવ્યુ:શિવાંશના જન્મથી સારવાર કરી રહેલા ડોક્ટરે કહ્યું, 12 વર્ષ સુધી બાળકની સારવારનો તમામ ખર્ચ ઉપાડશે

અમદાવાદ3 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત
  • સચિન અને મહેંદી હોસ્પિટલ આવતાં ત્યારે શિવાંશને તેમનાથી દૂર નહોતા થવા દેતાઃ ડૉ. મેહુલ શાહ
  • સોશિયલ મીડિયામાં બાળકનો ચહેરો જોયો તો અમને લાગ્યું કે આ બાળકની સારવાર આપણે ત્યાં થઈ હતીઃ ડૉ. ધવલ

રાજ્યભરમાં સનસનાટી ફેલાવી દેનારા મહેંદી હત્યાકાંડમાં નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, સચિન અને મહેંદીના બાળક શિવાંશનો જન્મ બોપલની સંગીતા હોસ્પિટલમાં થયો હતો. આ હોસ્પિટલમાં શિવાંશની પ્રથમ દિવસથી જ સારવાર કરનાર ડોક્ટરનું કહેવું છે કે શિવાંશના માતા પિતા સચિન અને મહેંદી જ્યારે શિવાંશને લઈને હોસ્પિટલ આવતાં ત્યારે તેમનાથી એક ક્ષણ પણ શિવાંશને દુર થવા નહોતા દેતા. આજે માન્યામાં નથી આવતું કે શિવાંશની આ સ્થિતિ છે. બોપલની ચાઈલ્ડહૂડ હોસ્પિટલના ડોક્ટરે શિવાંશ બાર વર્ષનો થાય ત્યાં સુધી તેની સમગ્ર સારવારનો ખર્ચ ઉપાડવાનું નક્કી કર્યું છે.

બાળકના માતા પિતા નથી જેથી તેની સારવારનો ખર્ચ ઉપાડીશું
ચાઈલ્ડહુડ હોસ્પિટલના ડોકટર મેહુલ શાહે જણાવ્યું કે બાળક વિશે જાણ થતાં અમને વિશ્વાસ ન થયો કે એના સાથે આવતા માતા પિતા ખરેખર પતિ પત્ની ન હતા.બન્ને બાળક માટે ખૂબ જ કેરીંગ હતા. એટલું જ નહીં બાળકને ખૂબ જ સાચવતા હતાં.બાળકની વેક્સિન અને નાની મોટી ટ્રીટમેન્ટ અહીંયા થતી હતી. અમે બન્ને ડોકટરોએ નિર્ણય કર્યો કે હાલ તો બાળકના કોઈ માતા પિતા નથી કે કોઈ કસ્ટડી નથી. જેથી બાળકને કોઈ પણ મેડિકલ જરૂર પડશે તેનો તમામ ખર્ચ 12 વર્ષ સુધી અમે ઉપડીશું.

શિવાંશનો જન્મ જે હોસ્પિટલમાં થયો ત્યાં પોલીસ સચિનને લઈને પહોંચી હતી
શિવાંશનો જન્મ જે હોસ્પિટલમાં થયો ત્યાં પોલીસ સચિનને લઈને પહોંચી હતી

બાળકના જન્મની પહેલી વિઝિટ કરી અને તેની સાથે લગાવ થઈ ગયો
ચાઈલ્ડહુડ હોસ્પિટલના બીજા ડોકટર ધવલે જણાવ્યું કે અમે જ્યારે સોશિયલ મીડિયામાં બાળકનો ચહેરો જોયો તો અમને લાગ્યું કે આ બાળકની સારવાર આપણા ત્યાં થઈ હતી.થોડા સમય બાદ માતા પિતાના નામ આવ્યા અને અમારો રેકોર્ડ તપાસ્યો હતો. જેમાં સચિન અને મહેંદી વિશે ખબર પડી હતી. બાળકનો જન્મ થયો તેની પહેલી વિઝીટ કરવા જ અમે ગયા હતા અને તેની સાથે લગાવ થઈ ગયો હતો.

ચાઈલ્ડહુડ હોસ્પિટલના ડોકટર મેહુલ શાહ (ડાબે) અને ડોકટર ધવલ (જમણે)
ચાઈલ્ડહુડ હોસ્પિટલના ડોકટર મેહુલ શાહ (ડાબે) અને ડોકટર ધવલ (જમણે)

પોલીસે બાળકના જન્મને લગતા જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કર્યા
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ ચાઈલ્ડહુડ હોસ્પિટલમાં ગયા વર્ષે શિવાંશનો જન્મ થયો હતો. મહેંદી અને સચિન દીક્ષિતે હોસ્પિટલમાં પોતાની ઓળખ પતિ-પત્ની તરીકે આપી હતી. સંગીતા હોસ્પિટલમાંથી પોલીસે બાળકના જન્મને લગતા જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કર્યા છે. શિવાંશના જન્મ પહેલાં 6 માસના ગર્ભાવસ્થા દરમ્યાન મહેંદી અને સચિન સંગીતા હોસ્પિટલમાં જ ચેકઅપ કરાવવા જતા હતા. તે સમયે મહેંદીએ ત્યાં પોતાનું નામ મહેંદી લખાવ્યું હતું.

બોપલ વિસ્તારમાં આવેલ સંગીતા હોસ્પિટલમાં ગયા વર્ષે શિવાંશનો જન્મ થયો હતો
બોપલ વિસ્તારમાં આવેલ સંગીતા હોસ્પિટલમાં ગયા વર્ષે શિવાંશનો જન્મ થયો હતો

શિવાંશને ચાઈલ્ડહુડ હોસ્પિટલમાં નિયમિત રસી અપાતી
આ ઉપરાંત શિવાંશને બોપલ ખાતે આવેલી ચાઈલ્ડહુડ હોસ્પિટલમાં નિયમિત રસી અપાતી હતી. ડોકટરના મતે વેક્સિનેશન સમયે પણ સચિન અને મહેંદી શિવાંશના માતાપિતા તરીકે જ આવતા હતા. બાળકોના ડોક્ટર મેહુલ શાહે શિવાંશને બધી વેક્સિન આપી હતી. છેલ્લે મે 2021માં શિવાંશને આ હોસ્પિટલમાં વેક્સિન આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં ડોક્ટરે તમામ સહયોગ આપીને વેક્સિન, વાલી અને પેમેન્ટ સહિતની વિગતો આપી હતી.

મહેંદીની ગળું દબાવી હત્યા કરી
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ સચિને શિવાંશની માતા મહેંદી ઉર્ફે મહેંદીની ગળુ દબાવી હત્યા કરી નાંખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારબાદ પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી. જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી મળી આવી હતી. ઘટનાની વિગત એવી છે કે ગત 8 ઓક્ટોબરે શિવાંશને એક કારમાં ગૌશાળા નજીક રઝળતો છોડી એક શખ્સ જતો રહ્યો. ત્યારબાદ પોલીસે સીસીટીવીના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે સચિનને લઈને હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી
પોલીસે સચિનને લઈને હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી

સચિન અને મહેંદી લિવ ઇનમાં રહેતાં હતા
ત્યાર બાદ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, છેલ્લા 2 મહિનાથી સચિન મહેંદીને લઇને વડોદરા રહેવા આવ્યો હતો. અમદાવાદની બાથરૂમ ટાઇલ્સની કંપની પોલારમાં સચિન નોકરી કરતો હતો અને મહેંદી આ જ કંપનીના ડીલરને ત્યાં નોકરી કરતી હતી, જેથી બંને વચ્ચે પરિચય થયા બાદ પ્રેમ થયો હતો અને સચિન અને મહેંદી લિવ ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. 10 મહિના પહેલાં મહેંદીએ શિવાંશને જન્મ આપ્યો હતો. બે માસ પહેલાં વડોદરામાં ખોડિયારનગર પાસેના દર્શનમ ઓએસીસ નામની બિલ્ડિંગમાં ભાડેથી રહેવા બાળકને લઇને બંને આવ્યાં હતાં.