કોંગ્રેસ-AAP વગર વિધાનસભામાં ધુળેટી:ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર BJP ધારાસભ્યોએ રંગોનો તહેવાર મનાવ્યો, ખેડૂતો ચોધાર આંસુએ રડે ત્યારે કોંગ્રેસ ઉત્સવમાં ન જોડાય- ચાવડા

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં હાલ 15મી વિધાનસભાનું બીજું સત્ર યોજાઈ રહ્યું છે અને જોગાનુજોગ ધુળેટી પર્વ પણ દેશભરમાં ઊજવાશે. આજે હોળી અને ધુળેટી વચ્ચેના પડતર દિવસે વિધાનસભાના પટાંગણમાં રંગોનો તહેવાર ઊજવાઈ રહ્યો છે. એ પણ ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભાજપના ધારાસભ્યએ એકસાથે ધુળેટી પર્વની ઉજવણી કરી છે. આજે પડતર દિવસ અને બુધવારે દેશભરમાં ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે. આજે પડતર દિવસે વિધાનસભા દ્વારા હોળી-ધુળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું હતું કે કેસૂડાનો કેસરિયો રંગ હતો એટલે કોંગ્રેસ ઉજવણીમાં ન જોડાઈ. ત્યારે વિરોધપક્ષ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી કે માવઠાંથી ખેડૂતો ચોધાર આંસુએ રડતા હોય ત્યારે સરકાર પ્રજાના પૈસે ઉત્સવો ઊજવે, એમાં કોંગ્રેસ ન જોડાય.

અમિત ચાવડાએ વીડિયો ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી
વિરોધપક્ષ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી કે, માવઠાંથી ખેડૂતો ચોધાર આંસુએ રડતા હોય ત્યારે સરકાર પ્રજાના પૈસે ઉત્સવો ઊજવે, એમાં કોંગ્રેસ પક્ષ ક્યારેય સહમત ના હોય. ભાજપ સરકાર પ્રજાના ટેક્સના પૈસા મોંઘવારીમાંથી પ્રજાને રાહત આપવા વાપરે, નહીં કે ઉત્સવો પાછળ.

વાઘાણીએ ડફલી વગાડી સૌનું ધ્યાન ખેંચ્યું
વિધાનસભા પટાંગણમાં ઊજવાયેલી ધુળેટીમાં સૌકોઈનું ધ્યાન ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જિતુ વાઘાણીએ ખેંચ્યું હતું. તેઓ વાદ્ય ડફલી વગાડી હતી. તેમણે એક કલાકાર પાસેથી ડફલી લીધી હતી અને પછી વગાડવાનું શરૂ કર્યું હતું. તેમણે પટાંગણમાં ડફલી વગાડીને પોતાની કળા બતાવી હતી. ઉલ્લેખનીય છે કે 3 વર્ષ પહેલાં બનાસકાંઠામાં તીડનો ત્રાસ હતો ત્યારે ભાજપના તત્કાલીન ગુજરાત અધ્યક્ષ જિતુ વાઘાણીએ થરાદના એક ગામમાં થાળીઓ ખખડાવીને તીડ ઉડાડ્યા હતા. ખુલ્લા ખેતરમાં તેઓ થાળી ખખડાવતા હતા અને તેમની પાછળ પાછળ સાંસદથી માંડીને તમામ સ્થાનિક કાર્યકરો દોડતા હતા.

ઢોલ, નગારાં અને શરણાના સૂર સાથે હોળી
વિધાનસભા પ્રાંગણમાં ધારાસભ્યો પહેલીવાર સામૂહિક ધુળેટી રમ્યા હતા, જેમાં ઢોલ, શરણાઈ અને આદિવાસી-રાજસ્થાની નૃત્ય સાથે કલાકારોએ ધારાસભ્યોનું સ્વાગત કર્યુ હતું. ત્યાર બાદ અબીલ-ગુલાબની છોળો ઊડી હતી. ખાસ 100 કિલો કેસૂડાનો રંગ સાથે પ્રાકૃતિક હોળીનું આયોજન કરાયું હતું, જેમાં ભાજપના તમામ ધારાસભ્યોએ હોળીની ઉજવણી કરી હતી.

કુદરતી રંગથી હોળીનો તહેવાર ઊજવવાનો સંદેશો
હોળીની ઉજવણી કેસૂડાના રંગથી કરવાનું આયોજન છે, જેથી લોકો સુધી કુદરતી રંગથી હોળી તહેવાર ઊજવવાનો સંદેશો આપી શકાય. મળતી માહિતી પ્રમાણે, 100 કિલો કેસૂડાનાં ફૂલ ધુળેટી ઉજવણી માટે મગાવવામાં આવ્યાં હતાં. વિધાનસભા સત્ર શરૂ થાય એ અગાઉ હોળી પર્વની ઉજવણી કરાઈ છે. તમામ ધારાસભ્યોએ એકસાથે પ્રથમવાર એક જ સ્થળે હોળીની ઉજવણી કરી છે. એ માટે સોમવારે વિધાનસભા અધ્યક્ષે મંજૂરી પણ આપી દીધી હતી.

મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓએ ભાગ લીધો
મંગળવારે વિધાનસભા સત્ર આયોજન અગાઉ ધુળેટી પર્વની ઉજવણી માટે તૈયારી કરવામાં આવી હતી. સત્ર શરૂ થતાં અગાઉ વિધાનસભા બહાર ઉજવણી કરવાનું આયોજન કરાયું હતું. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌપ્રથમવાર તહેવારની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. હોળીની ઉજવણીમાં ભાજપના ધારાસભ્યોએ ભાગ લીધો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ પણ ઉજવણીમાં જોડાયા હતા. જોકે કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ ઉજવણીમાં જોડાયા નહોતા.

ખાસ શમિયાણો ઊભો કરાયો
6ઠ્ઠી માર્ચે 15મી વિધાનસભામાં હોળી પર્વની ઉજવણીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિધાનસભાના પ્રવેશદ્વાર પાસે ખાસ શમિયાણો ઊભો કરાયો હતો, જ્યાં આજે 7મી માર્ચે ભાજપના ધારાસભ્યો ધુળેટીની મજા માણી હતી. ઉલ્લેખનીય છે કે શાસક પક્ષના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલએ હોળીના આયોજન માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને એક દરખાસ્ત આપી હતી અને અધ્યક્ષે દરખાસ્ત ગ્રાહ્ય રાખતાં વિધાનસભા સચિવાલયે પણ એને મંજૂરી આપી હતી. જ્યારે આજે પડતર દિવસ હોઈ, વિધાનસભાગૃહની બેઠક પણ સવારની કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...