રેડિયોલોજિસ્ટે સમજાવી બન્ને વેરિયન્ટની અસર:પહેલીવાર જુઓ ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટ દર્દીના એક્સ રેની સરખામણી, ડેલ્ટા ફેફસાં સુધી જતો, ઓમિક્રોન ગળા નીચે નથી ઉતરતો

અમદાવાદ8 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
  • ડેલ્ટામાં બંને ફેફસાંમાં વાઇરસની હાજરી જોવા મળતી
  • કેટલાક કિસ્સામાં ડેલ્ટા બન્ને ફેફસાંને અસર કરતો

હાલ કેસોના મહા વિસ્ફોટ સાથે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર છે. આ લહેરમાં કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ વાઇરસની તીવ્રતા ઘટી છે. પહેલી અને બીજી લહેરમાં લોકોને દાખલ કરવાની જરૂર પડતી હતી, તેની જગ્યાએ હવે હોમ અઈસોલેશનમાં જ લોકો સાજા થઇ રહ્યા છે. બીજી લહેરમાં ફેલાયેલો ડેલ્ટા વેરિયન્ટ ગંભીર હતો. જેની સામે ઓમિક્રોન ગંભીર નથી. દિવ્યભાસ્કર પહેલીવાર ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટના બે એક્સ-રેની સરખાણી રજૂ કરી રહ્યું છે. આ બન્ને એક્સ-રે અંગે રેડિયોલોજિસ્ટ ડો.હેમંત પટેલ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ડેલ્ટા ફેફસાં સુધી જતો હતો જ્યારે ઓમિક્રોન ગળા નીચે ઉતરતો નથી.

ઓમિક્રોનમાં સીટી સ્કેન કરાવવું પડતું નથી
બીજી લહેરમાં ડેલ્ટા વેરીઅન્ટના કારણે અનેક લોકોની હાલત ગંભીર થઇ હતી અને મોત પણ થયા હતા. દર્દી દ્વારા ફેફસાંને થયેલ નુકસાન અને આગળની સારવાર માટે સીટી સ્કેન કરાવવામાં આવતું હતું, જેમાં દર્દીના ફેફસાં સુધી વાઇરસની અસર જોવા મળતી હતી. જ્યારે ઓમિક્રોનમાં ખાસ લક્ષણો ના હોવાથી દર્દીને સીટી સ્કેન કરાવવું પડતું નથી અને સીટી સ્કેન કરાવનાર દર્દીના ફેફસાં પર અસર પણ જોવા મળતી નથી.

ઓમિક્રોન ગળેથી જ અટકી જાય છેઃ રેડિયોલોજિસ્ટ
આ અંગે DivyaBhaskarએ રેડીયોલોજિસ્ટ ડોક્ટર હેમંત પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટમાંથી નીકળીને હવે ઓમિક્રોનમાં પહોંચ્યા છીએ. ડેલ્ટા ખૂબ ગંભીર હતો જ્યારે ઓમિક્રોન માત્ર ઝડપથી ફેલાય છે, પરંતુ ગંભીર નથી. ઓમિક્રોનના દર્દીમાં સામાન્ય લક્ષણો જ જોવા મળે છે. ઓમિક્રોન ગળા સુધી જઈને અટકી જાય છે, જ્યારે ડેલ્ટા વ્યક્તિના ફેફસાં અંદર જતો અને કેટલાક કિસ્સામાં બંને ફેફસાંને નુકસાન કરતો હતો.

CT-CVP પણ નહીવત કે શૂન્ય આવે છે, ડેલ્ટામાં 15થી 20 સુધી જતો
ડોક્ટર હેમંત પટેલે ડેલ્ટા અને ઓમિક્રોન બંને દર્દીના સીટી સ્કેન રિપોર્ટ અંગે જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટના દર્દીના સીટી સ્કેન કરવામાં આવ્યો, જેના રિપોર્ટ મુજબ દર્દીના ગળાથી ફેફસાં સુધી વાઇરસની અસર જોવા મળી હતી. ફેફસાંના ભાગમાં કરોળિયાના જાળા જેવું જોવા મળતું હતું, આ ઉપરાંત ફેફસાંમાં પાણી ભરાઈ જતું હતું. જેના કારણે દર્દી શ્વાસ નહતો લઇ શકતો અને ઓક્સિજનની જરૂર પડતી હતી અને કેટલાક દર્દીના મોત પણ થતા હતા. ડેલ્ટામાં બંને ફેફસાંમાં વાઇરસની હાજરી જોવા મળતી હતી. CT-CVP 15 થી 20 સુધી જતો હતો એટલે કે દર્દીની હાલત પણ ગંભીર થઇ જતી હતી.

ઓમિક્રોનમાં ફેફસાં કે અન્ય ભાગમાં જરાય અસર થતી નથી
હેમંત પટેલે આગળ જણાવ્યું કે, ઓમિક્રોનના દર્દીનો પણ સીટી સ્કેન રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ઓમિક્રોનના દર્દીના રિપોર્ટમાં ફેફસાં પર કોઈ જ અસર જોવા મળી નથી. સામાન્ય માણસની જેમ જ ઓમિક્રોન વાઇરસથી સંક્રમિત થયેલા દર્દીના ફેફસાં જોવા મળે છે. ઓમિક્રોનમાં CT-CVP પણ નહીવત કે ૦ આવે છે. ફેફસાં કે અન્ય ભાગમાં જરાય અસર થતી નથી અને રિપોર્ટ પણ સામાન્ય જ આવી રહ્યા છે.

ઓમિક્રોનથી ઓછા લક્ષણવાળો વાઇરસ આવી શકે
ડોક્ટર હેમંતના જણાવ્યા અનુસાર વાઇરસના વેરિયન્ટ સમય સાથે બદલાય છે અને મોટા ભાગના લોકોએ વેક્સિન લઇ લીધી છે. જેના કારણે ઓમિક્રોન વાઇરસમાં ગંભીરતા નથી. હજુ પણ ઓમિક્રોનથી ઓછા લક્ષણવાળો વાઇરસ આવી શકે છે, જે બાદ કોરોનાથી મુક્તિ મળી શકે છે. લોકોએ અત્યારે બેદરકારી નહીં, પરંતુ સાવચેતી રાખવી જોઈએ અને દર્દીએ પોઝિટિવ આવતા દવા લેવી તથા જરૂર જણાય તો ડોક્ટરની સલાહ લઈને સારવાર કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...