જુઓ આ રહી પહેલા તબક્કાની 'વજનદાર' મહિલાઓ:કોઈ ડોક્ટર તો કોઈ મિકેનિકલ એન્જિનિયર, એક તો 25 વર્ષથી એકહથ્થું શાસન ચલાવી રહ્યાં છે

અમદાવાદ3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા 1 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં 20 જેટલી મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. આ મહિલાઓ પણ પુરુષોથી ઓછી નથી. તમામ કોઈ ને કોઈ રીતે સમાજમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થઈ છે. આ મહિલા ઉમેદવારોમાં ડોક્ટરોથી લઈને મિકેનિકલ એન્જિનિયરનો પણ સમાવેશ થાય છે. જ્યારે એક મહિલા ઉમેદવાર તો પોતાના વિસ્તારમાં 28 વર્ષથી એકહથ્થું શાસન ચલાવી રહ્યાં છે.

ગાંધીધામ: માલતીબેન મહેશ્વરી
ગાંધીધામ વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે માલતીબેન મહેશ્વરીની પસંદગી કરવામાં આવી છે. તો માલતીબેન મહેશ્વરી વિષે થોડું જાણીએ. આ વિધાનસભા સીટ 2012માં થયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે. એસ.સી માટે આરક્ષિત આ સીટ પર આ વર્ષે ભાજપ, કોંગ્રેસ અને આપ એમ ત્રણે પક્ષો વચ્ચે મુકાબલો થવાનો છે. જેમાં ભાજપનાં માલતીબેન મહેશ્વરી, કોંગ્રેસના કિશોરભાઈ પિંગોલ અને આપના ગોવિંદ દનિચા વચ્ચે ખરાખરીનો જંગ થવાનો છે. આ વિધાનસભા સીટના ઇતિહાસની વાત કરવામાં આવે તો વર્ષ 2012ની ચૂંટણીમાં અહીં ભાજપનો ભગવો લહેરાયો હતો. ભાજપના રમેશભાઈ મહેશ્વરીએ કોંગ્રેસનાં જયશ્રીબેન ચાવડાને ભારે મતોથી હાર આપી હતી. આ વર્ષે ભાજપની 'નો રિપીટ' ની નીતિને ધ્યાનમાં રાખતાં માલતીબેનને તક આપી છે. માલતીબેન પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડવા ઊભાં રહ્યાં છે. તેઓ ભાજપના ઘણા જૂના કાર્યકર્તા છે.

રાજકોટ પશ્ચિમ: ડો.દર્શિતા શાહ
રાજકોટ પશ્ચિમ બેઠક હાઈપ્રોફાઈલ સીટ રહી છે, અહીં નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. વજુભાઈ વાળા છ ટર્મ જેટલી ચૂંટણી લડ્યા અને વિજય રૂપાણી ચૂંટણી લડ્યા. અહીં ઉજળિયાત વર્ગ માટે ટિકિટ ફાળવવામાં આવે છે. પ્રથમ વખત ડોક્ટર મહિલા ડો. દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. પહેલેથી જ સંઘનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર મહિલાની દાવેદારી હોય તેવી પ્રથમ વખત ઘટના બની છે. તેમના દાદા અને પપ્પા સંઘના પાયાના પથ્થર હતા. જેના સંસ્કારોનું સિંચન પરંપરા અને પ્રતિષ્ઠા જાળવી રાખનાર મનપાના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ ડોક્ટર છે, તેને ટિકિટ આપી નરેન્દ્ર મોદીએ સંઘની પરંપરા જાળવી રાખી છે અને સંબંધો ભૂલ્યા નથી. હવે પપ્પા અને દાદાજીના સંસ્કાર તેમને વિધાનસભા સુધી લઈ જશે.

કોણ છે ડો. દર્શિતા શાહના પિતા અને દાદા
ડો. દર્શિતા શાહના દાદા ડો.પી.વી. દોશી સૌરાષ્ટ્રમાં પપ્પાજીના નામથી ઓળખાતા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રાંત સંઘચાલક હતા. ગુજરાતમાં સંઘના પાયાના પથ્થર તરીકે તેમની ગણના થાય છે. જ્યારે ડો.દર્શિતા શાહના પિતા ડો.પ્રફુલભાઈ દોશી પણ સંઘમાં સાથે જોડાયેલા હતા. નરેન્દ્ર મોદી સાથે તેમનો પારિવારિક સંબંધ હતો. દાદા અને પિતાના સંઘ સાથેના સંબંધોએ જ ડો.દર્શિતા શાહને ટિકિટ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

કોર્પોરેશનમાં ડે.મેયર તરીકે કાર્યરત

  • પ્રથમ વખત ડે.મેયર 2.5 વર્ષ (તા.14/12/2015થી તા.15/06/2017)
  • સતત બીજીવાર ડે.મેયર તરીકે (12/03/2021થી કાર્યરત)
  • પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી સભ્ય (તા.16/06/2018થી તા.13/12/2020 સુધી) 2.5 વર્ષ
  • વોર્ડ નં.2માં સતત બીજી ટર્મથી કોર્પોરેટર તરીકે કાર્યરત
  • ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, રાજકોટ (પૂર્વ જોઈન્ટ સેક્રેટરી)
  • ભારતીય જૈન સંગઠન, રાજકોટના પ્રમુખ

રાજકોટ ગ્રામીણ: ભાનુબેન બાબરિયા
રાજકોટના ગ્રામ્યની વિધાનસભા બેઠક પર ભાજપે પૂર્વ ધારાસભ્ય તથા રાજકોટના વોર્ડ નં. 1ના કોર્પોરેટર ભાનુબેન બાબરિયાને ફરી એક વખત ટિકિટ આપી છે. શિડ્યુલ કાસ્ટ માટેની આ અનામત બેઠકમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આવેલા લાખાભાઈ સાગઠિયાને ભાજપે ટિકિટ આપી હતી. રાજકોટ ગ્રામ્યની બેઠક પર અગાઉ ભાનુબેનના સસરા માધુભાઈ બાબરિયા 1998માં વિજેતા બન્યા હતા. હવે ફરી એક વખત બાબરિયા પરિવારમાં જ આ ટિકિટ ગઇ છે. ભાનુબેને 2007 અને 2012માં આ બેઠક જીતી હતી, પરંતુ 2017માં લાખાભાઈ સાગઠિયાને આ બેઠકની ટિકિટ અપાઈ હતી અને ભાનુબેન રાજકોટ મ્યુનિ.ના વોર્ડ નં. 1ના કોર્પોરેટર બન્યાં હતાં. હવે ફરી એક વખત બાબરિયા પરિવારને જ આ ટિકિટ મળી છે.

ગોંડલ: ગીતાબા જાડેજા
હાઇપ્રોફાઇલ ગણાતી ગોંડલ વિધાનસભા બેઠક પર રસાકસી બાદ ભાજપે હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાને જ રિપીટ કરવાનો નિર્ણય લીધો છે. આ ટિકિટ માટે શરૂઆતથી જ પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા ગ્રુપ તથા રીબડા ગ્રુપ વચ્ચે કાંટે કી ટક્કર જામી હતી. આખરે ગીતાબા જાડેજાના નામ પર ભાજપના પાર્લામેન્ટરી બોર્ડે મહોર લગાવી હતી. આમ તો જયરાજસિંહ 2002 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં ગોંડલમાંથી વિજેતા થયા હતા, પરંતુ 2017ની ચૂંટણી સમયે જયરાજસિંહ કાનૂની મુદ્દે ઘેરાતા તેમનાં પત્ની ગીતાબાને ટિકિટ ફાળવાઈ હતી. ગીતાબા આ ચૂંટણીમાં 15397 મતની લીડથી વિજેતા થયાં હતાં. જયરાજસિંહે આ વખતે પણ તેમનાં પત્ની ગીતાબા માટે ગોંડલમાંથી ભાજપની ટિકિટ માગી હતી જે મળી.

નાંદોદ: ડો. દર્શનાબેન દેશમુખ
નાંદોદ વિધાનસભાના ઉમેદવાર ડો. દર્શનાબેન દેશમુખના પિતા ચંદુભાઈ દેશમુખ ભરૂચના સાંસદ તરીકે બે વખત રહી ચૂક્યા છે. તેમના નામની જાહેરાતની સાથે જ તેઓ ભાજપ તરફથી નાંદોદ બેઠકના સૌ પ્રથમ મહિલા ઉમેદવાર તરીકેની ઉપલબ્ધિ પણ મેળવી લીધી છે. નાંદોદ વિધાનસભા માટે ભાજપ તરફથી જાહેર કરાયેલા ઉમેદવાર ડો.દર્શનાબેન દેશમુખ વ્યવસાયે ગાયનેક ડોકટર છે અને તેઓ પૂર્વ સાંસદના પુત્રી હોવાથી તેઓ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવવાની સાથે સાથે લાંબો રાજકીય અનુભવ ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન સહિત અન્ય 8 જેટલા હોદ્દાઓ ઉપર કામ કરી ચૂક્યાં છે. દર્શનાબેન દેશમુખના નામની જાહેરાતની સાથે જ તેઓના પ્રબળ પ્રતિસ્પર્ધી અને દાવેદાર પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી અને પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા કપાઈ જતા તેઓના ટેકેદારોમાં નિરાશા ફેલાઈ જવા પામી છે.

લિંબાયત: સંગિતા પાટીલ
લિંબાયત વિધાનસભાના ઉમેદવાર સંગીતા પાટીલ ઘણાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે. તેઓ લિંબાયતના રહેવાસી હોવાથી આ વિસ્તારની અંદર મરાઠી સમાજમાં તેઓ પહેલાથી જ ખૂબ સક્રિય હતા. મહિલા મોરચામાં કામ કર્યા બાદ તેઓ એકાએક જ વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદ કરાયા હતા. છેલ્લા બે ટર્મથી તેઓ લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય છે. ભારતીય જનતા પાર્ટીએ તેમને ત્રીજી વખત લિંબાયત વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. લિંબાયત વિધાનસભા બેઠકો પર પાટીલ મરાઠી સમાજનો દબદબો વધુ છે અને તેઓ સામાજિક રીતે અને રાજકીય રીતે પણ આ વિસ્તારની અંદર ખૂબ જ સક્રિય રહે છે.

કુતિયાણાઃ ઢેલીબેન ઓડેદારા
ઢેલીબેન પાંચ વર્ષ પહેલાં જ ભાજપમાં જોડાયાં છે. તેઓ પહેલાં કોંગ્રેસમાં હતાં. નગરપાલિકાના પ્રમુખ પદે ઢેલીબેન સત્તારૂઢ થયાં હતાં. તેઓ સળંગ 28 વર્ષનું રાજ કરીને ગુજરાતનો એક વિક્રમ પ્રસ્થાપિત કરી રહ્યાં છે. ભાજપના ઢેલીબેન માલદે ઓડેદરા પ્રમુખપદે રહીને એકહથ્થું શાસન ચલાવી રહ્યાં હતાં. છેલ્લે 1996માં અહીં ચૂંટણી થઈ હતી. ત્યાર બાદ પ્રથમ વખત ફેબ્રુઆરી 2018માં ચૂંટણી થઈ હતી. સૌથી મોટી બાબત એ છે કે મતદાન પૂરું થયું છે તેમ છતાં અહીં કોઈ ધમાલ થઈ નથી. મતગણતરીમાં પણ ક્યાંય ગેંગવોર થઈ નથી. લોકો ચર્ચા કરી રહ્યાં છે કે પ્રથમ વખત પાલિકામાં EVM વપરાયું છે અને હવે ઢેલીબેનનું શાસન ફરી આવી ગયું હતું. આ વખતે ભાજપે વિધાનસભામાં ઢેલીબેનને કુતિયાણાની ટિકિટ આપી છે.

ભાવનગર પૂર્વઃ સેજલબેન પંડ્યા
ભાવનગર પૂર્વ બેઠક માટે અનેકનાં નામ ચર્ચાઈ રહ્યાં હતાં. આજે પ્રદેશ ભાજપાએ સેજલબેન પંડ્યાનું નામ જાહેર કરતા જ તમામ નામો પર પૂર્ણવિરામ મુકાયું હતું. સેજલ પંડ્યા એટલે ભાવનગર શહેર પ્રમુખનાં પત્ની છે.

જામનગર નોર્થઃ રીવાબા જાડેજા
રીવાબા ગુજરાતનાં રાજકોટનાં છે. તેના પિતા બિઝનેસમેન છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. વર્ષ 2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યાં હતાં. ભાજપમાં જોડાતાં પહેલાં રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના સભ્ય રહી ચૂક્યાં છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયાં હતાં. ત્યારથી તેઓ પાર્ટીના કાર્યક્રમોમાં સ્ટેજ પર જોવા મળે છે.

રીવાબા કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી છે
રીવાબા જાડેજા, કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી પણ છે. રીવાબા પોતાનો વધારે સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે. રાજકોટમાં તેમની એક રેસ્ટોરન્ટ છે, જ્યારે જામનગરમાં ઘર છે. જ્યારે રીવાબાએ ભાજપ જોઈન કર્યું ત્યારે પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે રીવાબા ગુજરાતનો એક મોટો ચહેરો છે. તેમનું ભાજપ સાથે જોડાવવું એક સારો ફાયદો થઈ શકે છે. રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નૈનાબહેન પણ રાજનીતિમાં છે. નૈતાબા જામનગરમાં મહિલા કોંગ્રેસ-અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર જાડેજા માત્ર 17 વર્ષના હતા ત્યારથી તેમની માતાનું નિધન થયું હતું. ત્યાર બાદ બહેન નૈનાએ તેમની જવાબદારી સંભાળી હતી અને ક્રિકેટ રમવા માટે પ્રેરણા આપી હતી.

કરંજઃ ભારતી પ્રકાશ પટેલ
કરંજ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ભારતી પટેલ 2015માં કોંગ્રેસમાં જોડાયાં હતાં. ત્યારબાદ તેઓ સુરત શહેર મહિલા મોરચાના પ્રમુખ તરીકે હતાં. કોંગ્રેસમાં પીસીસીમાં મંત્રી તરીકે સંગઠનમાં કામ કરતાં હતાં. હાલ તેઓ સુરત શહેરના મહિલા મોરચાના પ્રમુખ છે. કોર્પોરેશનની ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા પરંતુ તેમની હાર થઈ હતી. કોંગ્રેસમાં મહિલા પાટીદાર ચહેરા તરીકે તેઓ ખૂબ જ સક્રિય હતાં. પાટીદાર વિસ્તારોની અંદર કોંગ્રેસ મહિલા સંગઠનને મજબૂત કરવામાં તેઓ સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યાં છે.

બારડોલીઃ પન્નાબેન પટેલ
બારડોલી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પન્ના પટેલ રાજકીય રીતે સક્રિય છે. તેઓ પોતે ગૃહિણી અને પશુપાલક છે. કડોદ જિલ્લા પંચાયતમાં 2021માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે ઊભાં રહ્યાં હતાં પરંતુ તેમની હાર થઈ હતી. તેમને ટિકિટ મળવા પાછળનું કારણ તેમના પતિ અનિલ પટેલ જે માજી ધારાસભ્ય છે. કોંગ્રેસમાંથી નારાજ થઈને ભાજપમાં ગયા હતા અને ત્યારબાદ ભાજપમાંથી ફરીથી કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. તેમના પતિ અનિલ પટેલ 2002થી 2007 સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમજ સુરત જિલ્લા કોંગ્રેસમાં તેઓ તાલુકા પંચાયતથી લઈને સહકારી માળખામાં સક્રિય રહ્યા છે. માંડવી સુગર ફેક્ટરીના તેઓ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પન્ના પટેલ રાજકીય રીતે સક્રિય ન હોવા છતાં પણ સામાજિક રીતે સેવાકીય પ્રવૃત્તિમાં સક્રિય રહે છે. માત્ર પોતાનું પરિવાર કોંગ્રેસમાં વર્ષોથી સક્રિય હોવાને કારણે તેમને આ ટિકિટ મળી છે.

મહુવાઃ હેમાંગિની ગરાસિયા
હેમાંગિની ગરાસિયા મહુવા બેઠક પરના કોંગ્રેસનો ઉમેદવાર છે. પોતે ઢોડિયા પટેલ સમાજનાં હોવાથી આ વિધાનસભા બેઠક ઉપર તેમનું વર્ચસ્વ છે. હેમાંગિની ગરાસિયા એલએલએમ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ હાઇકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. હેમાંગિની ગરાસિયા કોંગ્રેસમાં અલગ અલગ પદ ઉપર રહી ચૂક્યાં છે. સુરત જિલ્લા કોંગ્રેસમાં તેઓ મહિલા પ્રમુખ તરીકે સંગઠનમાં કામ કરી ચૂક્યાં છે. હેમાંગિની ગરાસિયાને સ્થાનિક લોકોનો સહકાર ખૂબ સારી રીતે મળે છે. પોતાની વિધાનસભા મતવિસ્તારની અંદર તેઓ ગ્રાઉન્ડ ઉપર સતત લોકોના સંપર્કમાં રહેતાં હોવાને કારણે તેમની પકડ સારી છે.

લીંબડીઃ કલ્પના કરમસીભાઈ મકવાણા
કોંગ્રેસે લીંબડી-સાયલા બેઠક ઉપર કલ્પના મકવાણા અને ચોટીલા બેઠક પર ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે. આ બંને ભાઈ-બહેન કોંગ્રેસના પીઢ નેતા કરમશીભાઈ મકવાણાનાં સંતાનો છે. પંથકમાં કદાવર કોળી નેતા અને ગાંધીવાદી છાપ ધરાવતા કરમશીભાઇ મકવાણા પરિવારે શિક્ષણ ક્ષેત્રે ખૂબ કામ કર્યું. અનેક શાળાઓ ચલાવીને સેવાની સુવાસ ફેલાવી છે. જેને લઈ કોંગ્રેસે આ મુદ્દાને ધ્યાને લઇને પરિવારનાં ભાઈ-બહેનને ફરી મેદાને ઉતારીને ભાજપ કિરીટસિંહ રાણાને જોરદાર ટક્કર આપી છે. ચોટીલા-સાયલા વિસ્તારમાં કોંગ્રેસમાં પ્રભુત્વ ધરાવતા સ્વ. કરમશીભાઈ મકવાણાનાં સંતાનો ચૂંટણી લડી રહ્યાં છે. 2007માં ચોટીલા-વઢવાણમાં મહિલાને ટિકિટ આપીને ભાજપે રાજકીય સમીકરણો બદલ્યાં હતાં. પરંતુ કરમશીભાઈનાં દીકરી કલ્પનાબેન 26604 મતથી હારતાં ભાજપે બેઠક ગુમાવી હતી પરંતુ પેટાચૂંટણીમાં કલ્પનાબેનના ભાઈ મહેશભાઈને લડાવીને સીટ હાથવેંત કરી હતી.

કોળી અને મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ
કલ્પનાબેન ભાજપમાં રહીને 2010માં જિલ્લા પંચાયતની ડોળિયા બેઠક જીતીને ઉપપ્રમુખ બન્યાં હતાં. ત્યાર પછી ભાજપ સાથે છેડો ફાડીને કૉંગ્રેસમાં જોડાયાં અને 2015માં જિલ્લા પંચાયતના પ્રમુખ અને 2020માં વિરોધપક્ષના નેતા બન્યાં હતાં. સાયલાના તળપદા મતદારો પરની પકડને કારણે કૉંગ્રેસે તેમને ટિકિટ આપીને ભાજપના કિરીટસિંહ રાણાને કાંટાની ટક્કર આપી છે. કોંગ્રેસ આ બેઠક ઉપર કોળી જ્ઞાતિના ઉમેદવારને જ ટિકિટ આપતી આવી છે ત્યારે આ વખતે મહિલા ઉમેદવારનો પણ ફાયદો લેવા કલ્પનાબેનને ટિકિટ આપી છે. તેઓ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલાં છે અને અગાઉ પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. કોળી અને મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ છે.

પારડીઃ જયશ્રી પટેલ
વલસાડ જિલ્લાની હાઈ પ્રોફાઇલ ગણાતી પારડી વિધાનસભા બેઠક ઉપર વલસાડ જિલ્લા મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષ મહિલાસભ્ય જયશ્રી પટેલના નામની જાહેરાત કરી છે. જયશ્રી પટેલ આદિવાસી સમાજની હોવાની સાથે જિલ્લા કોંગ્રેસની મહિલા પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યાં છે. જયશ્રી પટેલની માતા સવિતાબેન પટેલ પણ પારડીના ધારાસભ્ય રહી ચૂક્યાં હોવાથી પારડીની પ્રજા તેમના ઉપર આશીર્વાદ આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે ભાજપના નાણામંત્રીને જંગી લીડથી હરાવશે તેમ જયશ્રી પટેલે જણાવ્યું હતું.

દેડિયાપાડાઃ જેરમાબેન વસાવા
દેડિયાપાડાના કોંગ્રેસ ઉમેદવાર તરીકે જેરમાબેન વસાવાને ટિકિટ ફાળવી છે, આદિવાસી વિસ્તાર એવા દેડિયાપાડામાં કોઈ મહિલા ઉમેદવારને કૉંગ્રેસ દ્વારા પોતાના વિધાનસભાના ઉમેદવાર બનાવાયા હોય એવો આ પ્રથમ જ બનાવ છે. જોકે આ બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવાનું પત્તું કપાયું છે. જેરમાબેન્ન વસાવા જોકે કોંગ્રેસના દેડિયાપાડા ખાતેના સંનિષ્ઠ કાર્યકરો પૈકીના એક છે,લોકોમાં સારી એવી પકડ જમાવી છે, પરંતુ દાયકાઓથી કૉંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સત્તાથી દૂર છે છતાં પણ જૂથબંધી ચરમસીમાએ જોવા મળે છે. એક ઉમેદવારની પસંદગી થાય તો બીજો તેના મતો કાપતો હોવાની ફરિયાદો ભૂતકાળમાં ભારે ચર્ચાસ્પદ બની હતી, ઉમેદવારો હાર્યા પણ હતા અને ઉમેદવારોએ ફરિયાદો મોવડી મંડળ સુધી પણ પહોંચાડી હતી. એક કોંગ્રેસી નેતાએ તો પોતાના મત વિસ્તારને છોડી છેક દેડિયાપાડા પહોંચી કૉંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ અપક્ષ ઉમેદવારને ઊભો રાખવા પોતાનું પીઠબળ પૂરું પાડ્યું હતું, વિરુદ્ધમાં પ્રચાર કર્યો હતો જેની ફરિયાદ છેક દિલ્હી સુધી જ્યારે સ્વ. અહેમદ પટેલ જીવતા હતા ત્યારે તેમના સુધી પહોંચી હતી.

ગોંડલઃ નિમિષાબેન ખૂંટ
ગોંડલ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નિમિષા ખૂંટ 2017માં પણ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યાં હતાં. ત્યારે તેઓને 2500 જેટલા જ મત મળ્યા હતા. આ વખતે ફરી તેમને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. નિમિષા ખૂંટ અપરિણીત છે અને તેમની ઉંમર 44 વર્ષ છે. તેમજ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમની પર એક પણ ક્રિમિનલ કેસ નોંધાયો નથી. પિતા ધીરજલાલ ખૂંટ સાથે રહે છે. નિમિષા ખૂંટે કોરોનાકાળ દરમિયાન અનેક સેવાકીય કામગીરી કરી છે.

માંડવીઃ સાયનાબેન ગામિત
સાયના ગામિત માંડવી વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. સોનગઢ તાલુકાના કેલાઈ ગામના સરપંચ તરીકે હાલ સાયના ગામિત છે. તેમના પતિ રિટાયર્ડ આર્મી જવાન છે. સાયના ગામિત ગ્રેજ્યુએટ થયેલાં છે. પરિવારમાં કોઈ પણ પ્રકારનું રાજકીય બેકગ્રાઉન્ડ ન હોવા છતાં તેઓ સામાજિક સેવા કરીને રાજકારણમાં આવ્યાં છે. સરપંચ બન્યાં બાદ તેઓ પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે. સાયના અને તેમના પતિ આદિવાસી વિસ્તારોની અંદર જે બાળકો પોલીસમાં કે આર્મીમાં ભરતી થવા માંગતા હોય તેમને ફિઝિકલ ટ્રેનિંગ આપવાની કામગીરી પણ કરે છે. જેને કારણે તેઓ આ વિસ્તારની અંદર જાણીતાં છે.

ઉનાઃ સેજલબેન ખૂંટ
ઉના 93 વિધાનસભામાં આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર સેજલબેન ખૂંટ પોતે ગીરગઢડા તાલુકાના શાણાવાક્યા ગામનાં વતની છે. પોતે છેલ્લાં 15 વર્ષથી એજ્યુકેશન ક્ષેત્રે પ્રોફેસર તરીકે જોડાયેલાં છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યા બાદ ઉમેદવારી નોંધાવી હતી.

તળાજાઃ લાલુબેન ચૌહાણ
લાલુબેન નરશીભાઈ ચૌહાણ ભાવનગર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ભાવનગર જિલ્લામાંથી એકમાત્ર જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. લાલુબેને ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે અને કોળી સમાજના કન્યા છત્રાલયના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યાં છે અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલાં છે. કોળી સમાજમાં આગવું નામ ધરાવે છે, અને એક હાઉસવાઈફ છે.

ઝઘડિયાઃ ઉર્મિલા ભગત
ઝઘડિયામાં ઉર્મિલા ભગતને ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યાં છે. ઉર્મિલા ભગત 2 વર્ષથી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ તરીકે ફરજ નિભાવી રહ્યાં છે. આ સાથે હ્યુમન રાઈટ્સના સ્ટેટ મહિલા પ્રમુખ તરીકે પણ કામગીરી કરી રહ્યાં છે. ઉર્મિલાબેને BA, B. PED સુધીનો અભ્યાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...