રાજ્ય સરકારનું જાહેરનામું:દિવાળીના તહેવારમાં રાત્રે બે કલાક માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી, ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ

અમદાવાદ3 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસવીર.
  • માત્ર લાયસન્સ ધારક વેપારીઓને જ ફટાકડાનું વેચાણ કરી શકશે
  • બેસતા વર્ષના દિવસે રાત્રે 11.55 કલાકથી 12.30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી

દિવાળીના તહેવાર પૂર્વ રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમકોર્ટના હુકમ મુજબ ફટાકડા ફોડવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એ મુજબ વિદેશથી ફટાકડાની આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ તથા ફટાકડા ફોડવાના સમય અંગે જાણકારી આપવામાં આવી છે.

લાઇસન્સધારક વેપારીઓ જ ફટાકડા વેચી શકશે
ગુજરાત સરકાર દ્વારા કરાયેલા જાહેરનામા મુજબ, ગ્રીન તથા માન્યતાપ્રાપ્ત ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરવાની જ પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડા અને વેચાણ પર સુપ્રીમકોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. આ સાથે માત્ર લાઇસન્સધારક વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે.
રાત્રે 8થી 10 કલાક ફટાકડા ફોડી શકાશે
ઈ-કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડા ફોડી શકાશે, એટલે કે બે કલાકના સમયગાળામાં જ ફટાકડા ફોડવાની મંજૂરી અપાઈ છે. જોકે બેસતા વર્ષના દિવસે રાત્રે 11.55 કલાકથી 12.30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.

સુપ્રીમકોર્ટે કહ્યું, ‘કોઈના આરોગ્યના ભોગે ઉજવણી ન હોઈ શકે’
રાજ્ય સરકારના જાહેરનામામાં જણાવાયું છે કે ફટાકડા ઓનલાઇન માધ્યમથી એટલે કે ઇ-કોમર્સથી વેચી શકાશે નહીં. જે ફટાકડા બનાવવામાં બેરિયમ સૉલ્ટનો ઉપયોગ થાય છે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. લાઈસન્સ કે મંજૂરી નહીં ધરાવતાં લોકો ફટાકડાનું વેચાણ કરી શકશે નહીં. આ માટે શહેર કક્ષાએ પોલીસ કમિશનર તથા જિલ્લા કક્ષાએ કલેક્ટરે 144ની કલમ હેઠળ અલગથી જાહેરનામું બહાર પાડીને તેનો અમલ કરાવવાનો રહેશે. સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ અને એ.એસ. બોપન્નાની બેન્ચે ફટાકડા અંગેનો આદેશ આપતા જણાવ્યું હતું કે ગ્રીન ફટાકડા પર પ્રતિબંધ નથી. બેન્ચે જણાવ્યું હતું કે કોઈના આરોગ્યના ભોગે ઉજવણી હોઈ શકે નહીં.

દિલ્હીમાં સંપૂર્ણ બૅન તો અન્ય રાજ્યોમાં પણ 2 કલાકની છૂટ અપાઈ
દિલ્હી સરકારે ફટાકડાના વેચાણ તથા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. તો કોલકાતા હાઇકોર્ટે તહેવારો સુધી ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.રાજસ્થાન, છત્તીસગઢ, પંજાબમાં બે કલાક માટે છૂટ અપાઈ છે.

  • શું છે ગ્રીન ફટાકડા: નિર્ધારિત મર્યાદામાં ઘોંઘાટ અને ધુમાડો ફેંકતા ફટાકડાને કોર્ટે ગ્રીન અથવા ઇકોફ્રેન્ડલી માન્યા છે. તેમાં નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હોય છે.
  • કયા ફટાકડા પ્રતિબંધિત: જેની બનાવટમાં બેરિયમ સૉલ્ટનો ઉપયોગ થયો હોય એવા ફટાકડા પર પ્રતિબંધ છે. ફટાકડાની લેર અને સાપની ટીકડીઓ પર પ્રતિબંધ છે.

અમદાવાદ સહિત 20 શહેરોમાં ચાઇનીઝ માલના બહિષ્કારથી ચીનને 50 હજાર કરોડનો ફટકો
વેપારીઓના સંગઠન કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સનો અંદાજ (CAIT)એ શુક્રવારે જણાવ્યું હતું કે અમદાવાદ સહિત દેશના 20 શહેરોમાં ચાઇનીઝ માલના બહિષ્કારના કારણે આ દિવાળીએ ચીનના નિકાસકારોને અંદાજે 50 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. CAITના અંદાજ મુજબ આ દિવાળીએ ગ્રાહકો અંદાજે કુલ 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. દેશના 20 શહેરોમાં સરવે બાદ આ તારણ અપાયું હતું.