બેદરકારી:અમદાવાદની કુલ 2100 હોસ્પિટલમાંથી માત્ર 91 હોસ્પિટલે જ ફાયરનું NOC લીધું, બાકીની ‘જીવતા બોમ્બ’ સમાન

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડની મહામારીમાં પણ બેફામ લૂંટફાટ ચલાવતી ખાનગી હોસ્પિટલ પર હાઇકોર્ટે રોક લગાવવી પડી હતી
  • આગ લાગે ત્યારે કૂવો ખોદવાની તંત્રની નીતિ અને બેદરકારીના કારણે અનેક નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે

શહેરના સત્તાધીશોની બેદરકારીના કારણે ખાનગી હોસ્પિટલની દાદાગીરી બેફામ બની ગઈ છે. જેમાં હાલ કોવિડ-19ની પરિસ્થિતિમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સરકારના આરોગ્ય તંત્રને ખાનગી હોસ્પિટલનો સાથ લેવામાં આંખે પાણી આવી ગયા હતા, પરંતુ તંત્રની આ બેદરકારી અને ખાનગી હોસ્પિટલ પ્રત્યેનું કૂણું વલણ દર્દીઓ અને સગાઓ માટે મોતનું કારણ બની જાય છે, જેમાં અમદાવાદની કુલ 2100 હોસ્પિટલમાંથી માત્ર 91 હોસ્પિટલએ જ ફાયર વિભાગની નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લીધી છે. જ્યારે બાકીની બધી હોસ્પિટલો જીવતા બોમ્બ જેવી ચાલી રહી છે.

તંત્રની ઢીલી નીતિ અને નિયમો નેવે મૂકી હોસ્પિટલોના ધંધા
અમદાવાદનું મ્યુનિસિપલનું તંત્ર હોય કે રાજ્યનું આરોગ્ય વિભાગ બંનેની ઢીલી નીતિ અને સમાધાનકારી વલણને લીધે અમદાવાદ જેવા સ્માર્ટ સિટીની ખાનગી હોસ્પિટલ બેફામ બનીને દર્દીઓને લૂંટી રહી છે. એટલું જ AMC કે સરકારના નીતિ નિયમોને નેવે મૂકીને હોસ્પિટલનો ધંધો ચલાવી રહ્યા છે. આવી તંત્ર અને ખાનગી હોસ્પિટલની સાંઠગાંઠના કારણે કોઈ હોનારત કે ઘટના બને ત્યારે એકદમ તંત્ર જાગે છે અને પછી થોડા દિવસમાં બધું ભૂલી જાય છે. અમદાવાદની કહેવાતી પ્રતિષ્ઠિત શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગે ફરી એકવાર પુરવાર કરી દીધું કે તંત્રની બેદરકારીના કારણે અનેક નિર્દોષના જીવ જાય છે.

ખાનગી હોસ્પિટલોએ કોવિડ દર્દી પાસે લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી
હાલમાં કોરોના મહામારી દરમિયાન દર્દીઓને ઝડપી અને સારી સારવાર મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19 વોર્ડ શરૂ કરવા માટે કહ્યું હતું. જેમાં મોટા ભાગની ખાનગી હોસ્પિટલોએ કોરોનાના દર્દીને સારવાર આપવાના નામે લાખો રૂપિયાની લૂંટ શરૂ કરી દેતા અને માનવતા નેવે મુકી દેતા અંતે સરકાર અને હાઇકોર્ટની સૂચનાથી ખાનગી હોસ્પિટલોએ કોરોનાની સારવારના દર ઘટાડવા ફરજ પડી હતી.

હોસ્પિટલોની NOC મામલે AMC ઊંઘતું રહ્યું
આ દરમિયાન પણ કેટલાક જાગૃત નાગરિકો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારને ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી કે ફાયરની NOC ન હોવાની રજૂઆત કરી હતી. છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ગત જાન્યુઆરીથી જુલાઇ સુધીમાં અમદાવાદ શહેરમાં આવેલી કુલ 2100 હોસ્પિટલોમાંથી માત્ર 91 હોસ્પિટલ ફાયર NOC લીધી હોવાનું બહાર આવ્યું હોવા છતાં પણ AMCનું તંત્ર ઊંઘતું રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...