અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરતા ઘાટલોડીયા ચાણક્યપુરી બ્રીજ પાસે આવેલા ખુલ્લા મેદાન પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન એક યુવક ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી પોલીસે મેદાનમાં જઈને તપાસ કરી તો ચાઈનીઝ દોરીની રીલ પર અજય વાઘેલા (ઉ.વ 22 રહે.ચાંદલોડીયા) હોવાનુ સામે આવ્યું હતું. જેથી પોલીસે અજયે ચગાવેલ પતંગ ઉતારાવ્યો હતો, બાદમાં તેના વિરુદ્ધમાં ગુનો નોંધી ચાઈનીઝ દોરી જપ્ત કરીને અજયની ધરપકડ કરી હતી.
90 ચાઈનીઝ દોરીના ટેલર જપ્ત કર્યા
બીજી બાજુ આંબાવાડી ચિમનભાઈ પટેલના બંગલા પાસે ખુલ્લા મેદાનમાં કેટલાક શખ્સો ચાઈનીઝ દોરીનો જથ્થો રાખીને વેચાણ કરી રહ્યા હોવાની બાતમી સેટેલાઈટ પોલીસને મળી હતી. જેથી પોલીસે તે જગ્યાએ દરોડા પાડીને ત્રણ વ્યક્તિઓને ઝડપીને 90 ચાઈનીઝ દોરીના ટેલર જપ્ત કર્યા હતા. આરોપીઓની પુછપરછ દરમિયાન આરોપીઓએ તેમના નામ બ્રીજેશ ઉર્ફે સાહીલ જાદવ અને આનંદ સોલંકી જણાવ્યું હતું. ચાઈનીઝ દોરીનો જથ્થો કોની પાસેથી લાવ્યો તે પુછપરછ કરતા દાણીલીમડા ખાતે રહેતા પાર્થ સોલંકી પાસેથી લાવ્યો હોવાનું અને તે પણ અંહી આવી રહ્યો હોવાનું જણાવતા પોલીસે પાર્થની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
ફતેવાડી કેનાલ પાસે ચાઈનીઝ દોરીના 10 ટેલર ઝડપાયો
ફતેવાડી કેનાલ પાછળ બિસમીલ્લા બેકરીની ગલીના ખાંચામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહેલા મોહસીન મલેક નામના યુવકને વેજલપુર પોલીસ ઝડપી 10 ચાઈનીઝ દોરીના રીલ જપ્ત કર્યા છે. તો બીજી બાજુ બોમ્બે હાઉસીંગ સરસપુર તરફથી અમુદુપુરા તરફ ચાઈનીઝ દોરીની ફિરકી લઈને જઈ રહેલા રોહિત પટણી નામના શખ્સને શહેરકોટડા પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે સાઈનીઝ દોરીની ફિરકી જપ્ત કરી વધુ તપાસ હાથધરી છે.
મીરઝાપુર પાસેથી દેશી પિસ્તોલ અને કારતુસ સાથે એક ઝડપાયો
મીરઝાપુરમાં ભત્રીજા સાથે ઝઘડો થયો હોવાથી ભત્રીજો હુમલો કરશે તેવા ભયના કારણે દેશી બનાવટી પિસ્તોલ અને 10 જીવતા કારતુસ સાથે ઉભા રહેલા યુવકને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે. હથિયારનો જથ્થો જપ્ત કરીને આરોપીની સઘન પુછપરછ હાથધરી છે.
રિવોલ્વર અને 10 જીવતા કારતુસ મળી આવ્યા
ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ જીવણભાઈ તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ફુરકાન અબ્દુલગફુર પઠાણ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફરે છે, હાલમાં મીરઝાપુર ત્રણ ખુણીયા બગીચા પાસે આવેલ રાજ ઓટો મોબાઈલ્સ નામના ગેરેજ પાસે ઉભો છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તે જગ્યાએ વોચ ગોઠવીને ફુરકાન અબ્દુલગફુર ખીલજીને ઝડપી પાડ્યો હતો. બાદમાં તેની તપાસ કરતા તેની પાસેથી દેશી બનાવટી રિવોલ્વર અને 10 જીવતા કારતુસ મળી આવ્યા હતા.
દુકાન લેવા માટે અવારનવાર ઝઘડો કરતો
પ્રાથમિક પુછપરછમાં હનુમાનજી મંદિર પાસેના ખીલજી એપાર્ટમેન્ટમાં ટુવ્હિલર અને ફોર વ્હીલરનું ગેરેજ ચલાવતો હતો. તેમનો ભત્રીજો ફિરોજ ઉર્ફે બસ્તી કન્ટસ્ટ્રક્શનું કામ કરતો હોય અને ખીલજી એપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગ છ વર્ષ પહેલા તેણે બનાવી હોય અને ભોયરામાં જવા તથા આવવા માટે દુકાન લેવા માટે અવારનવાર ઝઘડો કરતો હતો, જેથી ભત્રિજો ફીરોજ હુમલો કરે તેવો ભય હોવાના કારણે હથિયાર તેની પાસે રાખ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.