તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ:ICU વોર્ડનો દરવાજા પર ડિજિટલ લોક હતું, ફિંગર પ્રિન્ટ વગર કોઈ અંદર-બહાર જઇ શકતું ન હતું

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: ચેતન પુરોહિત
  • પોલીસ ટ્રસ્ટી ભરત મહંતને પુછપરછ માટે લઈ ગઈ
  • ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટવાળા નીકળ્યા, શ્રેય હોસ્પિટલે પરિવારજનોને જાણ ન કરી
  • શ્રેય હોસ્પિટલને સીલ કરાઈ છે અને તેની સામે FIR દાખલ કરવામાં આવી છે

શ્રેય હોસ્પિટલમાં મોડી રાતે કોરોનાના ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU) વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને 8 નિર્દોષના મોત થયા હતા. ICU વોર્ડનો દરવાજાને ડિજિટલ લોક કરાયું હતું. જેથી ફિંગર પ્રિન્ટ વગર કોઈ અંદર-બહાર જઇ શકતું ન હતું. હાલ પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) આ મુદ્દે આ ઘટના પાછળના કારણ શોધી રહી છે.

ફાયસ સેફ્ટીના સાધનો 10 વર્ષ જૂના
શ્રેય હોસ્પિટલની કેટલીક ચોંકાવનારી બેદરકારીની સામે આવી રહી છે. જેમાં હોસ્પિટલમાં રાખવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો 2009 અને 2011ના હતા. હોસ્પિટલની બેદરકારી એવી હતી કે, ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કેન્ટીનનો ગેસ સિલિન્ડર પણ પડ્યો હતો. જો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોત તો વધુ જાનહાનિ થવાની શક્યતા હતી

મૃતક દર્દીઓના સગાને પોલીસ જાણ કરશે
સેક્ટર -1 જોઈન્ટ કમિશર ઓફ પોલીસ (JCP) આર.વી. અસારીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી હતી કે નહીં, ઇમરજન્સી એક્ઝિટ હતી કે નહીં. તમામ પાસાઓ અંગે તપાસ શરૂ કરી છે. હાલ 4 ટ્રસ્ટીઓ પૈકી ભરત મહંત નામના ટ્રસ્ટીને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. દર્દીઓના સગાઓને પણ પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવશે.

હોસ્પિટલમાં એક્સપાયરી ડેટના ફાયર સેફ્ટીના સાધનો
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. ત્યારે આ દુર્ઘટના પાછળ ફાયર વિભાગ તેમજ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રેય હોસ્પિટલમાં માત્ર એક જ દરવાજો છે. ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરતા તે પણ એક્સપાયરી ડેટના નીકળ્યા છે. ત્યારે હોસ્પિટલે પણ મધરાતે લાગેલી આગમાં મોતને ભેટનાર દર્દીઓના પરિવારજનોને જાણ ન હતી કરી. પરિવારજનનો મીડિયા દ્વારા દુર્ઘટનાની જાણ થઈ હતી. હાલમાં હોસ્પિટલમાંથી 5 લોકોના મૃતદેહ પીએમ માટે લઇ જવામાં આવ્યા છે. હાલમાં શ્રેય હોસ્પિટલને સીલ કરાઈ છે અને તેની સામે FIR દાખલ કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...