કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં કેરીનું ખાસ મહત્ત્વ છે. કાચી કેરીથી લઇને એની ગોટલીનો પણ આપણે ત્યાં ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં જ કેરીની જ ઘણી જાતો જોવા મળે છે. ત્યારે કેરીના એક જ ફળની વિવિધ વેરાઇટીમાં રહેલાં તત્ત્વોમાં પણ વિવિધતા હોય છે.
‘દિવ્ય ભાસ્કર’ દ્વારા ગુજરાતની મુખ્ય પાંચ કેરીમાં રહેલાં પોષક તત્ત્વોને જાણવા માટે ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ વિભાગની લેબમાં એનો ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં પાંચ પ્રકારની કેરીઓના 100 ગ્રામના સેમ્પલને આધારે એમાં રહેલા વિટામિન- પોષક તત્ત્વોની માહિતી મેળવી હતી.
કેરીઓનો વૈજ્ઞાનિક રિપોર્ટ (સેમ્પલ 100 ગ્રામ પ્રમાણે લેવાયું હતું)
5 મુખ્ય જાતની કેરીઓમાં પ્રોટીન, ફેટ, ફાઇબર સહિતનાં પોષક તત્ત્વોનું પ્રમાણ
કેરીનો પ્રકાર | પ્રોટીન | કાર્બોહાઇડ્રેટ | ફેટ | સુક્રોસ | ફાઇબર | ઓમેગા 3 | વિટામિન-C |
નીલમ | 1% | 8.21% | 0.55% | 0.81% | 1.77% | 98.95 મિગ્રા | 29.93 મિગ્રા |
આફૂસ | 1% | 9.79% | ----- | 1.94% | 1.08% | 87.03 મિગ્રા | 32.01 મિગ્રા |
બદામ | 0.54% | 8.18% | 0.55% | 4.66% | 1.88% | 101 મિગ્રા | 32.97 મિગ્રા |
કેસર | 0.54% | 11.36% | 0.57% | 1.55% | 2.02% | 90.87 મિગ્રા | 29.08 મિગ્રા |
તોતાપુરી | 0.41% | 12.75% | 0.49% | -- | 1.73% | 70.06 મિગ્રા | 25.26 મિગ્રા |
જાણીતાં એમ.ડી હોમિયોપેથ અને ન્યૂટ્રિશિનિસ્ટ એક્સપર્ટ ડો. બિંદિયા પટેલના જણાવ્યા પ્રમાણે
પોલિફેનોલ, ઝીઆક્સેથીન અને ક્રિપ્ટોક્સેટીન એન્ટી એન્જિંગ તરીકે
પોલિફેનોલ એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે છે. શરીરમાં ઝેરી કચરોનો નાશ કરે છે. બ્લડ સર્ક્યુલેશનને પ્રમોટ કરે છે. જ્યારે કે ઝીઆક્સેથીન હેવી લાઇટ, અલ્ટ્રાવાયોલેટ કિરણો વગેરે સામે આંખોના રક્ષણ માટે કામ કરે છે. જ્યારે ડીમ લાઇટમાં પણ જોવા માટે મદદ કરે છે. આ સાથે જ ક્રિપ્ટોક્સેટીન, વિટામિન એ બનાવવા માટે મદદ કરે છે. આંખો માટે પણ મદદરૂપ કરે છે. શરીરના વિકાસમાં અને ઇમ્યુનિટી સિસ્ટમ પર અસર કરે છે. આ ત્રણ તત્ત્વો માત્ર નેચરલ સોર્સથી જ પ્રાપ્ત થાય છે.
કેરીમાં એન્ટીએજિંગ તત્ત્વોનું પ્રમાણ
કેરીઓની 5 જાતનું પરીક્ષણ અમારી લેબમાં કરવામાં આવ્યું હતું, જેમાં બહુ રસપ્રદ તારણો મળ્યાં છે. જે પ્રમાણે કેરીઓમાં એન્ટીએન્જિંગ તત્ત્વો વધુ પ્રમાણમાં હોવાથી લોકોને ખૂબ જ ઉપયોગી છે. આ તત્ત્વોને કારણે ઉંમર વધતાં તેની અસર ચામડી પર નહીં થાય. મેંગેફેરીન સૌથી વધુ ગોટલી, છાલમાંથી મળે છે, જેને આપણે નાખી દઇએ છીએ, પરંતુ મેંગેફેરીનનો માર્કેટમાં ભાવ 1 ગ્રામના 36 હજાર છે. રાજ્યમાં વિપુલ પ્રમાણમાં મળતી હોવાથી સરકારે એના ઉદ્યોગ વિશે પણ વિચારણ કરવી જોઇએ. - ડો. રાકેશ રાવલ, હેડ ઓફ લાઇફ સાયન્સ - ફૂડ સાયન્સ, ન્યૂટ્રિશિયન ડિપાર્ટમેન્ટ, ગુજરાત યુનિ.
પોષક દ્રવ્યો અને તેમની શરીર પર અસર
પ્રોટીન: શરીરના વિકાસ માટે અને મસલ્સ માટે પ્રોટીન જરૂરી. મેટાબોલીઝમ પર પણ અસર કરે છે. પ્રોટીનની ખામીથી હેર ફોલ, વીકનેસ, ડ્રાયસ્કિન અને વધી જાય તો કબજિયાત, ડાયેરિયા અને કિડનીને પણ અસર થઇ શકે છે.
કાર્બોહાઇડ્રેટ: બોડીને શક્તિ આપવાનું કામ કાર્બોહાઇડ્રેડ કરે છે. કાર્બોહાઇડ્રેડની કમીથી હાઇપોગ્લાસેનિયા (ચક્કર આવવા) થાય છે, પરંતુ શરીરમાં એ વધે તો ડાયાબિટીસ, વજન વધવું અને મગજ ધીમુ થવું એવી સમસ્યા થાય છે.
ફેટ: ફેટ શરીરને શક્તિ આપે છે. આંતરિક અંગોની સુરક્ષાનું કામ ફેટ કરે છે. કિડની, હાર્ટ વગેરેની આસપાસ સુરક્ષા કવચનું કામ કરે છે અને વિટામિન્સને શોષે છે. ફેટની કમીથી વિટામિન ઓછા થાય છે. વાળ ખરવાની સમસ્યા, રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો, માનસિક થાક વધી જાય તો હાર્ટ-એટેક, બ્લડપ્રેશર, ડાયાબિટીસની સંભાવના.
સુક્રોસ: ફિઝિકલ અને મેન્ટલ કામ કરવા માટે શરીરને એનર્જી આપે છે. સુક્રોસ વધારે હોય તો ડાયાબિટીસની શક્યતા વધી જાય છે. ઉપરાંત શરીરનું વજન પણ વધે છે. આ ઉપરાંત વ્યક્તિમાં હૃદય રોગની સમસ્યા ઊભી થઇ શકે છે.
ફાઇબર: ફાઇબર શરીરમાં ખોરાકની પાચનક્રિયામાં મદદ કરે છે, ફાઇબરને કારણે સ્ટૂલપાસ બરાબર પાસ થાય છે, શરીરમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોય તો કબજિયાતની સમસ્યા જોવા મળે છે, પરંતુ જો એ વધી જાય તો ડાયેરિયા જેવી સમસ્યા ઊભી થઈ શકે છે.
ઓમેગા-3: ઓમેગા-3 સ્વસ્થ શરીરને મેઇન્ટેન કરવાનું કામ કરે છે. હાર્ટ, લંગ્સ, ઇમ્યુન સિસ્ટમ વગેરેનો એનર્જી સોર્સ ઓમેગા-3 છે. જો ઓમેગા-3નું પ્રમાણ વધી જાય છે તો બ્લડશુગર વધી શકે છે અને ડાયેરિયાની સમસ્યા પણ ઊભી થઇ શકે છે.
વિટામિન-C: ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરે છે. એન્ટી ઓક્સિડન્ટ પણ છે. ઇન્જરીની રિકવરી માટે પણ મદદરૂપ થઇ શકે છે. પેઢાની હેલ્થ માટે પણ મદદરૂપ છે. વધારે વિટામિન-સી લેવાથી નોશિયા, વોમિટિંગ અને ડાયેરિયા અને એસિડિટી પણ થઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.