ગુજરાત વિધાનસભાની કાર્યવાહીમાં આજે ઐતિહાસિક ઘટના ચર્ચાના એરણે રહી હતી. આજે વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારાએ શોકદર્શક ઉલ્લેખો બાદ માંગણીઓ પરની ચર્ચામાં અધ્યક્ષ બની ગૃહનું સંચાલન કર્યું હતું. 20 વર્ષ બાદ અધ્યક્ષની ખુરશી પર કોઈ કોંગ્રેસ નેતા બેસીને ગૃહનું સંચાલન કર્યું હતું.
અત્યાર સુધી અધ્યક્ષની ગેરહાજરીમાં ભાજપના સભ્યો જ બેસતા
ગુજરાત વિધાનસભાની કામગીરી દરમિયાન 20 વર્ષ બાદ અધ્યક્ષની ખુરશી પર બેસવાની તક કોંગ્રેસના ધારાસભ્યને મળી હતી. આજે વિધાનસભાના ઓર્ડર ઓફ ધ ડે મુજબ ગૃહની કાર્યવાહી તબક્કાવાર ચાલતી હતી. જોકે નિયમ અનુસાર વિધાનસભામાં સત્તાવાર નિમાયેલા અધ્યક્ષની ગેરહાજરીમાં કાર્યકારી અધ્યક્ષની પેનલ હોય છે. જેમાં સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવતો હોય છે.પરંતુ વિધાનસભાની કાર્યવાહી દરમિયાન અત્યારસુધીમાં કાયમી અધ્યક્ષની ગેરહાજરીમાં મોટાભાગે ભાજપના ધારાસભ્યોને સંચાલન કરવા માટે બેસાડવામાં આવતાં હતાં.
ડો. જોશીયારાએ સુપેરે અધ્યક્ષની જવાબદારી નિભાવી
આજે આ સંચાલનમાં કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય ડૉ. અનિલ જોશીયારાને અધ્યક્ષની ભૂમિકા બજાવવાની તક મળતાં ભાજપ અને કોંગ્રેસના બન્ને સભ્યોમાં આ મુદ્દો ચર્ચાના એરણે રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, માંગણીઓ પરની ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે સરકારી ભરતી, વાઇબ્રન્ટ ગુજરાત જેવા અનેક મુદ્દે સરકાર પર અનેક આક્ષેપો કર્યા હતાં. જોકે ગૃહના સંચાલનમાં કોંગ્રેસના ડૉ અનિલ જોશિયારાએ વિધાનસભા અધ્યક્ષની મળેલી કાર્યકારી તકને સુપેરે પાર પાડતા અનેકવિધ ચર્ચા ચકડોળે ચઢી હતી.
ત્રણેક દાયકાથી ઉપાધ્યક્ષ નથી
ગુજરાત વિધાનસભા ગૃહમાં દાયકાઓ પૂર્વે અધ્યક્ષ તરીકે શાસક પક્ષના ધારાસભ્ય હોય છે. જ્યારે ઉપાધ્યક્ષ તરીકે વિપક્ષના ધારાસભ્યને મૂકવામાં આવતા હતા.જો કે ઉપાધ્યક્ષની જગ્યા ખાલી છે. જેને પગલે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રોટેમ સ્પીકરની પાંચ સભ્યોની પેનલ બનાવી હતી. જેમાં શાસક પક્ષના નીમાબેન આચાર્ય, દુષ્યંત પટેલ અને પૂર્ણેશ મોદી તથા કોંગ્રેસના ડો. અનિલ જોશીયારા અને રાજેન્દ્રસિંહ પરમારને પેનલમાં મૂક્યા છે.
ભાજપના ત્રણેય ધારાસભ્યો હાજર ન હતા
અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ તરફથી પ્રોટેમ સ્પીકરની પેનલમાંથી કોઇપણ એક સભ્યને પ્રોટેમ અધ્યક્ષ તરીકે ગૃહનું સંચાલન કરવાની જવાબદારી સોંપતી હોય છે. આજે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અન્ય કાર્યમાં રોકાયેલા હોવાથી તેમણે પ્રોટેમ સ્પીકરને ગૃહની કામગીરીનું સંચાલનની જવાબદારી સોંપી હતી. આજે ભાજપના નીમાબેન આચાર્ય, દુષ્યંત પટેલ અને પૂર્ણેશ મોદી એમ ત્રણેય ધારાસભ્યો ગેરહાજર હતા. જેથી કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય ડો. અનિલ જોશીયારાને ગૃહની કામગીરીનું સંચાલન કરવાની જવાબદારી સોંપી હતી આજે ડો. અનિલ જોશીયારાએ પ્રોટેમ સ્પીકર તરીકેની કામગીરીનું સંચાલન કર્યું હતું. બે દાયકા બાદ કોંગ્રેસના ધારાસભ્યને આ જવાબદારી મળી હોવાનું રાજકીય વર્તૂળમાં ચર્ચાઓ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.