મેટ્રોનું ટ્રાયલ રન:અમદાવાદ મેટ્રો પહેલીવાર 6.5 કિમી અંડરગ્રાઉન્ડ ટનલમાંથી ચલાવાઈ, સાબરમતી બ્રિજ પરથી ઇન્કમટેક્સ સુધી લાવવામાં આવી

અમદાવાદ2 મહિનો પહેલા
સાબરમતી નદી પરના બ્રિજ પર મેટ્રોનું ટ્રાયલ રન થયું. - Divya Bhaskar
સાબરમતી નદી પરના બ્રિજ પર મેટ્રોનું ટ્રાયલ રન થયું.
  • ઇન્કમટેક્સથી થલતેજ સુધી મેટ્રો ટ્રેન અને ટ્રેકના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની ફેઝ 1ની કામગીરી હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ લિમિટેડ પૂર્વ અને પશ્ચિમ બંને કોરિડોર ઓગસ્ટ 2022 સુધીમાં શરૂ કરવાની તૈયારી હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે આજે વસ્ત્રાલના એપરેલ પાર્ક ખાતેના ડેપોથી ત્રણ કોચની એક મેટ્રો ટ્રેન એપરલ પાર્કથી મેટ્રો ટ્રેનને 6.5 કિમિ લાંબી કાંકરિયા અંડરગ્રાઉન્ડ ટનલમાંથી શાહપુર થઈ સાબરમતી નદીના બ્રીજ ઉપરથી ચલાવી ઈન્કમટેક્ષ ખાતે જૂની હાઈકોર્ટ સુધી દોડાવવામાં આવી હતી.

જૂની હાઈકોર્ટથી થલતેજ સુધી મેટ્રોનું ટેસ્ટિંગ કરાશે
મેટ્રો રેલના જણાવ્યા મુજબ જૂની હાઇકોર્ટથી થલતેજ સ્ટેશન સુધી ટ્રેનના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. ટ્રેન ના ટ્રેક અને ટ્રેનની ટેસ્ટિંગની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે, જેના ભાગરૂપે આજે ટનલમાંથી આ ટ્રેનને ચલાવી અને જૂની હાઈકોર્ટ સુધી પહોંચાડવામાં આવી હતી. મેટ્રો ટ્રેન શરૂ થાય તે પહેલા અને ધ્યાનમાં રાખી અને તમામ પાસાઓની તપાસ કરવામાં આવતી હોય છે.

કાંકરિયા અંડરગ્રાઉન્ડ ટનલમાંથી શાહપુર થઈ સાબરમતી નદીના બ્રિજ પર પહોંચી
કાંકરિયા અંડરગ્રાઉન્ડ ટનલમાંથી શાહપુર થઈ સાબરમતી નદીના બ્રિજ પર પહોંચી

અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એમ બે કોરિડોરના કુલ 40 કિલોમીટરના મેટ્રો ટ્રેન રૂટને ઓગસ્ટ 2022માં શરૂ કરી દેવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 6.5 કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન દોડશે. અમદાવાદ શહેરના સીટી વિસ્તારમાંથી ટ્રેન અન્ડરગ્રાઉન્ડ પસાર થશે. જેની ટનલનું મોટાભાગનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે. શાહપુર દરવાજાથી કાંકરીયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ ટ્રેન દોડવાની છે.

માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે
મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્લી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝુ તરફ જતા 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે. ટ્રેનના પાટાથી લઇ ટનલની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગયેલી દેખાય છે.

નદી ઉપરથી અને અન્ડરગ્રાઉન્ડમાંથી પસાર થશે
અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે. જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે.

21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરીયા પૂર્વમાં બહાર નીકળશે.

40 કિ.મી.ના રૂટમાં 32 સ્ટેશન છે પણ 10 જ તૈયાર
મેટ્રો રેલના ફેઝ-1ને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઓગસ્ટ 2022માં શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. જેની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. જોકે બંને કોરિડોરમાં મેટ્રો રેલનું જે રીતે કામ બાકી છે તેનાથી લાગી રહ્યું છે કે, મેટ્રો ટ્રેનનો આખો ફેઝ-1 શરૂ નહિ કરી શકાય. વાસણા APMCથી શ્રેયસ ક્રોસિંગ સુધીનો ચાર કિલોમીટરનો રૂટ જ કરવામાં આવી શકે છે. 40 કિલોમીટરના રૂટમાં 32 સ્ટેશન આવે છે, જેમાંથી માત્ર ચાર સ્ટેશનો તૈયાર થયા છે. જેનું 10 ટકા જેટલું કામ બાકી હશે. પરંતુ બાકીના જે સ્ટેશનો અને મેટ્રો ટ્રેન આખી દોડતી થાય તે રીતે મેટ્રો ટ્રેન નો રૂટ અને સ્ટેશનોની કામગીરી હાલમાં જે રીતે જણાય છે તેના પરથી લાગી રહ્યું છે કે ઓગસ્ટ 2022 સુધીમાં 40 કિલોમીટર સુધી મેટ્રો ટ્રેન દોડી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...