અમદાવાદમાં આવતી કાલે માત્ર કોવેક્સિનના બીજા ડોઝનું વેક્સિનેશન યોજાવાનું છે. ત્યારે આજે 10 ઓગસ્ટની રાત્રિ રેનબસેરામાં રહેતા લોકો માટે વેક્સિનેશન યોજાયું હતું. આવી રીતે રાત્રિ વેક્સિનેશન સમગ્ર ભારતમાં પહેલીવાર અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં યોજાવામાં આવ્યું હતું. ખોખરાના ચાર ઓવરબ્રિજ નીચેના રેનબસેરામાં રહેતા શ્રમિકો સહિતના લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
બે કલાકની ખાસ વેક્સિનેશન ડ્રાઈવ યોજાઈ
ખોખરાના કટારિયા શો રૂમની બાજુમાં એપરલ પાર્કની સામે અનુપમ સિનેમા નજીક આ ખાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. મંગળવારે રાત્રે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી આ ખાસ વેક્સિનેશન કેમ્પમાં રેનબસેરામાં રહેતા 60 જેટલા લોકોએ વેક્સિનનો ડોઝ લીધો હતો.
ખાસ વેક્સિનેશન સ્થળે મેયર સહિતના હાજર રહ્યા
ખાસ વેક્સિનેશન સ્થળે અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડે.મેયર ગીતાબેન પટેલ, સ્ટે.કમિટિ ચેરમેન હિતેશ બારોટ, મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર અને AMCના ઉચ્ચ અધિકારીઓ તથા ખોખરા વોર્ડના કાઉન્સિલરો હાજર રહ્યા હતા.
કોવિશિલ્ડના બીજા ડોઝનું બુધવારે વેક્સિનેશન જારી રહેશે
અમદાવાદ શહેરમાં 200 જેટલા વેક્સિનેશન કેન્દ્રો જાહેર કર્યા છે. રાજ્યમાં રવિવાર અને બુધવારે એમ બે દિવસ માટે કોરોના વેક્સિનેશન બંધ હોય છે. આવતીકાલે બુધવારે અમદાવાદમાં વેક્સિનેશન કેન્દ્રોમાં કોવિશિલ્ડ વેક્સિનનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે. જેમને બીજો ડોઝ લેવાનો છે તેવા જ લોકોનું આવતીકાલે વેક્સિનેશન થશે. પહેલો ડોઝ જેમને લેવાનો છે તેમને વેક્સિન આપવામાં આવશે નહીં.
37212 લોકોને વેક્સિન અપાઈ
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 200 કેન્દ્રો પર 200 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આપવામાં આવે છે. અમદાવાદમાં આજે મંગળવારે 37212 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 22212 પુરુષ અને 15000 મહિલાઓએ વેક્સિન લીધી હતી. 18થી 44 વય જૂથના 25674 અને 45 વર્ષ ઉપરના 8749 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના 2015 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.